America News/ CIAની ગુપ્તચર સિસ્ટમમાં હેકર્સની ઘૂસણખોરી! અમેરિકાના જાસૂસી નેટવર્કમાં સાયબર હુમલાથી ખળભળાટ

CIA Cyber Attack: અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAની માહિતી સંગ્રહિત કરતી સિસ્ટમમાં હેકર્સે ઘૂસણખોરી કરી હોવાની વિગતો સામે આવી છે. ODNI પર પણ તેની અસર પડી હોવાના અહેવાલ છે. હુમલાખોરો અને હુમલાની પદ્ધતિ અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.

Top Stories World
CIA Cyber Attack: CIA પર સાયબર હુમલાનો મોટો ખુલાસો, અમેરિકાના ગુપ્તચર નેટવર્કમાં ખળભળાટ

World News: અમેરિકાની ગુપ્તચર એજન્સી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) પર રહસ્યમય સાયબર હુમલો (CIA Cyber Attack) થયો હોવાની વિગતો સામે આવી છે. હેકર્સે CIAની એક ગુપ્તચર સિસ્ટમમાં ઘૂસણખોરી કરી છે. આ સિસ્ટમમાં સોશિયલ મીડિયા, સેટેલાઈટ તસવીરો અને અન્ય જાહેર સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવેલી મહત્વપૂર્ણ માહિતી સંગ્રહિત કરવામાં આવતી હતી. આ ઘટનાને પગલે અમેરિકાના ગુપ્તચર નેટવર્કની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી છે.

CIA Cyber Attack: ODNI પર પણ પડી સાયબર હુમલાની અસર

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, આ સાયબર હુમલાની અસર ઓફિસ ઓફ ધ ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (ODNI) પર પણ પડી છે. CIAની આ સિસ્ટમનો ઉપયોગ વિશ્વભરમાં સંભવિત જોખમોને ઓળખવા અને મહત્વપૂર્ણ ગુપ્તચર માહિતી એકત્રિત કરવા માટે કરવામાં આવતો હતો.

હુમલાખોરો કોણ અને કેવી રીતે ઘૂસ્યા?

આ સાયબર હુમલા પાછળ કયા હેકર્સ અથવા જૂથનો હાથ છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં પણ હેકર્સે સિસ્ટમમાં કઈ પદ્ધતિથી પ્રવેશ કર્યો હતો તેની વિગતો સામે આવી નથી. આથી હુમલાના મૂળ અને તેની સંપૂર્ણ અસર અંગે હજુ અનિશ્ચિતતા છે.

અમેરિકાની અનેક સરકારી સંસ્થાઓ સાયબર હુમલાની ઝપેટમાં

તાજેતરના સમયમાં અમેરિકાની સરકારી સંસ્થાઓ પર સાયબર હુમલા અને ટેકનિકલ ખામીઓની ઘટનાઓ સામે આવી છે. અગાઉ અમેરિકન કૃષિ વિભાગમાં પણ સાયબર ઘૂસણખોરી થઈ હતી. આ ઉપરાંત ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)માં પણ બે અલગ-અલગ સાયબર હુમલાની ઘટનાઓ સામે આવી હતી.

પેન્ટાગોન અને અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગ પણ તાજેતરની સાયબર ઘટનાઓથી પ્રભાવિત થયા છે. થોડા દિવસો પહેલાં હેકર્સે FBIના નેશનલ ક્રાઈમ ઇન્ફોર્મેશન સેન્ટર (NCIC) ડેટાબેઝને પણ નિશાન બનાવ્યો હતો. આ ડેટાબેઝ દ્વારા ફેડરલ, રાજ્ય અને પ્રાદેશિક કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે ગુનાહિત માહિતીની આપ-લે કરવામાં આવે છે. NCIC પર આ બીજો સાયબર હુમલો હોવાનું જણાવાયું છે.

માઈક્રોસોફ્ટની સેવાઓ પણ 36 કલાક સુધી ખોરવાઈ હતી

આ સાયબર ઘટનાઓ વચ્ચે અગાઉ અમેરિકામાં માઈક્રોસોફ્ટની સેવાઓમાં પણ મોટો આઉટેજ સર્જાયો હતો. તેના કારણે આઉટલુક, ટીમ્સ સહિતની અનેક ઓફિસ એપ્લિકેશન્સ લગભગ 36 કલાક સુધી પ્રભાવિત રહી હતી. આ દરમિયાન યુઝર્સને આ સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


આ પણ વાંચો: દેશમાં સૌથી મોટો સાયબર હુમલો, 300 બેંકોનું કામકાજ ઠપ્પ

આ પણ વાંચો: ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં સાયબર હુમલો, સર્વર હેક કરીને રૂ.7 કરોડ ટ્રાન્સફર

આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર હુમલો, બેંક ખાતા અને અન્ય માહિતી થઈ લીક