Uttarakhand News: અયોધ્યાના રામ મંદિર (Ram Mandir) બાદ હવે પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં પણ દાનની રકમમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો (Badrinath Donation Scam) છે. આ મામલે તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT Investigation)એ પોતાનો 300 પાનાંનો રિપોર્ટ ઉત્તરાખંડ સરકારને સોંપ્યો છે. રિપોર્ટમાં બદ્રીનાથ ધામ સહિત દેશનાં અનેક મંદિરોની દાન વ્યવસ્થા, સુરક્ષા અને સંચાલનમાં સુધારા કરવાની ભલામણ કરવામાં આવી છે.
Badrinath Donation Scam: બદ્રીનાથમાં દાનની ગણતરીમાં ગેરરીતિની તપાસ
આ વર્ષે જુલાઈ મહિનામાં બદ્રીનાથ ધામમાં દાનની થાળીની રકમમાં હેરફેરનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે SITની રચના કરી હતી. પોલીસ પણ આ મામલે અલગથી તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં બે કર્મચારીઓ પ્રમોદ નૌટિયાલ અને રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરવામાં આવી (Temple Donation Theft) છે.
SITએ માત્ર બદ્રીનાથ ધામ જ નહીં, પરંતુ ઉત્તર અને દક્ષિણ ભારતનાં કુલ 14 મોટાં મંદિરોની મુલાકાત લઈને ત્યાંની દાન ગણતરીની પદ્ધતિ, મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ 300 પાનાંનો તપાસ રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવામાં આવ્યો છે.

દાનની ગણતરીના રૂમમાં કાચની દિવાલો લગાવવાની ભલામણ
ગઢવાલ ડિવિઝનલ કમિશનર આનંદ સ્વરૂપની આગેવાની હેઠળની SITએ દાનની ગણતરીની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યાં છે.
- દાનની ગણતરી કરવામાં આવતી જગ્યાએ કાચની દિવાલો રાખવી, જેથી આસપાસના લોકો સમગ્ર પ્રક્રિયા જોઈ શકે.
- ગણતરીના રૂમના દરેક ખૂણે ઉચ્ચ ગુણવત્તાવાળા CCTV કેમેરા લગાવવા.
- નકલી નોટો ઓળખવા માટે ખાસ મશીનો મૂકવાં.
- દાનમાં મળતાં ઘરેણાં અને રોકડની ગણતરીની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવી.
20 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની પૂછપરછ
SIT દ્વારા બદ્રીનાથ મંદિર સમિતિ સાથે જોડાયેલા સ્ટાફ અને અધિકારીઓ સહિત આશરે 20 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત મંદિરના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસ ટીમે દાનની ગણતરી દરમિયાન થયેલી ગેરરીતિઓ અંગેની ફરિયાદોને ગંભીરતાથી તપાસી હતી.
ગઢવાલ ડિવિઝનલ કમિશનર આનંદ સ્વરૂપે PTI સાથેની વાતચીતમાં રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશનાં વિવિધ ધાર્મિક સ્થળોનો અભ્યાસ કર્યા બાદ મંદિર વ્યવસ્થામાં જરૂરી સુધારા માટે ભલામણો કરવામાં આવી છે.
SITના રિપોર્ટમાં કેટલીક જગ્યાઓની સુરક્ષા વ્યવસ્થા સંતોષકારક હોવાનું પણ સામે આવ્યું છે. આવી વ્યવસ્થાઓ અન્ય મંદિરોમાં પણ અમલમાં મૂકવાની ભલામણ કરવામાં આવી છે. હવે આ ભલામણોના આધારે ઉત્તરાખંડ સરકાર આગળ શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: સોનાની ગદા અને 40 દાનપેટી ગુમ! અયોધ્યા રામ મંદિરમાં ચોરીથી હડકંપ
આ પણ વાંચો: ગિરનાર અંબાજી મંદિરમાં મહાપાપ! મંદિરમાં દારૂ-મટન બાદ પૈસાની ચોરી, 26 લોકોની હકાલપટ્ટી
આ પણ વાંચો: અમદાવાદમાં ગરબા રમવા ગયા કર્મચારીઓ, વસ્ત્રાપુરની ઓફિસમાંથી 47 લેપટોપની ચોરી
