Girnar Ambaji Temple Controversy: હિન્દુ ધર્મના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર બિરાજમાન માતા અંબાજીના મંદિરમાં કેટલાક ભગવાધારીઓ દ્વારા આસ્થાના નામે ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં જ મંદિરના ભંડારા ગૃહમાં દારૂ અને નોનવેજ (મટન-ચિકન) ની મહેફિલ માણતા લોકોનો વિડીયો વાયરલ થયો હતો. આ વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં, હવે મંદિરના જ પૂજારીઓ દ્વારા શ્રદ્ધાળુઓએ દાનપેટીમાં નાખેલા પૈસાની ચોરી કરતા CCTV ફૂટેજ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
દાનપેટી પર બેસીને કઈ રીતે થતી હતી ચોરી?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અંબાજી મંદિરના પ્રવેશદ્વાર પાસે રાખવામાં આવેલી એક મોટી દાનપેટી પાસે બે પૂજારીઓ આસન જમાવીને બેઠા છે. શ્રદ્ધાળુઓ જ્યારે દર્શન કરીને પોતાની શ્રદ્ધા મુજબ રોકડ રકમ દાનપેટીમાં પધરાવે છે, ત્યારે ઘણી નોટો દાનપેટીની બનાવટના કારણે અંદર જવાના બદલે ઉપર જ રહી જાય છે. ભક્તો જેવા ત્યાંથી આગળ વધે છે, એટલે આ બંને પૂજારીઓ આજુબાજુ નજર દોડાવે છે અને કોઈ જોતું નથી તેની ખાતરી થતાં જ, તેઓ દાનપેટીની ઉપર પડેલી રોકડ રકમ (નોટો) ફટાફટ ભેગી કરીને પોતાની પાસે રાખેલી એક થેલીમાં અને પોતાના ગજવામાં (ખિસ્સામાં) સરકાવી દે છે. માતાજીના ચરણોમાં આવેલું દાન ગરીબોના કલ્યાણ કે મંદિરના વિકાસમાં વપરાવાના બદલે આ ‘પૈસાના પૂજારીઓ’ પોતાના ખિસ્સા ભરવા માટે વાપરી રહ્યા હતા.

કોંગ્રેસે ગંગાજળ અને ગૌમૂત્રથી કર્યું Ambaji Templeનું શુદ્ધિકરણ
આ શરમજનક ઘટનાઓ સામે આવતા જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ એક્શનમાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની આગેવાનીમાં કાર્યકરો ગિરનાર પર્વત ચઢીને અંબાજી મંદિરે પહોંચ્યા હતા. જ્યાં ભંડારા ગૃહમાં દારૂ-નોનવેજની પાર્ટી થઈ હતી તે જગ્યા અને સમગ્ર મંદિર પરિસરને ગૌમૂત્ર અને ગંગાજળનો છંટકાવ કરીને શુદ્ધ કરવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિકની બોટલ નથી જતી ત્યાં દારૂ-મટન ક્યાંથી આવ્યું?
કોંગ્રેસ નેતા મનોજ જોશીએ તંત્રની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતા આકરા સવાલો પૂછ્યા હતા. તેમણે કહ્યું કે, “ગિરનાર રોપવેમાં સામાન્ય યાત્રિકોનું સઘન ચેકિંગ થાય છે, પ્લાસ્ટિકની સાદી પાણીની બોટલ લઈ જવાની પણ મનાઈ છે. તો પછી આટલી કડક સુરક્ષા વચ્ચે દારૂની બોટલો અને નોનવેજ છેક ઉપર મંદિરના ભંડારા સુધી પહોંચ્યું કઈ રીતે?” કોંગ્રેસે માંગ કરી છે કે આમાં જે કોઈ સિક્યુરિટી ગાર્ડ કે અધિકારી સામેલ હોય તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.

હિન્દુત્વની વાતો કરતો ભાજપ આ મુદ્દે ચૂપ કેમ?
આશ્ચર્યની વાત એ છે કે, સામાન્ય દિવસોમાં ધર્મ અને આસ્થાના નામે મોટા નિવેદનો આપતા શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સ્થાનિક નેતાઓ કે પદાધિકારીઓએ આટલી મોટી ઘટના બની ગઈ હોવા છતાં મૌન સેવી લીધું છે. ભાજપના એક પણ નેતાનું આ નિંદનીય ઘટના પર નિવેદન આવ્યું નથી, જ્યારે કોંગ્રેસ રસ્તા પર ઉતરીને આંદોલનની ચીમકી આપી રહી છે.
26 લોકોની હકાલપટ્ટી, 18 દાવેદારો રદ
મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ અને ભારે હોબાળો મચતા સ્થાનિક વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. અત્યાર સુધીમાં દારૂ-મટન પાર્ટી અને ચોરી મામલે 10 પૂજારીઓ, 1 રસોઈયા સહિત કુલ 26 લોકોની મંદિરની સેવામાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે અને આ તમામના મંદિર પ્રવેશ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, અંબાજી મંદિરના નવા ‘મહંત’ પદ માટે દાવો કરનારા તમામ 18 લોકોની દાવેદારી પણ રદ કરી દેવામાં આવી છે. હવે નવા મહંતની નિમણૂક માટે નવેસરથી નામો મંગાવવામાં આવશે. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આ મામલે કડક પોલીસ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો માણવા જવું છે, તમામ આયોજન જાણો એક ક્લિક પર
આ પણ વાંચો:અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, જાનહાનિ ટળી
આ પણ વાંચો:યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં
