Gujarat Local Body Election 2026/ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઃ 15 મનપામાં 49 ટકા, 84 નપામાં 59 ટકા અને 34 જિલ્લા પંચાયતમાં 61 ટકા અને તાલુકા પંચાયતમાં 62 ટકા મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યમાં સાંજે છ વાગ્યા સુધી સરેરાશ મતદાન 57 ટકા થયું છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનના અપડેટેડ આંકડા ચૂંટણીપંચે આપ્યા છે. રાજ્યમાં સાંજે છ વાગ્યા સુધી સરેરાશ મતદાન 57 ટકા થયું છે. 15 મહાનગરપાલિકામાં સરેરાશ 49.02 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જ્યારે 84 નગરપાલિકામાં 59.50 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ સિવાય 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 61.69 ટકા મતદાન નોંધાયું છે. 260 તાલુકા પંચાયતમાં સરેરાશ 62.38 ટકા મતદાન નોંધાયું છે. આમ કુલ 25 હજારથી વધારે ઉમેદવારોનું ભાવિ હવે ઇવીએમમાં કેદ થઈ ગયું છે. 28મી એપ્રિલના રોજ પરિણામ છે. જ્યારે 11 નગરપાલિકાની પેટાચૂંટણીમાં 55.38 ટકા મતદાન થયું છે.

આમ નાગરિકોએ મતદાન કરીને નાગરિક ધર્મ બજાવી લીધો છે, હવે મંગળવારે મતદાન છે ત્યારે રાજકીય પક્ષો માટે સોમવારની રાત જાણે કતલની રાત જેવી સ્થિતિ છે. દરેક રાજકીય પક્ષ પરિણામને લઈને સતત ઉચાટમાં હશે. દરેક આગેવાનનું બીપી ચોક્કસપણે અત્યારે હાઈ હશે, જ્યારે કેટલાકનું બીપી પરિણામ પછી ઊંચુ આવશે એમ રાજકીય વિશ્લેષકોનું કહેવું છે.

આ બતાવે છે કે ગયા વખતની તુલનાએ મહાનગરપાલિકાના મતદાનમાં એક ટકાનો વધારો થયો છે. જ્યારે 84 નગરપાલિકાના મતદાનમાં એક ટકાનો ઘટાડો થયો છે. જ્યારે જિલ્લા પંચાયતમાં મતદાન સીધુ પાંચ ટકા જેટલું ઘટ્યુ છે. અને તાલુકા પંચાયતમાં મતદાન ચાર ટકા ઘટ્યું છે. આ બતાવે છે કે આ વખતે જિલ્લા અને તાલુકા પંચાયતમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે.  હવે જોવાનું એ છે કે આ ઘટેલું મતદાન શાસક પક્ષ પર કેવી અસર પાડે છે અને વિપક્ષને કેટલો ફાયદો કરાવે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ઓછું મતદાન થાય ત્યારે શાસક પક્ષ સત્તા જાળવી લે છે, પરંતુ ભાજપના કિસ્સામાં ઊંધું છે તે વધારે મતદાન થાય ત્યારે સત્તા જાળવે છે. હવે આ ઓછા મતદાનની સ્થિતિ ગરમીના કારણે પણ હોઈ શકે અને પક્ષની સામેનઆ અસંતોષના લીધે પણ હોઈ શકે. તેની સાથે-સાથે ફરીથી બેઠી થવા મથતી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો શાસક પક્ષ સામેનો પ્રચાર પણ કારણભૂત હોઈ શકે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન 26 એપ્રિલ, 2026 ના રોજ અદ્ભુત શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું. ભારે ગરમી છતાં, મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો, રાજ્યના 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સરેરાશ 48.32 ટકાથી 53 ટકા (અંદાજિત) મતદાન થયું. આજના મતદાન સાથે, 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 1001 બેઠકો માટે ચૂંટણી લડી રહેલા 3145 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય હવે EVM મશીનોમાં સીલ થઈ ગયું છે, જેનો અંતિમ નિર્ણય મંગળવારે પરિણામોમાં લેવામાં આવશે.

આ પહેલા 2021માં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. તે સમયે કુલ છ મનપા હતી અને તેની ચૂંટણીમાં 48.08 ટકા મતદાન થયું હતું. આ સિવાય હાલની 84ની સામે તે સમયે 81 નગરપાલિકા હતી અને તેમા 59.05 ટકા મતદાન થયુ હતુ. તે સમયે હાલની 34ની સામે 31 જિલ્લા પંચાયત હતી અને તેમા 66.68 ટકા મતદાન થયું હતું. તે સમયે હાલની 260ની સામે 231 તાલુકા પંચાયત હતી. તેમા 66.84 ટકા મતદાન થયું હતું.

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 52.16 ટકા મતદાન નોંધાયું હતું, જે શહેરી મતદારોમાં મધ્યમ ઉત્સાહ દર્શાવે છે. તેનાથી વિપરીત, ગ્રામીણ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મતદાન થયું હતું. જિલ્લા પંચાયત માટે 71.16 ટકા અને તાલુકા પંચાયત બેઠકો માટે 72.34 ટકા મતદાન નોંધાયું હતું, જે ગ્રામીણ સ્તરે લોકશાહી પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ દર્શાવે છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 30 વોર્ડમાં 120 બેઠકો માટે મતદાન આજે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. સુરતના રહેવાસીઓએ સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી ઉત્સાહપૂર્વક મતદાન કર્યું, જેમાં કુલ 59.02 ટકા મતદાન થયું. આમ ગયા વખત કરતાં 15 ટકા વધારે મતદાન થયું હતું. હવે આ વધારે મતદાન સત્મતા જાળવશે કે સત્તા બદલશે તેની મંગળવારે ખબર પડી જશે. દાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, બધા ઉમેદવારોનું ભાવિ EVM મશીનોમાં સીલ થઈ ગયું. આ મશીનોને હવે કડક સુરક્ષા હેઠળ ચાઇના ગેટ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. બધાની નજર હવે 28 એપ્રિલ, મંગળવારના રોજ મત ગણતરી પર છે, જ્યારે શહેરના નવા શાસકોનું ચિત્ર સ્પષ્ટ થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડમાં 192 બેઠકો માટે છૂટાછવાયા બનાવોને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. આ વખતે 49.02 ટકા મતદાન થયું હતું, જે અગાઉની ચૂંટણી કરતાં એક ટકા વધારે છે. ટૂંકમાં અમદાવાદમાં મતદાનની સરેરાશ જળવાઈ રહી છે.


આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા

આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું