Gujarat Local Body Election 2026 LIVE/ લોકશાહી પ્રત્યે રાજ્યમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો,મોટાભાગના લોકોએ મતાધિકારને પ્રાથમિકતા આપી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી (Local Body Election) માટે મતદાન શરૂ થયું. ગામથી શહેર સુધી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ત્રિપાંખિયા જંગ વચ્ચે પરિણામ પર સૌની નજર.

Top Stories Gujarat Breaking News
Local Body Election

Gujarat Local Body Election 2026 LIVE:લોકશાહીનો મહાપર્વ આજે રાજ્યભરમાં ઊજવાઈ રહ્યો છે, અને તેની દરેક મહત્વપૂર્ણ પળ પર નજર રાખવા માટે મંતવ્ય ન્યૂઝ સતત સક્રિય છે. ગામડાથી શહેર સુધી મતદાનની તમામ ખબર, મેદાનમાંથી સીધી માહિતી અને તાજા અપડેટ્સ માટે દર્શકોને એક વિશ્વસનીય પ્લેટફોર્મ મળી રહ્યું છે.રાજ્યના દરેક ખૂણેથી આવતી માહિતી સાથે, લોકશાહીનો આ મહાપર્વ વધુ નજીકથી અનુભવવા માટે મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયેલા રહો અને મતદાનની દરેક પળ LIVE જુઓ.

5:10 PM

દાહોદમાં લગ્ન પહેલા દુલ્હન પહોંચી મતદાન કરવા

દાહોદ: લગ્ન પહેલા દુલ્હન મતદાન મથકે પહોંચી હતી. દુલ્હને દાહોદની આરપી અગ્રવાલ શાળામાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ દુલ્હને લોકશાહી  પ્રત્યે ફરજ નિભાવવા પહેલા મતદાન કર્યું હતું. દુલ્હનના આ પગલાએ મતદારોમાં ઉત્સાહ વધાર્યો હતો.  ઉપરાંત લગ્ન પહેલા મતદાન કરી સમાજને પ્રેરણા આપી હતી.

5:02 PM

બનાસકાંઠા: થાવર બેઠક પર બપોરે પણ મતદારોની લાઈનો

બનાસકાંઠા: થાવર બેઠક પર મતદાનને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરના તડકામાં પણ મતદાન કેન્દ્રો પર લાંબી લાઈનો લાગી રહી છે. 43 ડિગ્રી જેટલી ગરમી હોવા છતાં મતદારો લોકશાહી પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.

થાવર બેઠક પર અનોખું દ્રશ્ય પણ સામે આવ્યું, જ્યાં વરરાજા લગ્ન પહેલાં મતદાન કરવા કેન્દ્ર પર પહોંચ્યા હતા. તેમના આ પગલાએ અન્ય મતદારોમાં પણ પ્રેરણા જગાવી છે.

મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર સહિતનો સ્ટાફ સ્થળ પર તૈનાત રહી સક્રિય કામગીરી કરી રહ્યો છે. ગરમી વચ્ચે પણ મતદારોનો જુસ્સો યથાવત રહેતા લોકશાહી પ્રત્યેની જાગૃતિ સ્પષ્ટ દેખાઈ રહી છે.

5:01 PM

નવસારી :ચીખલીમાં વરરાજા પહોંચ્યા મતદાન કરવા

નવસારી: ચીખલી તાલુકામાં લોકશાહીના પર્વે અનોખું દ્રશ્ય સામે આવ્યું છે. દેગામ ગામની પ્રાથમિક શાળામાં એક વરરાજા પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. લગ્નની તૈયારી વચ્ચે પણ વરરાજાએ મતાધિકારને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી હતી.

વરરાજા જાન લઈને જવા પહેલા મતદાન મથકે પહોંચી મત આપ્યો હતો અને ત્યારબાદ લગ્ન વિધિ માટે રવાના થયા હતા. તેમની સાથે પરિવારજનો પણ મતદાનમાં જોડાયા હતા. આ પ્રસંગે વરરાજાએ અન્ય નાગરિકોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

આ અનોખા દૃશ્યે વિસ્તારમાં મતદારોમાં ઉત્સાહ વધાર્યો હતો અને લોકશાહી પર્વને ઉજવણીરૂપ બનાવ્યો હતો.

 

4:59 PM

તાપીમાં ભાજપના બે જૂથ આમને સામને

તાપી જિલ્લામાં ભાજપના બે જૂથો આમને સામને આવ્યા હોવાની ઘટના સામે આવી છે. બુહારી ગામે કાર્યકરો વચ્ચે બબાલ સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન તું-તું મેં-મેં અને ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મળતી માહિતી અનુસાર, બંને જૂથના કાર્યકરો વચ્ચે કોઈ મુદ્દે મતભેદ વધતા મામલો બબાલ સુધી પહોંચી ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ સ્થાનિક ધારાસભ્ય તાત્કાલિક સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો. હાલ સ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

4:57 PM

બોટાદ : રાણપુરના મોટીવાવડી ગામે વરરાજાએ કર્યું મતદાન

બોટાદ જિલ્લામાં લોકશાહી પ્રત્યેનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. રાણપુર તાલુકાના મોટીવાવડી ગામે વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોટીવાવડી ગામના કિશનદાસ દેસાણીએ પોતાના લગ્ન પહેલા મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લગ્નની વ્યસ્તતાઓ વચ્ચે પણ લોકશાહી પ્રત્યે ફરજ નિભાવતા તેમણે સૌને પ્રેરણા આપી છે.

વરરાજાના આ પગલાથી ગામમાં અન્ય મતદારોમાં પણ ઉત્સાહ વધ્યો હતો અને વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાયા હતા. લોકશાહી પર્વને મહત્વ આપતા આ ઘટના ગામ માટે ગૌરવરૂપ બની છે.

4:56 PM

જૂનાગઢ: કેશોદ વોર્ડ 2માં EVM બટન બંધથી હંગામો

જૂનાગઢ: કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં મતદાન દરમિયાન EVM મશીનમાં ખામી સર્જાતા તણાવપૂર્ણ સ્થિતિ ઉભી થઈ હતી. કોંગ્રેસ ઉમેદવારના બટન કાર્ય ન કરતું હોવાની ફરિયાદ ઉઠતા મતદારો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

માહિતી મુજબ આશરે 316 મતદાન બાદ મશીનમાં તકલીફ જણાતા ચૂંટણી અધિકારીઓએ તાત્કાલિક પગલા લઈ EVM મશીન બદલી દીધું હતું. ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં આવી અને મતદાન પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હતી.

આ ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષે વિવાદિત બુથ પર ફરીથી મતદાન કરવાની માંગ ઉઠાવી છે. બીજી તરફ તંત્ર દ્વારા મામલાની તપાસ હાથ ધરાઈ છે.

4:53 PM

નર્મદા:ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ મતદાન

નર્મદા જિલ્લામાં લોકશાહીના પર્વમાં આગેવાનોનો ઉત્સાહ જોવા મળ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે આવેલ મતદાન મથકે પહોંચી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ પોતાની પત્ની સરસ્વતીબેન સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.

મતદાન બાદ સાંસદ વસાવાએ દેડિયાપાડા તથા સાગબારા વિસ્તારના કાર્યકરો સાથે મુલાકાત કરી અને મતદાન પ્રત્યે જનજાગૃતિ માટે પ્રયાસો અંગે ચર્ચા કરી. તેમણે નાગરિકોને વધુમાં વધુ મતદાન કરીને લોકશાહી મજબૂત બનાવવા અપીલ પણ કરી.

નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ છે અને મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

4:52

વડોદરા: મતદાન જાગૃતિ માટે દંડકની અનોખી પહેલ

વડોદરામાં મતદાન જાગૃતિ માટે બાલકૃષ્ણ શુકલે સક્રિય ભુમિકા ભજવી હતી. રાવપુરા વિસ્તારમાં ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલ સક્રિય નજરે ચડ્યા હતા. તેમણે ઢોલ-નગારા સાથે વિસ્તારમાં ફરીને મતદારોને પ્રેરણા આપી હતી. શુકલે કાર્યકરો સાથે ઘેરઘેર જઈ મતદાન માટે અપીલ કરી હતી.  લોકશાહી મજબૂત બનાવવા મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

4:41 PM

વડોદરા: સાવલીના સરદારપુરામાં મતદાર યાદી ગાયબ

વડોદરા: સાવલી તાલુકાના સરદારપુરા ગામમાં મતદાર યાદી ગાયબ હોવાનો મુદ્દો સામે આવતા મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચી છે. મતદાન કરવા પહોંચેલા અનેક મતદારોના નામ યાદીમાં ન મળતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

મતદારોનો આક્ષેપ છે કે તેમના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે, જેના કારણે તેઓ મતાધિકારનો ઉપયોગ કરી શક્યા નથી. આ બાબતે મતદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

મતદાન મથક પર થોડા સમય માટે ગેરવ્યવસ્થા સર્જાઈ હતી, જ્યારે અધિકારીઓએ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ચૂંટણી પ્રક્રિયામાં ખામીઓ અંગે સવાલો ઉઠ્યા છે.

4:39 PM

પાલનપુરમાં મતદાન મથકે પોલીસ કર્મીની માનવતા

પાલનપુરમાં મતદાન દરમિયાન માનવતાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું. વોર્ડ નંબર 7ના મતદાન મથકે એક પોલીસ કર્મચારીએ અશક્ત વૃદ્ધ મહિલાને મદદરૂપ બની માનવતાની મિસાલ આપી. વૃદ્ધ મહિલાને મતદાન કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે પોલીસ કર્મચારીએ તેમને સહારો આપી મતદાન રૂમ સુધી સુરક્ષિત રીતે પહોંચાડ્યા.

આ સહાયથી વૃદ્ધ મહિલાએ સરળતાથી પોતાનો મતાધિકાર ઉપયોગ કરી શક્યો. પોલીસ કર્મચારીની આ કામગીરીને સ્થાનિક લોકોએ વખાણી, અને મતદાન પ્રક્રિયામાં માનવતા અને ફરજનું ઉત્તમ સંકલન જોવા મળ્યું.

4:38 PM

જામનગર: 94 વર્ષીય વડીલે પત્ની સાથે મતદાન કર્યું

જામનગરમાં લોકશાહી પ્રત્યેનો ઉત્સાહ અનોખો જોવા મળ્યો હતો. 94 વર્ષીય વડીલે પોતાની પત્ની સાથે મતદાન કરી નાગરિક ફરજ નિભાવી હતી. આ વડીલ દંપતીએ ઉમર કોઈ અડચણ નથી તે સાબિત કરતાં યુવા મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા.

આ સાથે જ 84 વર્ષીય નિર્મળા અગ્રાવતે પણ મતદાન કરી અન્ય મતદારો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વડીલોના આ જુસ્સા અને જવાબદારીની ભાવનાએ યુવાનોને મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા.

4:36 PM

જામનગર: જોડીયાના લખતર ગામે મારામારી થઈ

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લખતર ગામે રાજકીય તણાવ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બબાલ થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટના દરમિયાન બંને પક્ષ વચ્ચે ધક્કામુક્કી અને મારામારી થઈ હતી.

માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસની સમયસર દખલથી વધુ ઉગ્ર બનતો મામલો શાંત પાડવામાં આવ્યો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે અને શાંતિ જળવાઈ રહે તે માટે દેખરેખ વધારી છે.

4:33 PM

રાજકોટ: વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યું

રાજકોટ: લોકશાહી પર્વમાં અનોખું પ્રેરણાદાયક દ્રશ્ય સામે આવ્યું છે. જેતપુર તાલુકાના નવી સાંકળી ગામે વરરાજાએ લગ્ન પહેલાં પરિવાર સાથે મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી છે.

નીરવ વાલાણીએ પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લગ્ન જેવી મહત્વપૂર્ણ ક્ષણ પહેલાં મતદાન કરી તેમણે અન્ય મતદારોને પણ પ્રેરણા પૂરી પાડી છે.

વરરાજાના આ પગલાને ગામમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને મતદારોમાં ઉત્સાહ વધ્યો છે. નીરવ વાલાણીએ વધુમાં વધુ લોકો લોકશાહી પર્વમાં જોડાય અને મતદાન કરે તેવી અપીલ પણ કરી છે.

4:30 PM

ભાવનગર: કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુ બાંભણિયાએ મતદાન કર્યું

ભાવનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુ બાંભણિયાએ પરિવાર સાથે મતદાન કરી લોકશાહી પર્વમાં ભાગ લીધો. તેઓ આગેવાનો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ પ્રસંગે તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. “દરેક મત મહત્વનો છે,” એમ જણાવતાં તેમણે લોકશાહી મજબૂત બનાવવા માટે મતદાનમાં સક્રિય ભાગ લેવાનો સંદેશ આપ્યો હતો.

4.30 PM

રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધી સરેરાશ મતદાન

રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધી મતદાનનો સરેરાશ પ્રતિસાદ નોંધાયો છે. મહાનગર પાલિકાઓમાં 40.79 ટકા મતદાન થયું છે, જ્યારે જિલ્લા પંચાયતોમાં 51.85 ટકા મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયતોમાં 52.16 ટકા મતદાન સાથે સારો પ્રતિસાદ મળ્યો છે, અને નગર પાલિકાઓમાં 48.65 ટકા મતદાન નોંધાયું છે.

4:28

સાબરકાંઠા: વિજયનગરમાં સાંસદ રમીલા બારાનું મતદાન

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન પ્રત્યે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજયનગર ખાતે સાંસદ રમીલા બારાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે નાલશેરી પ્રાથમિક શાળામાં પહોંચી મતદાન કર્યું હતું.

મતદાન બાદ સાંસદ રમીલા બારાએ જણાવ્યું હતું કે વિકાસના મુદ્દે જનતા મતદાન કરી રહી છે. તેમણે ભાજપના ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે જ લોકશાહી પર્વમાં વધુમાં વધુ મતદાન કરવા માટે નાગરિકોને અપીલ કરી હતી.

4:28 PM

મહીસાગર:ખાતું પગીના મુવાડા ચૂંટણી બહિષ્કાર યથાવત

મહીસાગર જિલ્લામાં ચૂંટણી બહિષ્કારનો મુદ્દો સામે આવ્યો છે. ખાતું પગીના મુવાડા ગામમાં ગ્રામજનોએ પોતાની માંગણીઓ પૂર્ણ ન થતા ચૂંટણીનો બહિષ્કાર યથાવત રાખ્યો છે. ગામના 684 જેટલા મતદારોમાં એકેય વ્યક્તિએ મતદાન કર્યું નથી.

માહિતી મુજબ, વોર્ડ નંબર 4 ને અન્ય પંચાયત સાથે જોડવાના નિર્ણયને લઈને ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ગામલોકોમાં અસંતોષ વધ્યો હતો.

અંતે, ગ્રામજનોએ એકજૂટ થઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી અને પોતાનો નિર્ણય અમલમાં મૂક્યો. તમામ પ્રયત્નો છતાં ગામલોકો અડગ રહ્યા અને આખરે સંપૂર્ણ રીતે મતદાનનો બહિષ્કાર નોંધાયો.

4:25

સુરત:મતદારોમાં આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો

સુરત: શહેરમાં મતદારોમાં આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. કડોદરાના વોર્ડ નંબર 6માં એક અનોખું અને પ્રેરણાદાયક દ્રશ્ય સામે આવ્યું છે. કેન્સરથી પીડિત એક દર્દી મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા.

ગંભીર બીમારી હોવા છતાં દર્દીએ પોતાની લોકશાહી ફરજ નિભાવી અને મતાધિકારનો ઉપયોગ કર્યો. બીમારીને પડકારતા દર્દીએ મતદાન કરી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ ઘટના અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બની છે અને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે સંદેશ આપી રહી છે.

4:20 PM

દેવગઢ બારીયા: લોકશાહી પ્રત્યે અનોખો ઉત્સાહ, વધુ એક વરરાજાએ કર્યું મતદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે દેવગઢ બારીયામાં લગ્ન મોસમ હોવા છતાં મતદાન પ્રત્યે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાલુકામાં અનેક લગ્ન પ્રસંગો યોજાતા મતદારો વ્યસ્ત હોવા છતાં લોકશાહીનો પર્વ ઉજવવામાં પાછળ નથી રહ્યા.

વહેલી સવારે બે નવદંપતીઓ મતદાન કરવા પહોંચ્યા બાદ હવે વધુ એક વરરાજાએ પણ મતદાન કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચેનપુર ગામના વરરાજાએ પરણવા જતાં પહેલાં પરિવારજનો સાથે મતદાન મથકે પહોંચી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો.

વરરાજાએ માત્ર પોતે જ નહીં પરંતુ જાનૈયાઓને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા. લોકશાહીના પર્વમાં આ પ્રકારના ઉદાહરણો અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.

4:18 PM

ભાવનગર: MLA સેજલ પંડ્યાએ મતદાન કર્યું

ભાવનગરમાં લોકશાહીના પર્વને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના વકીલ હોલ ખાતે MLA સેજલ પંડ્યાએ પતિ સાથે પહોંચી પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો.ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મતદાન મથકો પર મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પ્રસંગે MLA સેજલ પંડ્યાએ તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. સાથે જ વધુમાં વધુ મતદાન કરીને લોકશાહી મજબૂત બનાવવા માટે પણ જનતાને પ્રેરિત કર્યા હતા.

4:15 PM

છોટાઉદેપુર: સાંસદ જશુ રાઠવાએ પરિવાર સાથે કર્યું મતદાન

છોટાઉદેપુર જિલ્લાના વસેડી ખાતે સાંસદ જશુ રાઠવાએ પરિવાર સાથે પહોંચી મતદાન કર્યું. મતદાન કર્યા બાદ તેમણે લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ લોકો જોડાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે અપીલ કરી.

સાંસદ જશુ રાઠવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાશે. સાથે જ બોડેલી નગરપાલિકામાં પણ ભાજપની જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું.

4:04 PM

પાટણ :સાંતલપુર ગામે લોકશાહી પ્રત્યે અનોખો ઉત્સાહ

પાટણ જિલ્લાના સાંતલપુર ગામે લોકશાહી પ્રત્યે અનોખો ઉત્સાહ જોવા મળ્યો. લગ્નના દિવસે પણ વરરાજાએ મતાધિકારને પ્રાથમિકતા આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.યુવરાજસિંહ જાડેજા પોતાના લગ્નની વિધિઓ વચ્ચે જ પીઠી ભરેલી હાલતમાં મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું.

વરરાજાને આ રીતે મતદાન માટે પહોંચતા જોઈ મતદારો અને સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. લગ્ન જેવી મહત્વની ક્ષણમાં પણ મતદાનને પ્રથમ સ્થાન આપીને યુવરાજસિંહે યુવાનો માટે પ્રેરણાદાયક સંદેશ આપ્યો.

4:02

જુનાગઢ: AAP ઉમેદવાર સામે ફરિયાદ નોંધાઈ

જુનાગઢમાં AAP ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જાહેરનામા ભંગ અને ધમકી આપ્યાના આક્ષેપ ઉઠ્યા છે.  ફોન પર ધમકી આપી અપશબ્દો બોલ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જેને પગલે ભાજપ કાર્યકર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.  તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

3:56 PM

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો નિરાશ

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન મતદારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. લગ્નગાળો અને તીવ્ર હીટવેવના કારણે મતદાન પર અસર પડી રહી છે, ખાસ કરીને કચ્છના છેવાડાના ગામોમાં ગરમીને કારણે લોકો બહાર નીકળતા અચકાઈ રહ્યા છે.

તેમ છતાં, લોકશાહીની ફરજ નિભાવવા વૃદ્ધ મતદારો આગળ આવ્યા છે. વૃદ્ધ મહિલાઓ અને પુરુષોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું, જ્યારે પોલીસ જવાનો તેમના માટે સહારો બની મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ બન્યા.

હાલ કચ્છ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલુ છે.

3:51

જામનગરમાં શાંતિપૂર્ણ મતદાન ચાલુ

જામનગરમાં મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. SP ડો. રવિ મોહન સૈનીએ વિવિધ બુથોની મુલાકાત લીધી. સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

3:49

નવસારી:વોર્ડ 13માં ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે લાફાઝીંકી

નવસારી: વોર્ડ 13માં મતદાન દરમિયાન તણાવભર્યું વાતાવરણ સર્જાયું. કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ રાઠોડ અને ભાજપ પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ લાફાઝીંકી સુધી મામલો પહોંચ્યો. માહિતી મુજબ ભાજપના ઉમેદવારના સસરાએ કોંગ્રેસના ઉમેદવારને લાફો માર્યો હોવાનો આરોપ છે.

આ ઘટનાથી મતદાન મથક પર થોડા સમય માટે માહોલ ગરમાયો હતો. ઘટના બાદ કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ રાઠોડ પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી અને મતદાન મથક પર શાંતિ જળવાઈ રહે તે માટે અપીલ કરી છે.

3:44 PM

રાજકોટમાં ડિજિટલ પહેલનો પ્રભાવ

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં ડિજિટલ પહેલનો સારો પ્રભાવ જોવા મળ્યો છે. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ખાસ વેબસાઈટના કારણે મતદારોને મતદાન મથક શોધવામાં મોટી સહાય મળી છે.

મતદાન પહેલા જ કુલ 76,290થી વધુ લોકોએ ઓનલાઈન સેવા લઈ પોતાના વોર્ડ અને બૂથની માહિતી મેળવી હતી. વોર્ડ નંબર દાખલ કરતાં જ મતદાન મથકની સંપૂર્ણ વિગતો મળતી હોવાથી મતદારો માટે પ્રક્રિયા સરળ બની છે.

આ વેબસાઈટ પર માત્ર એક ક્લિકમાં બૂથ, મતદાન કેન્દ્ર અને ગૂગલ મેપની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે મતદારોને સ્થળ સુધી પહોંચવામાં સરળતા રહી. ઉપરાંત QR કોડ મારફતે પણ સીધી માહિતી મેળવી શકાતી હતી.

કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ પહેલ ચૂંટણી દરમિયાન ટેક્નોલોજીના સફળ ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ બની છે. રાજકોટ મનપની ચૂંટણીમાં ડિજિટલ સુવિધાનો વ્યાપક ઉપયોગ થતાં મતદારોને સરળ માર્ગદર્શન મળ્યું અને સમગ્ર મતદાન પ્રક્રિયા વધુ સુગમ બની.

3:42 PM

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં બપોર સુધી 39.13% મતદાન

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં બપોર સુધી 39.13 ટકા મતદાન નોંધાયું છે. સવારથી મતદાન પ્રક્રિયામાં મધ્યમ પ્રતિસાદ જોવા મળ્યો છે, જ્યારે મહિલાઓની ભાગીદારી પુરુષોની તુલનામાં ઓછી રહી છે.

શહેરના કુલ 9.85 લાખ મતદારોમાંથી અંદાજે 3.85 લાખ મતદારો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પુરુષ મતદારોમાં 43.54 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે મહિલાઓમાં માત્ર 34.41 ટકા મતદાન થયું છે.

શહેરના કેટલાક વોર્ડમાં મતદાનનો ઉત્સાહ વધુ જોવા મળ્યો છે, જ્યાં મતદાનનો આંકડો 50 ટકાની આસપાસ પહોંચી ગયો છે.

3;41 PM

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં બપોર સુધી 39.13% મતદાન

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં બપોર સુધી 39.13% મતદાન નોંધાયું છે. સવારથી મતદાન પ્રક્રિયામાં મધ્યમ પ્રતિસાદ જોવા મળ્યો હતો, જેમાં મહિલાઓની ભાગીદારી પુરુષોની સરખામણીએ ઓછી રહી છે.

શહેરના કુલ 9.85 લાખ મતદારોમાંથી અંદાજે 3.85 લાખ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આંકડાઓ મુજબ પુરુષ મતદાન 43.54% નોંધાયું છે, જ્યારે મહિલાઓમાં માત્ર 34.41% મતદાન થયું છે.

કેટલાક વોર્ડોમાં મતદાનનો ઉત્સાહ વધુ જોવા મળ્યો છે, જ્યાં આંકડો 50% નજીક પહોંચી ગયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હજુ પણ મતદારોમાં ઉદાસીનતા દેખાઈ રહી છે.

3:41 PM

રાજકોટ જિલ્લા પંચાયત ચૂંટણીમાં સરેરાશ મતદાન 42.43 ટકા નોંધાયું

રાજકોટ જિલ્લા પંચાયત ચૂંટણીમાં મધ્યમ પ્રતિસાદ જોવા મળ્યો છે. જિલ્લામાં કુલ 9.56 લાખ મતદારોમાંથી અંદાજે 4.05 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, જેના આધારે સરેરાશ 42.43 ટકા મતદાન નોંધાયું છે.

પુરુષ મતદારોમાં 47.29 ટકા મતદાન નોંધાયું, જ્યારે મહિલા મતદારોમાં માત્ર 37.11 ટકા મતદાન થતાં લિંગ આધારિત અંતર સ્પષ્ટ જોવા મળ્યું.

જિલ્લાની કેટલીક બેઠકોમાં 50 ટકા કરતાં વધુ મતદાન નોંધાયું છે, તો કેટલીક બેઠકોમાં મતદારોનો ઉત્સાહ ઓછો રહ્યો હતો. ખાસ કરીને સરધાર અને લોધિકા બેઠકોમાં 55 ટકા કરતાં વધુ મતદાન નોંધાઈને સૌથી વધુ પ્રતિસાદ મળ્યો છે.

બીજી તરફ, આણંદપર સહિત કેટલીક બેઠકોમાં લગભગ 30 ટકા જેટલું ઓછું મતદાન નોંધાતા, ત્યાં મતદારોમાં ઉદાસીનતા જોવા મળી હતી.

3.40 PM

રાજકોટ: મતદાન મથકે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે તંગદિલી

રાજકોટના વોર્ડ નં. 12 ખાતે સહજાનંદ હાઈસ્કૂલમાં આવેલા મતદાન મથકે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મતદાન દરમિયાન ભાજપના કાર્યકરો દ્વારા મતદાનના આંકડા માંગવામાં આવતા બંને પક્ષ વચ્ચે તણાવ વધ્યો હતો.

બોલાચાલી એટલી વધી ગઈ કે વાતાવરણ ગરમાયું અને થોડા સમય માટે અસ્તવ્યસ્તતા સર્જાઈ હતી. જો કે, સ્થળ પર હાજર પોલીસ અને અધિકારીઓએ પરિસ્થિતિ કાબૂમાં લઈ શાંતિ સ્થાપી હતી.

 

 

3.37 PM

પાટણમાં MLA કિરીટ પટેલે મતદાન કર્યું

પાટણ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાનનો માહોલ જામ્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે આનંદ પ્રકાશ હાઈસ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મતદાન બાદ તેમણે જણાવ્યું કે આ વખતે સ્થાનિક ચૂંટણીમાં પરિવર્તનનો માહોલ છે અને જનતા બદલાવ માટે તૈયાર છે. તેમણે પોતાના કામના આધારે જનસમર્થન મળ્યાનો દાવો પણ કર્યો.

આ ઉપરાંત શહેરના મુખ્ય પ્રશ્નો અંગે બોલતા તેમણે કહ્યું કે રખડતા ઢોર અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં આગામી સમયમાં ચોક્કસ સુધારો થશે.

3:36 PM

રાજકોટમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો

રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણી સામે જાહેરનામાનો ભંગ કરવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે આરીફ સંધિ, વસીમખાન લુવાણી સહિતના લોકોના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે.

ઝોનલ અધિકારી મયુર ભાલીયાએ આ મામલે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

થોરાળા પોલીસે મામલાની નોંધ લઈને આરોપીઓને નોટિસ પાઠવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

2:54 PM

બૂથ કર્મીનું મોત

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સાંસેજ ગામે મતદાન દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. બુથ નંબર 1 પર ફરજ બજાવતા અમિત સોલંકીનું અચાનક મોત નિપજ્યું હોવાની માહિતી મળી છે. પ્રાથમિક માહિતી મુજબ તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમિત સોલંકી સાંસેજ ગ્રામપંચાયતમાં પટ્ટાવાળા તરીકે સેવા આપતા હતા અને મતદાન પ્રક્રિયામાં ફરજ પર હાજર હતા. ઘટના બાદ ગ્રામજનોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

મૃતદેહને આગળની કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ અર્થે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

02:51 PM 

મતદારો પરેશાન

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે.ગામડાથી લઈને શહેરો સુધી મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન શરૂ થવાની સાથે જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોલિંગ બૂથ તરફ રવાના થઈ રહ્યા છે.આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે કડક ટક્કર છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે અંતિમ ક્ષણ સુધી પ્રચારમાં લાગેલો હતો, હવે નિર્ણય મતદારોના હાથમાં છે.

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયામાં અવ્યવસ્થા જોવા મળતા મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ભુજ શહેરના વોર્ડ નં. 4 અને 8માં રહેતા મતદારોને પોતાના મતદાન મથકો શોધવામાં મુશ્કેલી પડી હતી.

મતદારોના જણાવ્યા મુજબ તાજેતરમાં થયેલા સીમાંકન ફેરફારોને કારણે અનેક મતદાન બુથોના સ્થળોમાં બદલાવ આવ્યો હતો, પરંતુ આ અંગે પૂરતી અને સમયસર માહિતી ન મળતા લોકો ગૂંચવણમાં મુકાયા હતા. ઘણા મતદારો એક બુથથી બીજા બુથ સુધી ચક્કર મારતા રહ્યા, જેના કારણે મતદાન માટેનો સમય પણ બગડ્યો.

આ અવ્યવસ્થાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. મતદારોનું કહેવું છે કે ચૂંટણી પહેલા યોગ્ય માર્ગદર્શન અને સ્પષ્ટ માહિતી આપવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ સર્જાત નહીં. ચૂંટણી તંત્રે આવી ગેરવ્યવસ્થાને ગંભીરતાથી લઈ ભવિષ્યમાં સુધારા લાવવાની જરૂરિયાત છે.

02:50 PM 

MLA વિપુલ પટેલે કર્યું મતદાન 

આણંદ સોજીત્રાના MLA વિપુલ પટેલે ડભોઉ ખાતે મતાધિકારનો કર્યો ઉપયોગ,મતદાન બાદ MLAએ વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો.

02:40 PM 

દિલીપ સંઘાણીએ કર્યું મતદાન  

ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ પરિવાર સાથે અમરેલીના માળીયા ગામે મતદાન કર્યું.

02:30 PM 

માયાભાઈ આહિરના દીકરીએ ચાવંડ ખાતે કર્યું મતદાન

અમરેલી માયાભાઈ આહિરની દીકરી સોનલબેન ડેર કર્યું મતદાન,ચાવંડ તાલુકા પંચાયત સીટના મતદાન કરી આપી પ્રતિક્રિયા.

02:15 PM 

ધાનેરા MLA માવજી દેસાઈએ કર્યું મતદાન

ધાનેરા MLA માવજી દેસાઈએ વતન બાઈવાડા ગામે મતદાન કર્યું ,જિલ્લા, તાલુકા પંચાયત સીટ માટે MLAએ લોકશાહીમાં ભાગ લીધો.

02:15 PM 

સુરતમાં દર્દી એમ્બ્યુલન્સમાં મતદાન કરવા પહોંચ્યા

સુરતના વોર્ડ નં.4માં દર્દી એમ્બ્યુલન્સમાં મતદાન કરવા પહોંચ્યો,કિડની દર્દી ઉમેશ મિશ્રાએ હોસ્પિ.માંથી મતદાન કરી ફરજ નિભાવી. દર્દીએ લોકશાહીમાં ભાગ લઈ મતાધિકારનો ઉપયોગ કર્યો.

02:00PM 

હિન્દુ ધર્માચાર્ય સભાના સંયોજકે કર્યું મતદાન

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિન્દુ ધર્માચાર્ય સભાના સંયોજકે મુંજકાની નવી શાળા ખાતે આવેલા મતદાન મથક પર પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો.

01:50 PM 

મુખ્ય ચૂંટણી અધિકારી ડો.ગૌરાંગ મકવાણા કર્યું મતદાન

ભરૂચ મુખ્ય ચૂંટણી અધિકારી ડો.ગૌરાંગ મકવાણાએ બી.એચ મોદી વિદ્યામંદિર સ્કૂલ ખાતે મતદાન કર્યું.સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો.

01:45 PM 

વિસનગરના બાજીપુરા ગામે ચૂંટણીનો બહિષ્કાર

વિસનગર તાલુકાના બાજીપુરા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ગામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.સુરતમાં બાજીપુરાની એક દીકરી સાથે થયેલી છેડતીની ઘટનાને લઈ ગામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.સમસ્ત ગ્રામજનોએ એકમતથી મતદાન ન કરવાનો નિર્ણય લઈ વિરોધ નોંધાવ્યો હતો.

01:40 PM 

લોકસભા સાંસદ હરિ પટેલે કર્યું મતદાન

મહેસાણામાં હરિ પટેલ એ લોકસભા સાંસદ તરીકે પોતાનું મતાધિકાર ઉપયોગ કર્યો હતો. તેમણે સુણક ખાતે પોતાની ધર્મપત્ની સાથે મતદાન કર્યું.

01:35 PM 

સુરતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં બોગસ વોટિંગનો આક્ષેપ

સુરતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સુરત માં વઘાસિયા દંપતીના નામે પહેલેથી જ મતદાન થઈ ગયાનું ખુલાસો થતાં મામલો ચર્ચામાં આવ્યો છે.માહિતી મુજબ, દંપતી જ્યારે મતદાન કરવા પહોંચ્યું ત્યારે તેમને જાણ થઈ કે તેમના નામે પહેલેથી જ મત નોંધાઈ ગયો છે. આધારકાર્ડ ચકાસણી દરમિયાન આક્ષેપ થયો છે કે અન્ય કોઈ વ્યક્તિએ તેમના નામે મત આપ્યો હતો.

01:30 PM 

દેલા ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર

મહેસાણાના દેલા ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામમાં બે મતદાન મથકમાં એક પણ મત પડ્યો નહીં. મનપામાં સમાવેશ મુદ્દે અને જમીન બચાવવા ચૂંટણી બહિષ્કાર.

01:25 PM 

મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરમાં કર્યું મતદાન

મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરમાં  વિસનગરના શાળા નં. 4ના બૂથમાં  કર્યું મતદાન, ગમે તેવી પરિસ્થિતિમાં મતદાન કરવા મંત્રીની અપીલ.

01:20 PM 

સાંસદ પૂનમ માડમે મતઅધિકારનો કર્યો ઉપયોગ 

જામનગરના સાંસદ પૂનમ માડમે  વોર્ડ નં.4ના બુથ મથકે કર્યું મતદાન.

 01:15 PM 

ચુડા તા.પં. ચૂંટણીમાં રામબા જાદવે લોકશાહી પર્વમાં ભાગ લીધો

સુરેન્દ્રનગરના બલાળા ગામમાં 105 વર્ષની વૃદ્ધા રામબા જાદવેએ કર્યું મતદાન,વૃદ્ધએ પરિવાર સાથે મતદાન કરી યુવા મતદારોને પ્રેરણા આપી

 01:10 PM 

રાજ્યમંત્રી પી સી બરંડાએ કર્યું મતદાન

અરવલ્લી રાજ્યમંત્રી પી સી બરંડાએ પરિવાર સાથે શામળાજીના વાકા ટીંબા ખાતે વતનમાં મતદાન કર્યું .

 01:00 PM 

1 વાગ્યા સુધીનું સરેરાશ મતદાન 

 12:55 PM 

44 ડિગ્રી ગરમીના પારાની વચ્ચે મતદાન

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ સાથે ચૂંટણીનો મહાજંગ, 38 લાખથી પણ વધુ મતદારો કરી રહ્યાં છે મતદાન.42થી 45 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચે તેવી શક્યતા.

 12:50 PM 

વિશ્વ ઉમિયાધામના પ્રમુખે કર્યું મતદાન

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે મહેસાણાની ન્યુ પ્રોગ્રેસીવ હાઈસ્કૂલમાં મતદાન કર્યું. કહ્યું  મતદાન આપણી નૈતિક ફરજ છે,સનાતન ધર્મની રક્ષા કાજે મતદાન કરો, મતદાન ન કરનારને સરકાર સામે પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી.

12:40 PM 

ઉમેદવાર ભુપત ભાયાણીએ પરિવાર સાથે કર્યું મતદાન

જૂનાગઢના પૂર્વ MLA  ભુપત ભાયાણીએ પરિવાર સાથે મતદાન કર્યું છે. મતદાન કરી પૂર્વ MLAએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

12:35 PM 

જસદણમાં DySPએ લીધી આટકોટ બુથની મુલાકાત

રાજકોટ જસદણમાં ચૂંટણીને લઈ પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળ્યો,DySP નવનીન ચક્રવર્તીએ આટકોટ બુથની મુલાકાત લીધી.આટકોટમાં પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

12:30 PM 

દાંતીવાડામાં મતદારોની લાઈનો લાગી

બનાસકાંઠાના દાંતીવાડામાં મતદારોની લાઈનો લાગી છે.ગરમીના માહોલમાં પણ જીલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારોએ  મતદાન કર્યું છે.

12:15 PM 

MLA ગજેન્દ્રસિંહ પરમારે વતનમાં કર્યું મતદાન

સાબરકાંઠા તલોદમાં ચૂંટણીનો જોરદાર જંગ,MLA ગજેન્દ્રસિંહ પરમારે વતનમાં કર્યું મતદાન. કરીમતદારોને સો ટકા મતદાનની અપીલ.

12:10 PM 

અમદાવાદમાં પૂર્વગૃહમંત્રીએ મતદાન કર્યું

અમદાવાદમાં પૂર્વગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના પરિવાર સાથે વસ્ત્રાલ માં મતદાન કર્યું. લોકોને પણ મતદાન કરવા કરી અપીલ.

12:05 PM 

અરવલ્લી જિલ્લા કલેક્ટરે કર્યું મતદાન 

અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે મોડાસાની કે.એન.શાહ હાઇસ્કૂલના મથકમાં કર્યું મતદાન.

12:00 PM 

12 વાગ્યા સુધીનું સરેરાશ મતદાન 

11:55 AM

સ્વ.વિજય રૂપાણીના પત્નીએ કર્યું મતદાન

રાજકોટમાં  સ્વ.વિજય રૂપાણીની પત્ની અંજલી રૂપાણીએ અનિલ જ્ઞાનમંદિર ખાતે મતદાન મથકે મતદાન કર્યું.પ્રથમ વખત સ્વ.વિજય રૂપાણી વગર અંજલી રૂપાણીએ મતદાન કર્યું છે.

11:50 AM

રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ કર્યું મતદાન

જામનગમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગર મનપાના વોર્ડ નંબર 5માંથી મતદાન કર્યું છે. રિવાબાએ તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી.

11:45 AM

રાજલ બારોટે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયા

ગુજરાતના જાણીતા સિંગર રાજલ બારોટે કર્યું મતદાન,સિંગર અને ઉના પાલિકા વોર્ડ નં. 7ના ઉમેદવાર છે રાજલ બારોટ.

11:42 AM

MLA સમર્થકો સાથે ઉનાઇ ખાતે મતદાન મથક પહોંચ્યા

વાંસદાના MLA અનંત પટેલે MLA સમર્થકો સાથે ઉનાઇ ખાતે લાઈનમાં ઊભા રહી પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે.

11:40 AM

સાસંદ જશવંતસિંહ ભાભોરે કર્યુ મતદાન

દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરે સિંગવડના દાસા ખાતે મતદાન કર્યુ  છે.

11:37 AM

ભરૂચમાં ચૈતર વસાવાએ પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો 

ભરૂચમાં  ચૈતર વસાવાએ પરિવાર સાથે બોગજમાં મતદાન કર્યું છે. ચૈતર વસાવાએ જનતાને  અપીલ કરી છે કે મતાધિકારનો ઉપયોગ કરો, લોકશાહી મજબૂત બનાવવા મતદાન જરૂરી છે.

11:35 AM

થરાદ તાલુકાના વજેગઢ ગામમાં મતદાન  

વાવ-થરાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર્વ સાંસદ પરબત પટેલે પરિવાર સાથે કર્યું મતદાન, સાથે જ થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પણ મતદાન કર્યું.

11:33 AM

જિલ્લા અધ્યક્ષ કિર્તિસિંહ વાઘેલાએ કર્યું મતદાન 

બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કિર્તિસિંહ વાઘેલાએ ખારીયા ગામે મતદાન કર્યું,કાંકરેજ અને ઓગડના મતદાન મથકો પર લાંબી કતારો.

11:30 AM

રાધનપુર ભાજપ MLA મતદાન કરવા પહોંચ્યા

પાટણ રાધનપુર ભાજપ MLA મતદાન કરવા પહોંચ્યાહતા, જ્યાં તેમને પરસુંદ ગામે પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. આ સાથે જ  લવિંગજી ઠાકોરે વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ હતી.

11:27 AM

પંચમહાલમાં રાજ્ય સભા સાંસદ કર્યું મતદાન 

પંચમહાલમાં રાજ્ય સભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારે મતદાન કર્યું,  આજે મતદાન ઐતિહાસિક મતદાન થશે તેવો દાવો કર્યો.

11:20 AM

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કર્યો મતધિકારનો ઉપયોગ 

સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કર્યું મતદાન

11:10 AM

પાટણમાં 108 વર્ષીય દાદાએ કર્યું મતદાન  

પાટણમાં દાઉદપુર પ્રા.શાળામાં અણદા નાડોદા નામના 108 વર્ષીય દાદાએ મતદાન કર્યું છે. યુવાનોને મતદાન કરવા વૃદ્ધ દ્વારા સંદેશ આપ્યો છે.

11:05 AM

11 વાગ્યા સુધીનું સરેરાશ મતદાન 

11:05 AM

દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું 

ગાંધીનગરનીદહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાતા હાલાકી સર્જાઈ, દહેગામમાં વોર્ડ નંબર 4ના બુથ નમ્બર 4 માં 15 મિનટ માટે EVM ખોટવાયું હતું.

11:03 AM

રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ કર્યું મતદાન

રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા એ લોકશાહી પર્વમાં ભાગ લઈ પોતાનું મતદાન કર્યું છે.

11:00 AM

સાબરકાંઠાના પ્રાંતિજ MLA અને પૂર્વ મંત્રીએ કર્યું મતદાન

સાબરકાંઠાના પ્રાંતિજ MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે તલોદ તાલુકાના વક્તાપુર ગામ ખાતે મતદાન કર્યું.

10:55 AM

 EVMમાં ખામીથી મતદાનમાં વિલંબ

અમદાવાદમાં  EVMમાં ખામીથી મતદાનમાં વિલંબ થયો હતો જેના કારણે  વાસણા કોલેજે EVM બગડતા લાંબી લાઈનો લાગી હતી, હવે EVM મશીન બદલાતા ફરી મતદાન શરૂ થયું છે.

10:52 AM

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું  

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના નારાયણપુરા વોર્ડમાં મતદાન કર્યું.

10:35 AM

બારડોલી વિધાનસભાના MLA ઈશ્વર પરમારે કર્યું મતદાન

સુરતમાં બારડોલી વિધાનસભાના MLA ઈશ્વર પરમારે બાબેન ગ્રામપંચાયત કચેરી ખાતે આવેલા બુથ પર પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

10:30 AM

ભાવનગરના ઉમણીયાવર ગામનામતદાનનો બહીષ્કાર

ભાવનગર જિલ્લામાં લોકશાહી પર્વ વચ્ચે વિરોધનું અનોખું દ્રશ્ય સામે આવ્યું છે. ઉમણીયાવર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. માહિતી મુજબ ગામના ત્રણેય મતદાન બુથ પર એકપણ મત નોંધાયો નથી.

10:25 AM

SP પ્રશાંત સુમ્બેએ પાલનપુરમાં મતદાન કર્યું

બનાસકાંઠા જિલ્લાના SP પ્રશાંત સુમ્બેએ પાલનપુર સ્થિત વિદ્યામંદિરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.

10:20AM

બોટાદના માંડવધાર ગામે વરરાજાએ કર્યુ મતદાન

બોટાદ જિલ્લાના માંડવધાર ગામે લોકશાહીના પર્વને અનોખી રીતે ઉજવતો પ્રસંગ સામે આવ્યો છે. ગામના વરરાજા અવિનાશ પરમારએ લગ્નના દિવસે જ મતદાન કરી સૌને પ્રેરણા આપી છે.વરરાજા અવિનાશે વાજતે ગાજતે મતદાન મથક પર પહોંચી પહેલા પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ જાન લઈને રવાના થયા હતા.

10:14AM

CM ભૂપેન્દ્ર પટેલ  મતદાન કરવા પહોચ્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મતદાન માટે અમદાવાદના શીલજ વિસ્તારમાં પહોંચ્યા છે. તેમણે પરિવાર સાથે મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી.

10:00 AM

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યના મહાપર્વની ઉજવણી

વડોદરામાં ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે યુવાઓને મતદાન કરવા અપીલ કરી અને ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર્સનો ઉત્સાહ વધાર્યો હતો.

9:55 AM

વડોદરામાં અકસ્માતનો ભોગ બનેલી મહિલા મતદાન કરવા પહોંચી

વડોદરામાં લોકશાહી પ્રત્યેની અનોખી લાગણી દર્શાવતો પ્રસંગ સામે આવ્યો છે, જ્યાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી મીનાક્ષી વાઢેર મુશ્કેલી હોવા છતાં મતદાન કરવા મતદાન મથક સુધી પહોંચી હતી.

9:50 AM

જુનાગઢમાં સૌથી નાની વયની ઉમેદવારે કર્યું મતદાન

જુનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન સૌથી નાની વયના ઉમેદવાર તરીકે ચર્ચામાં રહેલી પ્રીતિ ત્રાંબડીયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. વંથલીની બાલોટ-2 સીટ પરથી ઉમેદવારી નોંધાવનાર પ્રીતિ ત્રાંબડીયા પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરી છે.

9:45 AM

ફર્સ્ટ ટાઈમ વોટર્સમાં મતદાન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજના પર્વ નિમિત્તે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું છે, જેમાં ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર્સમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો છે.

9:40 AM

ઠેર ઠેર EVM મશીનોમાં ટેકનિકલ ખામીઓ

લોકશાહીનું પર્વ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે રવિવારે વહેલી સવારથી મતદાન શરૂ થયું છે. પરંતુ મતદાનના દિવસે જ કેટલીક જગ્યાએ ‘દશેરાને દહાડે ઘોડા ન દોડ્યા’ જેવી સ્થિતિ સર્જાઈ છે.

કેટલાક મતદાન મથકો પર EVM મશીનોમાં ટેકનિકલ ખામીઓ સામે આવતા મતદારો અને ઉમેદવારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખામીના કારણે મતદાન પ્રક્રિયા થોડીવાર માટે પ્રભાવિત થઈ હતી, જેને લઈને લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો.ચૂંટણી તંત્ર દ્વારા તાત્કાલિક ખામીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને મતદાન ફરીથી સરળતાથી શરૂ કરવામાં આવ્યું છે.

9:37 AM

અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ કર્યું મતદાન

અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે જરખિયા ગામે જઈ મતદાન કર્યું હતું.

9:35 AM

કેન્દ્રિય જળશક્તિ મંત્રીએ કર્યું મતદાન 

સુરતના ભટાર ખાતે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ મતદાન મથકે સહપરિવાર મતદાન માટે પહોચ્યા.

9:30 AM

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ-સંતોનું મતદાન

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વડતાલ ખાતે આવેલા પ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ-સંતોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.મંદિર સાથે જોડાયેલા અંદાજિત 600 જેટલા સાધુ-સંતોના નામ મતદાર યાદીમાં નોંધાયેલા છે, જેમાંથી મોટી સંખ્યામાં સંતોએ મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

9:15 AM

ખેડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન

ખેડા જિલ્લામાં જિલ્લામાં વિવિધ મતદાન મથકો પર મતદારોમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે.નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. નોંધનીય છે કે નડિયાદને મહાનગરપાલિકા (મનપા)નો દરજ્જો મળ્યા બાદ આ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

9:10 AM

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું પરિવાર સાથે મતદાન 

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, રાજ્યના DYCM હર્ષ સંઘવીએ પરિવાર સાથે મતદાન કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી છે.તેમણે સુરતમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલય ખાતે મતદાન કર્યું છે.

9:00 AM

રાજ્યમાં મતદાનને બે કલાકમાં પૂર્ણ,2 કલાકમાં સરેરાશ 9.0% મતદાન

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાનના પ્રથમ બે કલાકમાં સરેરાશ 9.0 ટકા મતદાન નોંધાયું છે. સવારે 9 વાગ્યા સુધી મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને વિવિધ વિસ્તારોમાં મતદાન મથકો પર લોકોની અવરજવર વધી રહી છે.જિલ્લા પંચાયત માટે સવારે 9 વાગ્યા સુધી સરેરાશ 9.0 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે તાલુકા પંચાયત માટે પણ સમાન રીતે 9.0 ટકા મતદાન થયું છે.મહાનગરપાલિકા વિસ્તારોમાં સવારે 9 વાગ્યા સુધી સરેરાશ 7.0 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે નગરપાલિકાઓમાં આ આંકડો 9.0 ટકા રહ્યો છે.

8:45 AM

સાબરકાંઠા અને અરવલ્લીમાં નવવધુએ આપ્યો મત  

સાબરકાંઠામાં લગ્ન પહેલા  વર અને કન્યાએ મતાધિકારનો ઉપયોગ કર્યો,આપ્યો વોટ મતદાનનો સંદેશ આપી નિભાવી જવાબદારી.

8:30 AM

બિનહરીફ ઉમેદવાર ઉષા પટેલે વક્તાપુર ખાતે મતદાન કર્યું

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. હિંમતનગર તાલુકા પંચાયતની વક્તાપુર બેઠકના ઉમેદવારે પણ પોતાના મતદાનનો હક નિભાવ્યો હતો. આ સાથે બિનહરીફ જાહેર થયેલ ઉમેદવાર Usha Patelએ વક્તાપુર ખાતે જઈને મતદાન કર્યું હતું.

8:15 AM

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પરિવાર સાથે કર્યું મતદાન

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાના પરિવાર સાથે વિંછીયા ખાતે આવેલા ઉગમણી બારી બુથ પર જઈને મતદાન કર્યું. મતદાન બાદ તેમણે વધુમાં વધુ લોકો લોકશાહીના આ મહોત્સવમાં જોડાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી.

8:00 AM

વાવ-થરાદ જિલ્લામાં પણ વહેલી સવારથી મતદાન

વાવ-થરાદ વિસ્તારમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ વિસ્તારમાં કુલ 827 મતદાન મથકો પર આશરે 7.42 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

7:55 AM

અંજારમાં વહેલી સવારથી ધીમી ગતિએ મતદાન શરૂ

અંજારમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી મતદાન ધીમી ગતિએ શરૂ થયું હોવા છતાં, ધીમે ધીમે મતદારો મતદાન મથકો તરફ આગળ વધી રહ્યા છે.

7:50 AM

વિધાનસભાના ઉપપ્રમુખ પૂર્ણેશ મોદીએ કર્યું મતદાન

સુરતમાં લોકશાહીના પર્વને લઈને વહેલી સવારથી જ ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વિધાનસભાના ઉપપ્રમુખ પૂર્ણેશ મોદીએ પણ પોતાનો મત આપી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી છે.

7:40AM

કરમસદ-આણંદ મનપાની ચૂંટણી પૂર્વે ઉમેદવાર પર હુમલો

આણંદ જિલ્લામાં મનપાની ચૂંટણી પૂર્વે હિંસક બનાવ સામે આવ્યો છે. કરમસદ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા ઉમેદવારને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદાર તત્વો સામે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

7:35 AM

ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતદાન શરૂ

ખેડા જિલ્લોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મનપાની બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. કુલ 217 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય.

7:27 AM

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી મતદાન શરૂ

અરવલ્લીમાં આજે વહેલી સવારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો તરફ જઈ રહ્યા છે.

7:27 AM

મહેસાણામાં પાલિકા-પંચાયતની ચૂંટણી માટે મતદાન

મહેસાણા જિલ્લામાં આજે પાલિકા અને પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકશાહીના આ મહાપર્વમાં મોટી સંખ્યામાં મતદારો ભાગ લઈ રહ્યા છે.જિલ્લામાં કુલ 1723 મતદાન કેન્દ્રો પર આશરે 15.76 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીમાં મનપા, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા માટે મતદાન થઈ રહ્યું છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે.

7:25 AM

ભાવનગરમાં આજે લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણી

ભાવનગર જિલ્લામાં મનપાની 52 બેઠકો, જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. સાથે જ તાલુકા પંચાયતની 206 બેઠકો અને 3 નગરપાલિકાની 78 બેઠકો માટે પણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. કુલ મળીને મહત્વપૂર્ણ બેઠકો પર મતદારોનો નિર્ણય આજે સામે આવશે.કુલ 1984 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે, જેમાંથી 552 મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. અતિસંવેદનશીલ મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

7:20 AM

નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન

નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાં યુવા અને વડીલ બંને ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે.આ દરમિયાન મંગુ પટેલએ પોતાના પરિવાર સાથે મતદાન કરીને નાગરિકોને પણ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા છે. તેમણે દરેક મતદારને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે, જેથી લોકતંત્ર વધુ મજબૂત બને.

7:17 AM

સુરતમાં મતદાન મથકોમાં મતદાતાઓ પહોંચ્યા

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી મતદારો મતદાન મથકો તરફ પહોંચી રહ્યા છે, જોકે શરૂઆતમાં મતદાન ધીમું નોંધાયું છે.કડોદરા અને ચલથાણ વિસ્તારોને મળીને અંદાજે 20 હજાર જેટલા મતદાતાઓ નોંધાયેલા છે, જ્યાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે.

7:15 AM

રાજકોટમાં મનપાની ચૂંટણીનો માહોલ

રાજકોટમાં આજે મનપાની ચૂંટણીને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના 18 વોર્ડની કુલ 72 બેઠકો માટે ચૂંટણી જંગ જામ્યો છે, જેમાં મુખ્ય પક્ષો વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે.આ ચૂંટણી માટે શહેરમાં કુલ 1014 મતદાન બૂથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જ્યાં સવારથી જ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

7:12 AM

સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા મતદારો

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જંગી માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, અને લોકોમાં મતદાનને લઈને ખાસ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ગામડાથી લઈને શહેર સુધી લોકશાહીનો આ મહાપર્વ ઉજવાઈ રહ્યો છે.

7:10 AM

15 મહાનગરપાલિકાની 1051 બેઠકો પર મતદાન

આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે, જ્યાં મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે કડક ટક્કર છે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના વિસ્તારના વિકાસ માટે પ્રતિનિધિઓ પસંદ કરી રહ્યા છે.આંકડાઓ મુજબ, રાજ્યમાં કુલ 9117 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેમાં 15 મહાનગરપાલિકાની 1051 બેઠકો, 31 નગરપાલિકાની 980 બેઠકો, 73 જિલ્લા પંચાયતની 2312 બેઠકો અને 271 તાલુકા પંચાયતની 4774 બેઠકોનો સમાવેશ થાય છે.મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નાગરિકોમાં ઉત્સાહને ધ્યાનમાં લેતા મોટા પ્રમાણમાં મતદાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

7:00 AM

વિશ્વ ઉમિયાધામ પ્રમુખ આર.પી.પટેલ દ્વારા નાગરિકોને મતદાન કરવા કરાઇ અપીલ

મતદાનના પર્વને લોકતંત્રનો મહોત્સવ ગણાવતા આર.પી. પટેલ દ્વારા તમામ નાગરિકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે મતદાનનો દિવસ આરામનો દિવસ નથી, પરંતુ દેશ અને રાજ્યના ભવિષ્યને નિર્ધારિત કરવાનો મહત્વપૂર્ણ દિવસ છે. દરેક મતદારએ પોતાની જવાબદારી સમજીને સવારે વહેલા જઈ મતદાન કરવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે લોકતંત્રને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકનો મત અમૂલ્ય છે, તેથી સૌએ ઉત્સાહપૂર્વક મતદાન કરીને આ લોકતંત્રના ઉત્સવમાં સહભાગી થવું જરૂરી છે.


આ પણ વાંચો :રાજકોટ ચૂંટણી માટે 2616 પોલીસ કર્મચારીઓ ખડેપગે, બોડી વોર્ન કેમેરાથી રખાશે બાજ નજર

આ પણ વાંચો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ

આ પણ વાંચો :કચ્છમાં આવતીકાલે 422 બેઠકો માટે યોજાશે મતદાન, ભાજપની 26 બેઠકો પહેલેથી જ બિનહરીફ