Anand Election Staff Death: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન વચ્ચે આણંદ જિલ્લામાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. પેટલાદ તાલુકાના સાંસેજ ગામે ચૂંટણી ફરજ બજાવી રહેલા એક કર્મચારીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે. ધકધકતા તાપ અને કામના ભારણ વચ્ચે કર્મચારી અચાનક ઢળી પડતા મતદાન મથક પર અફરાતફરી મચી ગઈ હતી.
Anand : ફરજ પર જ તબિયત લથડી
પ્રાપ્ત વિગતો અનુસાર, પેટલાદના સાંસેજ ગામમાં આવેલા બૂથ નંબર-1 પર અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી ચૂંટણીની ફરજમાં જોડાયેલા હતા. અમિતભાઈ સાંસેજ ગ્રામ પંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને આજે મતદાન હોવાથી તેમને બૂથ પર વ્યવસ્થા જાળવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બપોરના સમયે જ્યારે મતદાન પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે અચાનક અમિતભાઈની તબિયત લથડી હતી અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.
હોસ્પિટલ પહોંચે તે પહેલા જ શ્વાસ થંભી ગયા
અમિતભાઈ અચાનક બેભાન થઈ જતાં મતદાન મથક પર હાજર કર્મચારીઓ અને ગ્રામજનો તેમને તાત્કાલિક સારવાર માટે તારાપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ, પ્રારંભિક દ્રષ્ટિએ હાર્ટ એટેક આવવાને કારણે તેમનું અવસાન થયું છે.
પરિવાર અને ગામમાં માતમ
એક તરફ જ્યારે આખું ગામ લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવા નીકળ્યું હતું, ત્યારે ગામના જ એક પાયાના કર્મચારીનું આ રીતે મોત થતા સાંસેજ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા
આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું
