Kutch News/ કચ્છમાં આવતીકાલે 422 બેઠકો માટે યોજાશે મતદાન, ભાજપની 26 બેઠકો પહેલેથી જ બિનહરીફ

Kutchમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે. 422 બેઠકો, 15.49 લાખ મતદારો અને 1065 ઉમેદવારો. જાણો સુરક્ષા વ્યવસ્થા અને મતદાનના સમય વિશે.

Gujarat Top Stories Others
Kutch Local Body Election 2026

Kutch Local Body Election 2026: કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આવતીકાલે રવિવારના રોજ જિલ્લાની કુલ 422 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કચ્છના 15.49 લાખ મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. વહીવટી તંત્ર દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓ લોખંડી બંદોબસ્ત સાથે પૂર્ણ કરી દેવામાં આવી છે.

Kutch : કઈ બેઠકો માટે થશે મતદાન?

આવતીકાલે કચ્છ જિલ્લામાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ચૂંટણી યોજાશે, જેમાં જિલ્લા પંચાયતની સાથે 9 તાલુકા પંચાયતો અને 5 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે, તેમજ આ લોકશાહીના પર્વમાં ગાંધીધામ મહાનગરપાલિકા માટે પણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

નોંધનીય છે કે, મતદાન શરૂ થાય તે પૂર્વે જ કચ્છમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે, જ્યાં જિલ્લાની 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. હવે બાકીની બેઠકો પર 1065 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

સુરક્ષા અને સ્ટાફની વિગતો

ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કુલ 1866 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાને સફળ બનાવવા માટે કુલ 14,549 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહેશે, જેમાં 8,954 પોલિંગ સ્ટાફ અને 5,361 પોલીસ જવાનોનો સમાવેશ થાય છે. વધુમાં, સુરક્ષાના ભાગરૂપે જિલ્લાના 518 સંવેદનશીલ અને 21 અતિ-સંવેદનશીલ મથકો પર વધારાની પોલીસ ફોર્સ ઉતારવામાં આવી છે અને ત્યાં સતત વીડિયોગ્રાફી દ્વારા દેખરેખ રાખવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગરમીને જોતા ખાસ વ્યવસ્થા

કચ્છમાં પડી રહેલી પ્રખર ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મતદારો માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દરેક મતદાન મથક પર પીવાના પાણી, છાંયડો અને ઇમરજન્સી માટે હેલ્થ ટીમો તૈનાત રાખવામાં આવી છે. મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે તમામ કચ્છી માડુઓને લોકશાહીના આ પર્વમાં નિર્ભય થઈને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. આવતીકાલે સાંજે આ તમામ ઉમેદવારોના ભાગ્ય EVM મશીનમાં કેદ થઈ જશે.


આ પણ વાંચો : અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે તંત્ર સુસજ્જ

આ પણ વાંચો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ

આ પણ વાંચો :સુરતમાં CMની ભવ્ય રેલી, AAPને સીધી ટક્કર