Vadodara School Bomb Threat: ઘણીવાર બાળકો પરીક્ષાના ડરથી એવા પગલાં ભરી લેતા હોય છે જેની કલ્પના પણ ન કરી શકાય. આવો જ એક હચમચાવી દેનારો કિસ્સો વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશન કેમ્પસમાં આવેલી ‘કેન્દ્રીય વિદ્યાલય’ માં બન્યો છે. શાળાને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની જે ધમકી મળી હતી, તે કરનાર કોઈ આતંકવાદી કે બહારની વ્યક્તિ નહીં, પરંતુ એ જ શાળામાં ભણતો અને હાલમાં CBSE બોર્ડની પરીક્ષા આપી રહેલો ધોરણ-10 નો વિદ્યાર્થી જ નીકળ્યો છે!
વિદ્યાર્થીએ કેમ આપ્યો આવો ભયાનક મેસેજ?
પોલીસ અને સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે, આ વિદ્યાર્થી પરીક્ષા આપવા માંગતો ન હતો. બોર્ડની પરીક્ષામાંથી બચવા અને શાળામાં રજા જાહેર થઈ જાય તેવા ઈરાદાથી તેણે એક ખતરનાક ‘પ્રૅન્ક’ (મજાક) કરવાનું વિચાર્યું.
તેણે ૫ માર્ચના રોજ વહેલી સવારે 3:43 વાગ્યે શાળાના શિક્ષક સંતોષકુમાર તિવારીના વોટ્સએપ (WhatsApp) પર એક અજાણ્યા ‘આંતરરાષ્ટ્રીય નંબર’ પરથી અરબી ભાષામાં એક મેસેજ મોકલ્યો હતો.
મેસેજમાં શું લખ્યું હતું?
શિક્ષકે સવારે 8વાગ્યે સ્કૂલે પહોંચીને આ મેસેજ જોયો અને ગૂગલ ટ્રાન્સલેટ (Google Translate) ની મદદથી તેનું ગુજરાતી/અંગ્રેજી કર્યું. મેસેજમાં સ્પષ્ટ ધમકી આપવામાં આવી હતી. “Your school will be completely destroyed tomorrow, God is great, Allahu Akbar.” (આવતીકાલે તમારી સ્કૂલ સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવશે. ભગવાન મહાન છે, અલ્લાહુ અકબર.)
Vadodara : શાળામાં મચી ગઈ હતી દોડધામ
આવો ભયાનક મેસેજ વાંચીને શિક્ષકે તાત્કાલિક શાળાના આચાર્યને જાણ કરી અને સવારે ૮:૧૨ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ કરવામાં આવ્યો. એરફોર્સ સ્ટેશન જેવો સંવેદનશીલ વિસ્તાર હોવાથી મકરપુરા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ તાબડતોબ સ્કૂલ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર શાળા સંકુલ તેમજ આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, તપાસમાં કોઈ વિસ્ફોટક કે વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. અંતે, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે હેતુથી શાળામાં પરીક્ષા રાબેતા મુજબ જ ચાલુ રાખવામાં આવી હતી.
8 દિવસ બાદ સાયબર ક્રાઇમે ભેદ ઉકેલ્યો
આ ઘટનાથી વાલીઓ, વિદ્યાર્થીઓ અને શહેરીજનોમાં ભારે ડરનો માહોલ ઉભો થયો હતો. શિક્ષક સંતોષકુમારની ફરિયાદના આધારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે 8 દિવસ બાદ ઊંડાણપૂર્વક ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી. જેમાં IP એડ્રેસ અને નંબર ટ્રેસ કરતા આ મેસેજ મોકલનાર તે જ શાળાનો વિદ્યાર્થી હોવાનું ફૂલપ્રૂફ સાબિત થયું હતું.
હાલ સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય વિદ્યાર્થીઓને પણ ચેતવણી આપી છે કે પરીક્ષાના ટેન્શનમાં કે મજાકમાં આવા ગંભીર ગુનાહિત કૃત્યો કરવાથી ભવિષ્ય બરબાદ થઈ શકે છે.
