Gujarat News: હિંદુ સનાતન ધર્મમાં મહાકુંભ(Mahakumbh)નું વિશેષ મહત્વ છે, જે 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વોલ્વો બસ(Volvo Bus)ને લીલીઝંડી આપી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો છે.
પ્રયાગરાજ (Prayagraj) ખાતે જઇને ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સંયુકત રીતે એક સકારાત્મક નિર્ણય લીધો હતો. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપાડવાનો નિર્ણય લઇ શ્રધ્ધાળુને રાત્રિ રોકાણ અને બસ મુસાફરી સાથેનું ઇકોનોમી પેકેજ તૈયાર કરવામાં આવ્યુ છે.
આગામી 27મી જાન્યુઆરી 2025થી સોમવારથી આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે સાત વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે.

માત્ર રૂ. 8,100 માં પ્રતિ વ્યક્તિ ત્રણ રાત્રિ/ચાર દિવસનું પેકેજ ગુજરાતના શ્રધ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યુ છે. આ પેકેજમાં તમામ ત્રણ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.
પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ 25 જાન્યુઆરી 2025થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા નમ્ર પ્રયાસ કર્યો છે આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી માત્રામાં પધારતા હોઈ સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શકયતા છે.
આ પણ વાંચો:મહાકુંભમાં 30 લાખ જેટલા ગુજરાતી શ્રદ્ધાળુઓ શાહી સ્નાનનો લઈ ચૂક્યા છે લાભ
આ પણ વાંચો:મહાકુંભમા નાગા સાધુઓના મુખ્ય અખાડા કયા છે ? તેમના પ્રમુખ દેવતા વિશે પણ જાણો
આ પણ વાંચો:‘કોઈએ બહારથી આગ ફેંકી હતી’ મહાકુંભમાં ભીષણ આગ મામલે ગીતા પ્રેસના ટ્રસ્ટીનો દાવો
