Budget Session 2023/ ‘સંસદમાં બોલવાની દરેક વ્યક્તિને સંપૂર્ણ સ્વતંત્રતા…’ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બજેટ સત્રના બીજા ભાગ પહેલા કહી આ વાત

સંસદના બજેટ સત્રનો બીજો ભાગ સોમવાર (13 માર્ચ)થી શરૂ થઈ રહ્યો છે. આ ભાગમાં વધારે હંગામો થવાની આશંકા સેવાઇ રહી છે

Top Stories India
Budget Session 2023

Budget Session 2023: સંસદના બજેટ સત્રનો બીજો ભાગ સોમવાર (13 માર્ચ)થી શરૂ થઈ રહ્યો છે. આ ભાગમાં વધારે હંગામો થવાની આશંકા સેવાઇ રહી છે. વિપક્ષ વિપક્ષી નેતાઓ પર ED અને CBIની કાર્યવાહીને લઈને હોબાળો મચાવી શકે છે, તો બીજી તરફ વિદેશમાં રાહુલ ગાંધીના નિવેદનો પર શાસક પક્ષના કડક વલણની અસર પણ જોવા મળી શકે છે. સત્રની શરૂઆતના એક દિવસ પહેલા જ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીના આરોપો પર તેમનું નામ લીધા વગર જવાબ આપ્યો હતો.

બહેરીનની રાજધાની મનામામાં 146મી આંતર-સંસદીય જૂથની (Budget Session 2023) બેઠકમાં બોલતા ઓમ બિરલાએ કહ્યું હતું કે ભારતની સંસદમાં તમામ પ્રતિનિધિઓને પોતાની અભિવ્યક્તિ અને બોલવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. આ પહેલા રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે પણ રાહુલ ગાંધીના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું હતું કે આજ સુધી રાજ્યસભામાં માઈક બંધ કરવામાં આવ્યું નથી.

બીજા ભાગના પહેલા દિવસે એટલે કે સોમવાર (13 માર્ચ) નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ જમ્મુ-કાશ્મીરનું બજેટ રજૂ કરશે. આ સત્રમાં બજેટ સિવાય સરકારના કેટલાક અન્ય મહત્વપૂર્ણ બિલો પર પણ સંસદમાં ચર્ચા થઈ શકે છે. જેમાં જન વિશ્વાસ બિલ અને મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી બિલનો સમાવેશ થાય છે. બીજો ભાગ 13 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે.

આ ભાગમાં સરકાર વધુને વધુ બિલ પાસ કરાવવાનો પ્રયાસ કરશે તો વિપક્ષ પણ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યું છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં વિપક્ષની રણનીતિ નક્કી કરવા માટે સોમવારે (13 માર્ચ) સવારે તમામ વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. આ સિવાય કોંગ્રેસ સંસદીય દળની બેઠક પણ બોલાવવામાં આવી છે.

દેશભરમાં વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ED અને CBIની કાર્યવાહીને લઈને વિપક્ષી પાર્ટીઓ સરકાર પર પ્રહારો કરી રહી છે, જેની અસર સત્રના કામકાજ પર જોવા મળી શકે છે. આ સાથે જ રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં સંસદના કામકાજને લઈને કરેલી ટીપ્પણીના કારણે સત્તાધારી પક્ષનું વલણ પણ કડક છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પણ સત્ર દરમિયાન જ થવાની ધારણા છે, જેના કારણે સંસદમાં રાજકીય તાપમાન વધુ વધવાની ખાતરી છે.