મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર રાજકીય આંદોલનોનો સીલસીલો ચાલુ રાખવા માટે કોંગ્રેસે વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની અધ્યક્ષતામાં નવ સભ્યોની સમિતિની રચના કરી છે. ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચીવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો પણ આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પેગાસસ જાસૂસી કૌભાંડ, કૃષિ કાયદા રદ કરવાની વિરોધીઓની માંગ અને ફુગાવાના મુદ્દે વિપક્ષી દળો દ્વારા સૂચિત આંદોલનને પગલે સમિતિની રચના કરવાનો કોંગ્રેસનો આ નિર્ણય મહત્વનો બની રહે છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ તેમજ પ્રજાને લગતા મહત્વના પ્રશ્નો પર પક્ષની નબળાઈ અંગે કોંગ્રેસની અંદર લાંબા સમયથી ચિંતાઓ અને પ્રશ્નો ઉભા થયા છે. અસંતુષ્ટ પક્ષના નેતાઓના ગ્રુપ -23 એ પણ મહત્વના મુદ્દાઓ પર વિપક્ષી પાર્ટી તરીકે કોંગ્રેસની અસરકારક પાયાની હાજરીના અભાવ પર સવાલ ઉઠાવ્યા હતા અને આ માટે સંસ્થાકીય સમિતિની રચના કરવાની પણ રજૂઆત કરી હતી.
જો કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આ સમિતિની રચના કરવા પાછળનો આશય 20 થી 30 સપ્ટેમ્બર વચ્ચે વિપક્ષી દળોનું આંદલોનું આંદોલન છે. આ સમિતિમાં દિગ્વિજય અને પ્રિયંકા ગાંધી સિવાય ભૂતપૂર્વ મહાસચિવ બીકે હરિપ્રસાદ, લોકસભાના સભ્ય ઉત્તમ કુમાર રેડ્ડી, પક્ષના સચિવ મનીષ ચતરથ, આસામ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રિપુન બોરા, ઉદિત રાજ, રાગિણી નાયક અને ઝુબેર ખાનનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે 20 ઓગસ્ટે વિપક્ષી એકતાની પહેલના ભાગરૂપે સોનિયાએ મમતા બેનર્જી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, એમકે સ્ટાલિન સહિત 19 વિપક્ષી દળોના દિગ્ગજોની બેઠક બોલાવી હતી. તે જ બેઠકમાં, 20 થી 30 સપ્ટેમ્બર વચ્ચે પેગાસસ જાસૂસી કૌભાંડ, મોંઘવારી અને કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિપક્ષી દળોને આંદોલન યોજવાની સંમતિ આપવામાં આવી હતી. માટે એમ કહી શકાય કે, કોંગ્રેસની આ નવી રચાયેલી સમિતિની પ્રથમ કસોટી વિપક્ષી પાર્ટીઓનું આ આંદોલન હશે.
