જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધતા આરોગ્યતંત્રમાં ચિંતનો વધારો થયો છે. ગુરુવારે જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ કોરોના સંક્રમિત બન્યા છે. આ ઉપરાંત ત્રણ તબીબી વિદ્યાર્થીઓ અને એક ઉદ્યોગપતિ સહિત નવ દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. તો બે જ દિવસમાં 21 નવા કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
જામનગર શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તારીખ 13 મીના રોજ શહેરમાં 12 દર્દીઓ નોંધાયા બાદ ગુરુવારે વધુ નવ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. ગુરુવારે સામે આવેલા દર્દીઓમાં જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલનો પણ સમાવેશ થાય છે.
સામાન્ય લક્ષણોને લઈને આઈએએસ અધિકારી મિહિર પટેલનો સરકારી જીજી હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ જાહેર થયો છે.હાલ આ આઈએએસ અધિકારી હોમ આઇસોલેટ થયા છે અને તેઓની તબિયત સુધારા પર હોવાનું તેઓએ જણાવ્યું છે. તો બીજી તરફ જિલ્લા શહેરના ત્રણ તબીબી છાત્રો અને એક ઉદ્યોગપતિ સહિત નવ દર્દીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. શહેર જિલ્લામાં સતત વધી રહેલ કોરોના સંક્રમણના પ્રમાણને લઈને આરોગ્યતંત્રની સાથે સાથે નાગરિકોમાં પણ ચિંતા પ્રસરી છે.
આ પણ વાંચો : સમાચારની ઈફેક્ટ : સરકારે લીધો આ વિશેષ નિર્ણય અને લોકોએ માન્યો ‘મંતવ્ય ન્યૂઝ’નો આભાર
