@પ્રફુલ્લ ત્રિવેદી : અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનાં વહીવટીતંત્રમાં કઈ હદની પોલંપોલ ચાલે છે અને સત્તાધારીપક્ષ તે સામે કઈ હદે આંખ આડા કાન કરીને તંત્રએ મુકેલી દરખાસ્તને ફટાફટ મંજૂરી આપે છે, તેનું એક અદભૂત ઉદાહરણ કાંકરિયા લેકફ્રન્ટનાં એમ્યુઝમેન્ટપાર્કની રાઈડનું સામે આવ્યું છે. ભાજપનાં પૂર્વ કોર્પોરેટરનાં ભાઈની કંપની સુપર સ્ટાર એમ્યુઝમેન્ટની ડિસ્કવરી રાઈડ 2019માં ધડાકાભેર તૂટી પડતા તેમાં બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા, 29 ઘવાયા હતા તેમાં 7 ગંભીર હતા. આ દુર્ઘટનાનાં પગલે રાજ્યભરમાં હાહાકાર મચી ગયો હતો. હવે સામે ચૂંટણી છે ત્યારે ફરી એની એ જ કંપનીને રાઈડનો કોન્ટ્રાક્ટ આશ્ચર્ય અને આઘાતજનક રીતે પધરાવી દેવાયો છે.કોઈના કોઈ સ્તરે બહુ મોટો ભ્રષ્ટાચાર થવાની ચર્ચા મ્યુનિ.વર્તુળોમાં જોરશોરથી શરુ થઇ છે.
આ એજન્સીને 2014માં 20 વર્ષ માટે 2034 સુધી કોન્ટ્રકટ અપાયો હતો.આવકનાં 10 ટકા રકમ મ્યુનિ.ની તિજોરીમાં જમા કરાવવાની હતી, તે પેઠે 2014 થી 2022 દરમિયાન માત્ર રૂ.1.54 કરોડની જ આવક થઇ છે, એટલે વર્ષે મ્યુનિ.ને રૂ. 20 લાખ જ મળ્યા છે. રાઈડ તૂટી પડી ત્યારે તેની મ્યુનિ.કોર્પોરેશન કે રાજ્ય સરકારના પીડબલ્યુડી જેવા જવાબદારતંત્રએ બેજવાબદારી પૂર્વક દોષનો ટોપલો એક-બીજા ઉપર ઢોળતા હતા. જોઈન્ટમાં ખામી હોવાનું પ્રાથમિક અહેવાલમાં બહાર આવ્યું હતું.

સમયાંતરે થવી જોઈતી તપાસ પણ મ્યુનિ.નાં સક્ષમ અધિકારીઓ દ્વારા થતી ના હતી. મૂળ ટેન્ડરની શરતોમાં અનેક ખામીઓ હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. કોર્પોરેશનનાં સત્તાવાળાઓ અને વહીવટીતંત્રની એ સમયે ભારે બદનામી થઇ હતી, આમ છતાં કોન્ટ્રકટરને બ્લેકલિસ્ટ કરવાની માત્રને માત્ર ગુલબાંગો જ પોકારાઈ હતી. મળતીયા અને સાંઠગાંઠ ધરાવતા કોન્ટ્રકટરને સંપૂર્ણ પણે છાવરવાનો અંદરખાને કારસો રચાયો હતો. જેના પરિણામ સ્વરૂપે જ આટલા વિવાદ બાદ પણ બેશરમ બનીને એ જ કોન્ટ્રકટરને કોન્ટ્રકટ અપાઈ રહ્યો છે. મ્યુનિ.નાં તંત્રમાં કઈ હદની પોલંપોલ ચાલે છે, તેનો આ અદભૂત નમૂનો છે. એક તરફ ભ્રષ્ટાચારનાં મુદ્દે ઝીરો ટોલરન્સનાં વચનો આપવામાં આવે છે અને બીજી તરફ ચૂંટણી ટાણે જ તંત્રએ આવો આઘાતજનક અને વિવાદાસ્પદ નિર્ણય શા માટે અને કોના દબાણ હેઠળ લીધો તે પ્રશ્ન છે. સરકાર અને સંગઠનનાં ઉચ્ચ હોદેદારો સમક્ષ આ બાબતો પહોચશે ત્યારે ત્યાં પણ જવાબ આપવાનો થશે, તે નક્કી છે.
આ પણ વાંચો : શું તમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિષે આ મહત્વની બાબત જાણો છો?
