Palanpur News : ગુજરાતના પાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજની બિસ્માર હાલત સામે આવી છે. ભાદરવા પૂનમના મેળાના શરૂઆતના દિવસોમાં ગયા વર્ષે 12 સપ્ટેમ્બર 2024ના રોજ 89.10 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા એલિવિટેડ બ્રિજને ખુલ્લો મૂકાવામાં આવ્યો હતો. આ બ્રિજ ગુજરાતનો પ્રથમ થ્રી-લેગ એલિવેટેડ બ્રિજ અને ભારતનો બીજો બ્રિજ છે, તેના એક સ્લેબમાં મસમોટી તિરાડ પડવાની ચકચારી ઘટના સામે આવી છે.
બ્રિજ પરના એક ભાગનો ટ્રાફિક સુરક્ષાના કારણોસર બંધ કરી દેવાયો છે. બીજીતરફ યુદ્ધના ધોરણે રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આજે 11 સપ્ટેમ્બર બ્રિજના સ્લેબમાં મોટી તિરાડ પડી હોવાનું અચાનક ધ્યાનમાં આવ્યું હતુ. તે સિવાય આ તિરાડ અંગેના ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં તંત્ર ઓચિંતુ જાગ્યું હતું. નવાઈની વાત એ છે કે તંત્રએ ચૂપચાપ કોઈને ખ્યાલ ન આવે તેવી રીતે બ્રિજની રિપેરિંગની કામગીરી ચાલું કરી દીધી છે. પરંતુ તેમની પોલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટાઓએ ખોલી નાંખી હતી.
આ તિરાડ વરસાદ અને વાહનોના સતત વજનને કારણે ઉદ્ભવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માત્ર એક જ વર્ષમાં તિરાડ પડતાં બ્રિજની ડિઝાઇન અને નિર્માણમાં ખામી હોવાની શંકા ઉભી થઈ છે. આ બ્રિજ અને 1700 મીટર લાંબો છે અને જમીનથી 17 મીટર ઊંચો છે. જે પાલનપુરને અમદાવાદ અને આબુ, અંબાજી સાથે જોડે છે. આ બ્રિજ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ગૌરવ માનવામાં આવતું હતું, પરંતુ આ ઘટનાએ તેની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે.
આ બ્રિજના નિર્માણ દરમિયાન પણ એક દુઃખદ ઘટના બની હતી. નવેમ્બર 2023માં ગર્ડર તૂટી પડવાના કારણે બે રિક્ષા ચાલકો (વિક્રમસિંહ રાઠોડ, 28, અને રાજુ પટેલ, 35)નું મોત થયું હતું. ઉપરાંત 3-4 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ નિર્માણની ગુણવત્તા અને સુરક્ષા ધોરણો પર પહેલેથી જ ચર્ચા ઉભી કરી હતી. હવે આ તાજી ઘટનાએ ફરી એકવાર ચિંતા વધારી છે.
ટ્રાફિક બંધ : જિલ્લા ટ્રાફિક પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્રિજ પરનો મોટા સાધનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. આબુ અને અંબાજી જવા માટેના વાહનોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હોય તેવા કોઈ જ સમાચાર સામે આવી રહ્યા નથી.રિપેરિંગનું કામ ઝડપથી શરૂ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તેથી બ્રિજના એક ભાગનો ટ્રાફિક બંધ કરાયો છે. બ્રિજનો એક ભાગ ચિરાઈ ગયો હોવા છતાં એક તરફનું ટ્રાફિક ચાલું રાખવામાં આવ્યું છે. જે ભયંકર સાબિત થઈ શકે છે. હાલમાં યુદ્ધના ધોરણે બ્રિજના તૂટી ગયેલા ભાગનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મોટા સાધનોની અવરજવર બંધ કરવામાં આવી છે.
આ ઘટનાએ ગુજરાતમાં સુરક્ષા ધોરણો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગુણવત્તા પર ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. અગાઉ 2022માં મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. હવે આ ઘટનાએ રાજ્યમાં બ્રિજોની ટકાઉપણું અંગે ચિંતા વધારી છે. હજું એક વર્ષ પહેલા જ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલો થ્રી એલિવેટેડ બ્રીજના એક ભાગમાં મસમોટી તિરાડ ગંભીર બાબત ગણી શકાય છે.
