અમદાવાદ,
અમદાવાદના દેશભરમાં ચકચાર જગાવનારા નરોડા સામૂહિક આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આત્મહત્યા કરનાર ત્રિવેદી પરિવારની વધુ બે ચિઠ્ઠીઓ પોલીસ તપાસમાં બહાર આવી છે. આ ચિઠ્ઠીઓ મળ્યાં બાદ કાળી વિદ્યા સાથે કનેક્શન ધરાવતો કેસ પ્રેતાત્મા તરફ વળ્યો છે અને આત્મહત્યાનું કનેક્શન ઇન્દોર સુધી પહોંચ્યું છે.
શું છે સમગ્ર ઘટના.
નરોડા હરીદર્શન ચાર રસ્તા પાસે આવેલ અવનીના ઘર 403મા રહેતા ત્રિવેદી પરિવારે તારીખ 11 ના રોજ સામુહિક આત્મહત્યા કરી હોવાની હકીકત બહાર આવી હતી. જેની પાછળનું કારણ કાળી વિદ્યાઓનો ત્રાસ હોવાનું માલુમ પડ્યું હતું અને તે બાબતની એક સુસાઈડ નોટ પણ પોલીસે રિકવર કરી હતી.
જેમાં આપઘાત કરનાર પરિવારના મોભી કૃણાલ ત્રિવેદીએ કાળી વિદ્યાના કારણે આપઘાત કરી હોવાનું કારણ દર્શાવ્યું હતું. પણ પોલીસ તપાસમાં કાળી વિદ્યાનું કનેક્શન હવે ઇન્દોરના આપઘાત સાથે જોડાતું દેખાઈ રહ્યું છે.
હું કોઈને શાંતિથી જીવવા નહીં દઉં
નરોડા પોલીસ સ્ટેશનમાં તારીખ 11 સપ્ટેમ્બરે સામૂહિક આપઘાતનો બનાવ નોંધાયો હતો.. પરંતુ આ પરિવારે તારીખ 10 સપ્ટેમ્બરના રોજ આપઘાત કરી લીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. માત્ર એટલું જ નહીં પરિવારે ત્રણ દિવસ અગાઉથી જ આપઘાતને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેની હકીકત પોલીસ તપાસમાં ડ્રાઈવરની પૂછપરછ કરતા બહાર આવી છે. પૂછપરછ દરમિયાન ત્રીવેદીના ડ્રાઈવરે ચોકાવનારા ઘટસ્ફોટ કર્યા છે.
આપઘાતના ત્રણ દિવસ પૂર્વે કૃણાલ ત્રિવેદીની પત્ની કવિતાએ ત્રણ બેગ ભરીને સાત લાખ રૂપિયા અને સોના ચાંદીના દાગીના અમદાવાદના બોપલ ખાતે રહેતી તેની બહેનને ત્યાં મોકલાવી દીધા હતા અને આ ત્રણ બે ની સાથે કવિતાએ બે ચિઠ્ઠીઓ પણ લખીને મોકલી હતી. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કૃણાલ ત્રિવેદી અને જે સ્ત્રી સાથે પણ એ સંબંધ હતો તે સ્ત્રી આત્મા બનીને કૃણાલ ત્રિવેદી અને તેના પરિવારને પરેશાન કરતી હતી.
ઈન્દોરમાં રહેતી આ સ્ત્રીના લગ્ન કૃણાલ ત્રિવેદી સાથે ન થતા તેણે આપઘાત કર્યો હતો અને ત્યારબાદ તેની આત્મા કુણાલ ત્રિવેદીને વારંવાર પોતાના વશમાં કરતી હતી અને તેના પરિવારને પરેશાન કરતી હતી હોવાનું કવિતા ત્રિવેદીએ ચિઠ્ઠીમાં લખ્યુ હતું.
આ વાતની જાણ કુણાલની માતાને હતી અને તેની માતાએ પોલીસ સમક્ષ પૂછપરછ દરમિયાન આ યુવતીની આત્મા બાબતે પરિવારને પરેશાની હોવાની કબૂલાત પણ કરી છે. યુવતી વારંવાર કુણાલ શરીરમાં આવતી હતી અને કહેતી હતી તે મે કીધુ ત્યારે કુણાલના લગ્ન મારી સાથે ન કરાવ્યા પણ હવે ‘હું કોઈને શાંતિથી જીવવા નહીં દઉં’ આ તમામ બાબતોનો ઉલ્લેખ કવિતા એ પોતાની ચિઠ્ઠીમાં મરતા પહેલા સ્પષ્ટ રીતે કર્યો છે.
ત્રિવેદી પરિવારને ભરખી જનાર આ આત્મા કોની
હાલ તો પોલીસ તપાસ દરમિયાન કાળા જાદુનો કેસ ભટકતી આત્મા સુધી પહોંચ્યો છે. પણ ત્રિવેદી પરિવારને ભરખી જનાર આ આત્મા કોની છે અને કૃણાલ તથા ત્રિવેદી પરિવાર સાથે તેનું શું કનેક્શન છે તે જાણવા માટે પોલીસે તપાસનો દોર તૈયાર કર્યો છે. જે રીતે કાળી વિદ્યાથી આત્મા સુધી આ કેસની તપાસ પહોંચી છે તેને જોતા લાગી રહ્યું છે કે, આવનારા સમયમાં આ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ બહાર આવશે. આપઘાત પાછળના તાણાવાણા અને ઘૂટાતાં રહસ્યોનો પર્દાફાશ પોલીસ તપાસ બાદ જ થશે.
