Rajkot News: રાજકોટમાં પોલીસ પુત્રને ઉછીના આપેલા રૂપિયા પરત માંગવા મોંઘા પડયા છે. ઉછીના રૂપિયા પરત માંગતે તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ પુત્ર જન્મજયસિંહ ઝાલા (Janmjaysingh Zala) નામના મિત્રને ઉછીના રૂપિયા આપ્યા હતા, જે પરત માગતા મિત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને અન્ય બે લોકો સાથે મળી જન્મજયસિંહ સાથે મારામારી કરી છરી વડે હુમલો કર્યો હતો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, જન્મજયસિંહ જયપાલસિંહ ઝાલા પોલીસ હેડક્વાર્ટરમાં ન્યુ એ.એસ.આઇ. બિલ્ડિંગમાં રહે છે અને બી.કોમ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. 15મી ઓગસ્ટે સાંજ સાત વાગ્યાની આસપાસ જન્મજયસિંહ મિત્ર હર્ષિતસિંહ શક્તિસિંહ ચુડાસમા સાથે વિષ્ણુવિહાર સોસાયટી પાસે આવેલા સેવક પાન-ફાકીની દુકાને ગયો હતો. એ સમયે રોહિત ડાભી અને તેના ત્રણ મિત્રો ત્યાં બેસેલા હતા. રાત્રે 10 વાગ્યાની આસપાસ અન્ય મિત્રો અયાન આરિફ લાંજા અને યશુ પ્રવીણ દેવરા તથા શાહરુખ આવ્યા હતા.
જન્મજયસિંહે 15 દિવસ પૂર્વે અયાનને ઉછીના 1.15 લાખ રૂપિયા આપ્યા હતા. જેમાંથી તેણે જન્મજયસિંહને 40 હજાર પરત કરી દીધા હતા જ્યારે 75 હજાર લેવાના બાકી હતા, જેથી જન્મજયસિંહે 75 હજાર રૂપિયાની ઉઘરાણી કરી હતી. જે દરમિયાન અયાન ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી હતી. અયાનની સાથે આવેલા યશુ દેવરા અને શાહરુખ ઢિકાપાટુનો માર મારવા લાગ્યો હતો. આટલામાં અયાનને પોતાની પાસે રહેલી છરીના બે ઘા જન્મજયસિંહને માર્યા હતા અને આજે તો તને મારી જ નાખવો છે તેવી ધમકી આપી હતી.
ઇજાગ્રસ્ત હાલતમાં જન્મજયસિંહને તેના અન્ય મિત્રો કામીલ, અરબાઝ અને હર્ષિતસિંહ ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા. બનાવ અંગે જન્મજયસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. તેમજ દુકાન પાસેના સીસીટીવીમાં આ સમગ્ર બનાવ કેદ થઇ ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: કોલકાતાના રેપની ગુજરાતમાં અસર, ડોક્ટરો કરશે 24 કલાકની હડતાળ
આ પણ વાંચો: વડોદરામાં સૌપ્રથમ સફળ મૂત્રપિંડ ટ્રાન્સપ્લાન્ટ, મહિલા દર્દીનો ડાયાલિસિસથી છૂટકારો
આ પણ વાંચો: વડોદરા મ્યુનિ.એ સ્વચ્છતા માટે ઇન્દોરના કન્સલ્ટન્ટને સાધ્યો
