મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને સોમવારે લોક નાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 57 વર્ષીય જૈનને ઓક્સિજનના ઓછા સ્તરની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ હવે સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, પીઠનો દુખાવા બાદ જૈનને પહેલા તિહાર જેલમાંથી જીબી પંતને મોકલવામાં આવ્યા હતા અને પછી ત્યાંથી એલએનજેપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમો હેઠળ જૈનની ધરપકડ કરી હતી. જૈન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ગયા એપ્રિલમાં, ઇડીએ જૈન પરિવારની કંપનીઓની રૂ. 4.81 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
બે દિવસ પહેલા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી
મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ગયા મહિને ધરપકડ કરાયેલ સત્યેન્દ્ર જૈનની જામીન અરજી શનિવારે વિશેષ CBI કોર્ટે ફગાવી દીધી હતી. જૈને ‘સ્લીપ એપનિયા’થી પીડિત હોવાનું કહીને જામીન માંગ્યા હતા.
વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલે જૈનને રાહત આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે તેની તબીબી સ્થિતિ દર્શાવતા દસ્તાવેજોની ગેરહાજરીમાં, આરોપીને માત્ર એ આધાર પર જામીન પર મુક્ત કરી શકાય નહીં કે તે ‘સ્લીપ એપનિયા’થી પીડિત છે. કોર્ટે કહ્યું હતું કે કેસની તપાસ હજુ ચાલી રહી હોવાથી અને આરોપી પ્રભાવશાળી સ્થિતિમાં હોવાથી પુરાવાને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય નહીં. ન્યાયાધીશે કહ્યું કે કેસના તથ્યો અને સંજોગો અને આરોપીઓ સામેના આરોપોની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને જામીન અરજી ફગાવી દેવામાં આવે છે.
આ પણ વાંચો: અગ્નિપથ પરના વિવાદ વચ્ચે PM મોદીએ કહ્યું, કેટલાક સુધારા શરૂઆતમાં ખરાબ લાગશે
