Gujarat News : આજે ગુરુ પૂર્ણિમા અને રવિવારની જાહેર રજા હોવાથી પંચમહાલ જિલ્લાના યાત્રાધામ અને પ્રવાસન સ્થળ પાવાગઢ ખાતે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીનાં દર્શને પહોંચ્યા હતા. પાવાગઢ તળેટીમાં વાહનોનો જમાવડો થઈ જતા વાહન પાર્કિંગની ભારે સમસ્યા સર્જાઈ હતી, બોડેલી રોડ તેમજ ઘોઘંબા રોડ ઉપર ચાર કિલોમીટર સુધી વાહનોની લાઈનો જોવા મળી હતી. આજે ગુરુ પૂર્ણિમા અને રવિવારની રજા હોવાથી યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારે હજારો શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીનાં દર્શન કરવા પહોંચ્યા હતા.
બાવા બજારથી મંદિર સુધીનાં પગથિયાં ઉપર હજારો દર્શનાર્થીઓને તબક્કાવાર માતાજીના મંદિરે દર્શનાર્થે પહોંચવા દેવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા હજારો યાત્રિકો મંદિરના પગથિયે પણ કલાકો સુધી ઊભા રહ્યા હતા. યાત્રાળુઓ મંદિર સુધી પહોંચતા જ માતાજીનો જયઘોષ કરી મહાકાળીનાં દર્શન કર્યાં હતાં. તળેટીમાં વાહનોનો જમાવડો થઈ જતા એક તબક્કે પોલીસ દ્વારા વાહનોને માચી સુધી જતા અટકાવી દેવામાં આવ્યા હતા. તો હાલોલ તરફ ટિમ્બી અને બોડેલી રોડ પર ધનકૂવા પાસે બેરિકેડ કરીને વાહનોને વડા તળાવ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યાં હતાં. સવારે જે વાહનો તળેટી સુધી પહોંચ્યાં હતાં તે વાહનો માચી સુધી ન જતાં તળેટીમાં પણ વાહનોનો જમાવડો થઈ ગયો હતો.
વડા તળાવ તરફથી આવતાં વાહનો પણ તળેટી સુધી પહોંચે નહીં તેવી સ્થિતિ ઊભી થઈ હતી, તો માચી ખાતે રોપવેમાં બેસવા લાગેલી લાંબી કતારમાં યાત્રાળુઓ કલાકો સુધી ઊભા રહ્યા હતા. દુધિયા તળાવથી બાવા બજાર સુધીના માર્ગમાં પણ યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. અનેક શ્રદ્ધાળુ ભક્તો માચીથી મહાકાળી મંદિર સુધી પગથિયા ચડીને જતા હતા. આ માર્ગ ઉપર પણ સવારે ભારે ભીડ જામી હતી.
આ પણ વાંચો:ખાવાના શોખીનો અમદાવાદીઓ સાવધાન! સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટની દાલફ્રાયમાંથી નીકળ્યો વંદો
આ પણ વાંચો:બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે આરક્ષણ વધારવાના નિર્ણયને પલટાવ્યો
