Mumbai News/ ‘મચ્છર મારવા તલવાર ન ચલાવો’, બોમ્બે હાઇકોર્ટની FDAને ટકોર; કહ્યું- સત્તાનો વિવેકપૂર્વક ઉપયોગ કરો

કેડિલા ફાર્માસ્યુટિકલ્સની દવાઓ સામે FDAની કાર્યવાહી પર બોમ્બે હાઇકોર્ટે વ્યક્ત કરી નારાજગી. સત્તાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા સૂચના.

NATIONAL India Breaking News
FDA

Mumbai News : બોમ્બે હાઇકોર્ટે (Bombay High Court) મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ને પોતાની સત્તાનો વિવેકપૂર્વક અને યોગ્ય રીતે ઉપયોગ કરવાની કડક સૂચના આપી છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સની કેટલીક દવાઓ સામે FDA દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગેની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે નિયમનકારી એજન્સીની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

કોર્ટે FDAની કાર્યવાહી અંગે ટકોર કરતાં કહ્યું કે “તમારી પાસે તલવાર ચલાવવાની સત્તા છે, પરંતુ સમસ્યા એ છે કે તમે તેનો ઉપયોગ મચ્છર મારવા માટે કરી રહ્યા છો.” કોર્ટે FDAને સત્તાનો યોગ્ય અને પ્રમાણસર ઉપયોગ કરવાની સલાહ આપી હતી. સાથે જ આવી કડક કાર્યવાહીનો સિલસિલો ચાલુ રહેશે તો ભારે ખર્ચ લાદવાની ચેતવણી પણ આપી હતી.

કેડિલા ફાર્માએ FDAના નિર્ણયને પડકાર્યો

કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે FDAના એ નિર્ણયને બોમ્બે હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં બ્રાન્ડિંગમાં સમાનતાને કારણે તેની કેટલીક દવાઓના વેચાણ અને વિતરણ પર રાજ્યભરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત આશરે 2.45 કરોડ રૂપિયાનો દવાનો સ્ટોક જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. કંપનીનો દાવો હતો કે વેચાણ પર પ્રતિબંધ અને જપ્તીનો આદેશ આપતા પહેલાં તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી નહોતી.

આ દવાઓને લઈને હતો વિવાદ

આ મામલો Aciloc 150, Aciloc 150 Plus, Aciloc 300 અને Aciloc 300 Plus દવાઓ સાથે જોડાયેલો હતો. FDA તરફથી કોર્ટમાં જણાવાયું હતું કે આ દવાઓના બ્રાન્ડિંગમાં સમાનતાને કારણે લોકોમાં મૂંઝવણ ઊભી થવાની શક્યતા હતી, તેથી એજન્સીએ સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી કરી હતી.

‘કડક કાર્યવાહી પહેલાં કંપનીને સાંભળો’

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયમૂર્તિ ગૌતમ અંખાડની બેન્ચે જણાવ્યું હતું કે કોઈ કંપની સામે કડક પગલું ભરતા પહેલાં તેને પોતાનો પક્ષ રજૂ કરવાની યોગ્ય તક આપવી જરૂરી છે.

કોર્ટે કહ્યું કે તેને છેલ્લા બે અઠવાડિયામાં કંપનીને થયેલા નુકસાનની એટલી ચિંતા નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન જે લોકોને આ દવાઓ મળી શકી નથી તેમની ચિંતા વધુ છે.

FDAએ આદેશ પાછો ખેંચવાની ખાતરી આપી

સુનાવણી દરમિયાન FDA તરફથી કોર્ટને ખાતરી આપવામાં આવી કે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ (Cadila Pharmaceuticals)સામેના અગાઉના આદેશો પાછા ખેંચવામાં આવશે. ત્યારબાદ કંપનીને કારણદર્શક નોટિસ આપવામાં આવશે અને કોઈપણ કડક નિર્ણય લેતા પહેલાં તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે. FDAની આ ખાતરી બાદ હાઇકોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

FDAની કાર્યવાહી અંગે અગાઉ પણ કોર્ટની ટકોર

બોમ્બે હાઇકોર્ટે અગાઉ પણ FDAની કેટલીક કાર્યવાહી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. એક સુનાવણી દરમિયાન એમેઝોન રિટેલ ઇન્ડિયાના એક વેરહાઉસ સામે કરવામાં આવેલી કડક કાર્યવાહી અંગે કોર્ટે એજન્સીને ટકોર કરી હતી.

કોર્ટે નિયમોના ઉલ્લંઘન સામે FDAની કાર્યવાહી જરૂરી હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ સાથે સવાલ કર્યો હતો કે દરેક વ્યાવસાયિક સંસ્થાને બંધ કરી દેવું જ સમસ્યાનો ઉકેલ છે કે કેમ.

કોર્ટે FDAને વ્યવસ્થિત અને સંતુલિત રીતે કાર્યવાહી કરવાની સલાહ આપી હતી. મહારાષ્ટ્રમાં મે મહિનામાં IAS અધિકારી તુકારામ મુંઢે FDAના વડા બન્યા બાદથી વિવિધ ખાણીપીણીના સ્થળો અને જાણીતી રેસ્ટોરાં સામેની કાર્યવાહી પણ ચર્ચામાં રહી છે.


આ પણ વાંચો: બોમ્બે હાઇકોર્ટેનો મહત્વનો નિર્ણય, ‘પેનેસીયા બાયોટેક લીઝહોલ્ડ જમીન પર 18% GST ચૂકવશે નહીં’

આ પણ વાંચો:બોમ્બે હાઇકોર્ટે 100 રૂપિયાની લાંચ કેસમાં ડૉકટરને નિર્દોષ જાહેર કર્યા

આ પણ વાંચો:બોમ્બે હાઇકોર્ટે ગર્ભાપત મામલે આપ્યો મોટો ચુકાદો,મહિલાને આપવામાં આવ્યો આ અધિકાર,જાણો