કચ્છમાં જખૌ નજીક ભારતીય જળસીમામાંથી 21મી મે નાં રોજ 1000 કરોડનાં ડ્રગ્સનાં જંગી જથ્થા સાથે ઝડપાયેલી પાકિસ્તાની બોટમાં સવાર 6 પાકિસ્તાનીઓનાં ભુજની વિશેષ કૉર્ટે બે દિવસનાં રીમાન્ડ મંજૂર કર્યાં છે. અત્યારસુધી એજન્સીની પૂછતાછમાં નવા કડાકા સામે આવ્યા છે. પાકિસ્તાનીઓ 15 દિવસ પહેલા પણ અહીં આવી ચુક્યા હતા. પણ રીસીવર ન પહોંચતા ડ્રગ્સ લઈ તેઓ પરત ફર્યા હતા. ડ્રગ્સનો કનસાઈનમેન્ટ 1600 કરોડનો હોવાનું ખુલાસો થયો છે.

જખૌ ડ્રગ્સકાંડમાં ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓની સઘન પૂછપરછ બાદ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે તેમની શુક્રવારે વિધિવત ધરપકડ કરી મોડી સાંજે ભુજ કૉર્ટમાં રજૂ કર્યાં હતા. રીમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી. રીમાન્ડ મેળવવા માટે DRI એ રજૂ કરેલાં ગ્રાઉન્ડનાં આધારે ડ્રગ્સકાંડની અન્ય કેટલીક ચોંકાવનારી માહિતી પહેલીવાર બહાર આવી છે. પાકિસ્તાની બોટ અલ મદિનામાંથી ઝડપાયેલું ડ્રગ્સ બે પ્રકારનું છે. ડીઆરઆઈએ કરાવેલાં કેમિકલ એનાલીસીસમાં સ્પષ્ટ થયું છે કે અમુક જથ્થો બ્રાઉન હેરોઈનનો છે અને અમુક જથ્થો મોર્ફીન અને મેથેનોલયુક્ત બેઝીક આલ્કલાઈન પ્રકારનાં ડ્રગ્સનો છે. અલ મદિનાં બોટમાં રહેલા ડ્રગ્સનાં 194 પેકેટનું વજન કુલ 217 કિલો 85 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક કિલોનાં પાંચ કરોડ રૂપિયે વેચાતા આ ડ્રગ્સની માર્કેટ પ્રાઈસ 1 હજાર કરોડ થવા જાય છે. બોટમાંથી ઝડપાયેલાં છ શખ્સોમાં ડ્રગ્સકાંડનો મુખ્ય કેરીયર સફદર અલી અલવારાયુ શેખ છે.

ભારતમાં બોટ મારફતે ડ્રગ્સનો જથ્થો ઘુસાડવા માટે તેણે 7મી મે 2019નાં રોજ બલુચિસ્તાનમાંથી અલ મદિના બોટ ખરીદી હતી અને કરાચીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 10મી મેનાં રોજ આ બોટનું કસ્ટમ ક્લિયરન્સ કરાવી તે તેમાં 330 કિલોગ્રામ ડ્રગ્સ અને તેના સહિત કુલ 11 ક્રુ મેમ્બર સાથે ભારત આવવા નીકળ્યો હતો. 12મી મેનાં રોજ આ ડ્રગ્સ તેણે ભારતીય રીસીવરને સુપ્રત કરવાનું હતું. પરંતુ, કોઈક કારણોસર 12મી મેનાં રોજ જથ્થો રીસીવ કરવા ભારતીય બોટ નહીં આવી શકે તેવો સંદેશ મળતાં તે બોટ સાથે પરત ફર્યો હતો. 330 કિલો ડ્રગ્સ તેણે કરાચી નજીક સમુદ્રીવિસ્તારમાં નિર્જન બેટ પર ઉતારી દીધો હતો. 14 મેનાં રોજ સફદર અલી પુનઃ કરાચી ગયો હતો. અહીં તેણે ખુદાબક્ષ અને ઝાહેદ નામનાં બે શખ્સો સાથે ડ્રગ્સની ડિલિવરી અંગે મિટીંગ કરી હતી. જેમાં પાંચ દિવસ બાદ એટલે કે 21મી મેનાં રોજ ડ્રગ્સની ડિલિવરીની ડેટ નક્કી થઈ હતી. ભારતમાંથી મોહમ્મદ રમઝાન નામનો શખ્સ બોટ લઈ ડ્રગ્સ રીસીવ કરવા આવવાનો હતો. જો કે, 21મીનાં રોજ સફદરઅલી બોટ સાથે ઝડપાઈ ગયો પણ બોટમાંથી 217.85 કિલોગ્રામ ડ્રગ્સ મળ્યું છે. બાકીનું 600 કરોડનું ડ્રગ્સ ગયું ક્યાં તે અંગે ડીઆરઆઈને કોઈ સંતોષકારક ખુલાસો મળ્યો નથી.

ડીઆરઆઈએ ઝડપેલાં છ પાકિસ્તાનીઓમાં સફદર ઉપરાંત અલ્લાહદાન અલ્લાબક્ષ, અઝીમખાન ઉસ્માનખાન, અબ્દુલ ગફૂર શકીદાદ, મોહમ્મદ ઉરસ અને અબ્દુલ અઝીઝ મોહમ્મદ ઝુમાનો સમાવેશ થાય છે. બોટમાંથી 47 હજાર રૂપિયા પાકિસ્તાની ચલણ, એક સ્માર્ટફોન અને 5 મોબાઈલ ફોન મળ્યાં છે. પ્રાથમિક પૂછતાછમાં સફદરઅલીએ વૉટસએપ મારફતે ડ્રગ્સ ડિલરનાં સંપર્કમાં હોવાનું કબૂલ્યું છે. ભારતમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા બદલ સફદરને પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓએ 10 લાખ રૂપિયા ચૂકવ્યાં હતા. ભારતમાં આ માલ કોને સપ્લાય થવાનો હતો? સફદરને માલ ડિલિવરી કરવા તૈયાર કરનારાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયા કોણ? સફદરઅલી પાસે ડ્રગ્સનો જથ્થો કેવી રીતે પહોંચ્યો? 600 કરોડનું ડ્રગ્સ ક્યાં ગયું? વગેરે વિવિધ મુદ્દે સફદરઅલીનું મોઢું ખોલાવવાનું બાકી છે. કેન્દ્ર સરકાર વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ વિવિધ મુદ્દે રીમાન્ડ માટેનાં ગ્રાઉન્ડ રજૂ કર્યાં બાદ ભુજની વિશેષ કૉર્ટનાં ડેઝિગન્ટેડેટ જજ મમતાબેન એમ. પટેલે બે દિવસનાં રીમાન્ડ મંજૂર કર્યાં છે.
