વીજળી બચાવવાના પ્રયાસોના ભાગરૂપે, પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદ શહેરમાં રાત્રે 10 વાગ્યા પછી લગ્નના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાનો અને રાત્રે 8:30 વાગ્યે દેશભરના બજારો બંધ કરવાનો નિર્ણય લીધો છે. બુધવારે મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે.
વિજળીની ગંભીર કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાને વીજળીનો વપરાશ ઘટાડવા માટે ઘણા પગલાં લીધા છે અને હવે ઇસ્લામાબાદમાં રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારંભો પર પ્રતિબંધ મૂકવામાં આવશે જે જૂનથી લાગુ થશે.
વર્તમાન પાવર કટોકટીએ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પણ અસર કરી છે, જેના કારણે નેશનલ ઈકોનોમિક કાઉન્સિલ (NEC) એ દેશભરના બજારો (સ્થાનિક સમય મુજબ) રાત્રે 8.30 વાગ્યે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં વીજળી સંકટને લઈને મળેલી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સિવાય તમામ પ્રાંતોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો.
આ સંદર્ભમાં જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સિંધ, પંજાબ અને બલૂચિસ્તાનના મુખ્યમંત્રીઓએ વેપારીઓના સંગઠન સાથે પરામર્શ કરવા માટે બે દિવસનો સમય માંગ્યો છે, પરંતુ તેઓ આ પગલા માટે સંમત થયા છે.
પત્રકારોને સંબોધતા ઉર્જા મંત્રી ખુર્રમ દસ્તગીરે કહ્યું કે બજારો વહેલા બંધ થવાથી અને ઘરથી કામ કરવાની સિસ્ટમથી વીજળીની બચત થઈ શકે છે.
“દેશમાં વીજ ઉત્પાદન 22,000 મેગાવોટ છે અને તેની જરૂરિયાત 26,000 મેગાવોટ છે,” તેમણે કહ્યું કે દેશમાં લગભગ 4,000 મેગાવોટની અછત છે.
આ પણ વાંચો:ઝારખંડમાં બળાત્કારના 2 આરોપીઓને ગ્રામજનોએ જીવતા સળગાવ્યા, જાણો સમગ્ર મામલો
