New Dilhi: નવા મતદારો માટે ચૂંટણી પંચે મતદાર નોંધણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે વોટર આઈડી બનાવવા માટે ફોર્મ-6માં અરજદારે પોતાના માતા-પિતા અથવા દાદા-દાદીનું નામ અગાઉની મતદાર યાદીમાં હતું કે નહીં તેની માહિતી આપવી પડશે. આ નવો નિયમ હાલ ઓનલાઈન અરજીમાં લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે નવા મતદારો માટે નોંધણી પ્રક્રિયા વધુ કડક બનવાની શક્યતા છે.
Election Commission દ્વારા નવા અરજદારો માટે નવા નિયમ
ચૂંટણી પંચે નવા મતદારોની નોંધણી માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ-6 (Form 6)માં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે નવા મતદારે મતદાર યાદીમાં નામ ઉમેરાવવા માટે અરજી કરતી વખતે પોતાના માતા-પિતા અથવા દાદા-દાદીનું નામ અગાઉની મતદાર યાદી (SIR)માં નોંધાયેલું હતું કે નહીં તેની માહિતી આપવી પડશે. હાલમાં આ સુવિધા માત્ર ઓનલાઈન અરજી પ્રક્રિયામાં જ ઉમેરવામાં આવી છે.
ફોર્મ-6માં ઉમેરાયા નવા સેક્શન
ચૂંટણી પંચના ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ-6માં નવા ‘J’ અને ‘K’ સેક્શન ઉમેરવામાં આવ્યા છે. તેમાં અરજદારે ત્રણ વિકલ્પોમાંથી એક પસંદ કરવાનો રહેશે.
જો અરજદારનું નામ અગાઉની SIRમાં હતું.
જો અરજદારનું નામ નહોતું પરંતુ માતા-પિતા અથવા દાદા-દાદીનું નામ મતદાર યાદીમાં હતું.
જો પરિવારના કોઈ સભ્યનું નામ અગાઉની યાદીમાં ન હતું.
જો પ્રથમ અથવા બીજા વિકલ્પની પસંદગી કરવામાં આવે તો સંબંધિત મતદારની વિધાનસભા બેઠક અને મતદાર યાદીનો સિરિયલ નંબર જેવી વિગતો પણ આપવી પડશે.
કરોડો લોકોના નામ કપાયા બાદ નવો નિયમ
તાજેતરમાં દેશના 10 રાજ્યોમાં SIR પ્રક્રિયા બાદ અંદાજે 5.58 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આવી સ્થિતિમાં નવા નિયમને કારણે એવા પરિવારો માટે મુશ્કેલી વધી શકે છે જેમના નામ પહેલેથી જ યાદીમાંથી દૂર થઈ ચૂક્યા છે.
ફોર્મ-6માં ફેરફારને લઈને કાયદાકીય વિવાદ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, Representation of the People Act, 1950ની કલમ 28 મુજબ ફોર્મ-6માં ફેરફાર કરવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે અને તે માટે કાયદા મંત્રાલયની ગેઝેટ સૂચના જરૂરી હોય છે. તેથી ચૂંટણી પંચે સરકારની મંજૂરી વિના ઓનલાઈન ફોર્મમાં ફેરફાર કર્યો હોવાના મુદ્દે કાયદાકીય ચર્ચા શરૂ થઈ છે.
હાલ ક્યાં લાગુ થયો નિયમ?
આ નવી વ્યવસ્થા હાલમાં માત્ર એવા રાજ્યોના ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ છે જ્યાં વર્ષ 2025-26 દરમિયાન SIR પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બિહાર અને આસામને આ પ્રક્રિયામાંથી હાલ અલગ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સુમુલ ડેરીની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો, જયેશ દેલાડનું નામ મતદાર યાદીમાંથી રદ થતાં વિવાદ
આ પણ વાંચો: ચૂંટણી પંચ દેશભરમાં SIR પ્રક્રિયાના અમલીકરણ અંગે ચર્ચા કરશે! આજે થશે મહત્વપૂર્ણ બેઠક
આ પણ વાંચો: ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત: રાહુલ ગાંધીએ ચૂંટણી ગોટાળાના નક્કર પુરાવા રજૂ કર્યા
