ન્યુયોર્ક,
દુનિયામાં ધીરે ધીરે એવા ટીવી શો કે એવા પ્રોગ્રામનું આયોજન થઇ રહ્યું છે જેમાં હોસ્ટ એટલે કે એન્કર એટલે કે શોને પ્રસ્તુતકર્તા જ ગેરહાજર હોય.દુનિયાના અમુક ટીવી શોમાં તો આ શરૂઆત થઇ છે પરંતું હવે ઓસ્કાર એવોર્ડ જેવા ભવ્ય શોમાં પણ હોસ્ટ નહીં હોય.
જી હા, માની ના શકાય પરંતું આ વર્ષે 91મી ઓસ્કર એવોર્ડ સેરેમની હોસ્ટ વગર જ કરાશે. હા, કોઈ પણ હોસ્ટ વગર આ સેરેમનીમાં હોલીવુડ સેલેબ્રિટી જ એવોર્ડ આપશે. છેલ્લા 30 વર્ષોમાં આ પહેલી વખત બનશે કે જ્યાં હોસ્ટ વિના હોલીવુડ સેરેમની ઉજવવામાં આવશે. આ સેરેમની 24 ફેબ્રુઆરીએ ડોલ્બી થિયેટરમાં યોજાશે.
ઓસ્કારને જાણીતા કોમેડિયન કેવિન હાર્ટ પ્રસ્તુત કરવાના હતા પરંતું તેમણે સમલૈંગિકતા અંગે ટ્વીટ કરતાં તેઓ બહુ ટ્રોલ થયા હતા અને આ વિવાદ એટલો ઘેરાયો હતો કે ઓસ્કારને રજુ કરતી ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે આખરે કેવિન હાર્ટને પડતો મુકવાનો નિર્ણય કર્યો હતો.
ઓસ્કરનાં નિર્માતાઓએ કેવિનને તેને કરેલા ટ્વીટ્સ માટે માફી માંગવા કહ્યુ હતુ. ત્યારબાદ કેવિને માફી માંગવાની ના પાડતા શો ને છોડી દીધો હતો.
ઓસ્કારને હવે જાણીતી ફિલ્મ માર્વેલ્સ એવેન્જર્સની ટીમ હોસ્ટ કરશે.એવેન્જર્સ ભલે થેનોસથી પ્લેનેટને બચાવી ના શક્યા હોય પરંતું હવે તેઓ ઓસ્કાર એકેડમીને બચાવશે.
1929માં પહેલી વખત ઓસ્કર એવોર્ડ એનાયત કરાયા હતા. ત્યારથી અત્યાર સુધી 1939, 1969, 1970, 1971 અને 1989માં યોજાયેલી સેરેમની ગણીને કુલ 5 વખત હોસ્ટ વિના સેરેમની યોજાઈ હતી. હવે ર્આર્ગનાઈજર્સને એવોર્ડ એનાયત કરવા માટે એ-લિસ્ટ સેલિબ્રિટી શોધવામાં ઘણી મહેનત કરવી પડી રહી છે.ઓસ્કારના 90 વર્ષના ઇતિહાસમાં ફક્ત પાંચ વાર જ ટેલીકાસ્ટ અટકાવવામાં આવ્યું છે.
