મુંબઈ,
એક સમયે ટોપ પર રહેલ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક તરફ શોની લીડ એકટ્રેસ દિશા વાકાણીની એક્ઝિટ પર અટકળો ચાલી રહી છે ત્યારે અન્ય એક હીરોઈને શો છોડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શોમાં ટપ્પુ સેનાની ગેંગની મેમ્બર સોનુ ભીડેનું પાત્ર ભજવતી નિધિ ભાનુશાળી હવે સીરિયલ છોડી રહી છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, નિધિ ભણવાનું પૂરું કરવા માટે શોને બાય-બાય કહેવાની છે.નિધિ હાલ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બીએ કરે છે અને તે હવે ભણતર પર ધ્યાન આપવા માગે છે જેથી કરીને સારી રીતે ગ્રેજ્યુએશન પૂરું કરીને કરિયરની વધુ ઊંચાઈએ લઈ જઈ શકે.

હાલ પ્રોડક્શન હાઉસ તો નિધિને રિલેક્સેશન આપવાના મૂડમાં છે. રિપોર્ટ પ્રમાણે, પ્રોડક્શન હાઉસ નિધિને શૂટિંગ માટે ઓછી વખત બોલાવે છે જેથી તે ભણવા પર ધ્યાન આપી શકે. તેમ છતાં નિધિ શો છોડવાના નિર્ણય પર અટલ છે.

નિધીનો ભણવા પ્રત્યેનો લગાવ જોઈને શોના પ્રોડ્યૂસરે નિધિ માટે એક સ્પેશિયલ એક્ઝિટ એપિસોડની તૈયારી કરી રહયાં છે જેથી નિધિના પાત્રને શોમાંથી વિદાય આપી શકે. જો કે નિધિ ટપ્પુ સેના શોની નટખટ મેમ્બર છે એટલે શોમાંથી તે ઓછી થશે તો દર્શકોને મઝા નહિ પડે.
બીજી તરફ શોની લીડ એકટ્રેસ દિશા અંગે પણ અટકળોનું બજાર ગરમ છે.હાલમાં જ ખબર હતી કે શોના પ્રોડ્યૂસર આસિત મોદી અને દિશા વચ્ચે મતભેદો ઊભા થયા છે. જો કે આસિત મોદીએ આ અહેવાલો નકાર્યા છે. આસિત મોદીએ કહ્યું કે દિશા એક વર્ષથી વધુ સમયથી અમારી સાથે કામ નથી કરતી. કોઈપણ માતા પોતાના બાળક સાથે સમય વિતાવવા ઈચ્છે તે સ્વાભાવિક છે પણ હવે જ્યારે દિશાની દીકરી એક વર્ષની થઈ ગઈ છે ત્યારે અમને આશા છે કે તે ફરીથી શૂટિંગ શરૂ કરશે.
