Surat News: સુરત શહેરનાં ફુલપાડા ખાતે રહેતા સુરત મહાનગર પાલિકાના પૂર્વ મેયર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર પર આક્ષેપ કર્યો છે. જર્જરિત મકાનની અરજી દફતરે કરાવવા માટે એક લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો આક્ષેપ કરતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. પૂર્વ મેયર ચીમનલાલ પટેલને થોડા સમય પૂર્વે જ જર્જરિત મકાન સંદર્ભે વરાછા ઝોન દ્વારા અરજી કરવામાં આવી હતી.
જે અરજી દફતરે કરવા માટે ભારતીય જનતા પાર્ટીની મહિલા કોર્પોરેટર અને ચીમનલાલ પટેલના જ નજીકના સંબંધી નિરાલી પટેલ દ્વારા લાંચ માંગી હોવાની રજૂઆત કરવા માટે ખુદ પૂર્વ મેયર ચીમનલાલ પટેલ વરાછા ઝોન ખાતે પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓની ગેરહાજરીને પગલે વૃદ્ધ ચીમનલાલ પટેલે પોતાની વ્યથા ઠાલવી હતી.
શહેરનાં અશ્વનિકુમાર રોડ ખાતે આવેલા ભરવાડ ફળિયામાં રહેતા અને સુરત મહાનગર પાલિકામાં સને 1980થી 1982 દરમિયાન ચાર મહિના સુધી મેયર રહી ચૂકેલા ચીમનલાલ પટેલ દ્વારા આજે પોતાના સંબંધી અને ભાજપના મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ વિરૂદ્ધ અરજી દફતરે કરવા માટે એક લાખની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તેઓએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવારજનો સાથે ભરવાડ ફળિયામાં વસવાટ કરી રહ્યા છે. આ મકાન જર્જરિત હોવાનું જણાવીને વરાછા ઝોન- એના અધિકારીઓ દ્વારા થોડા સમય પૂર્વે તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમના સંબંધી અને કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા આ નોટિસ દફતરે કરવા માટે એક લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેમ જણાવ્યું હતું. નિરાલીબેન પટેલે જણાવ્યું હતું કે ચીમનપટેલ મારા મોટા સસરા થાય છે. અમારી કૌટુંબિક બાબતને હવે રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. અમે રૂપિયાની માંગ કરી નથી.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો