Visnagar News/ વિસનગરમાં ઈન્કમટેક્સ રેડના બહાને વેપારીઓ પાસેથી લાખો રૂપિયા પડાવનારો નકલી IAS અધિકારી ઝડપાયો

આ ઘટનાએ નકલી અધિકારીઓની છેતરપિંડી અને તેના પરિણામો પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે

Gujarat

Visnagar News : વિસનગરમાં ઈન્કમટેક્સની રેડના બહાને વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની રકમ ખંખેરી લેનારા નકલી IAS અધિકારીની પોલીસે ધરપકડ કરી છે. વિસનગરના કન્સ્ટ્રક્શન વેપારી દિનેશભાઈ પટેલ સાથે ઇન્કમટેક્સ રેડના નામે 21.65 લાખ રૂપિયાની મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ છેતરપિંડીના કેસમાં પોતાને IAS અધિકારી ગણાવનાર શખ્સે વેપારીને ધમકાવીને વધુ 79 હજાર રૂપિયા પડાવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને સઘન તપાસ હાથ ધરી હતી, જેના પરિણામે ‘નકલી IAS’ તરીકે ઓળખ આપનાર અર્પિત પિયુષભાઈ શાહને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે.

વિસનગરની કાંસા ગ્રામ પંચાયત પાસે રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા દિનેશભાઈ પટેલની ઓફિસ મારુતિ પ્લાઝા માર્કેટમાં આવેલી છે. વર્ષ 2024માં તેમની ઓળખાણ સુરતના જયંતિભાઈ હરગોવનભાઈ પટેલ અને તેમના દીકરા કૌશિક સાથે થઈ હતી. ફોન પર વારંવારની વાતચીત અને ઓફિસની મુલાકાતોને કારણે તેમની વચ્ચે ગાઢ સંબંધ બંધાયા હતા. આ સંબંધનો લાભ ઉઠાવીને, પિતા-પુત્રએ દિનેશભાઈને જણાવ્યું કે તેમના પર ઇન્કમટેક્સની રેડ પડી છે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી કેસ લડવા માટે પૈસા નથી.

તેમણે દિનેશભાઈ પાસેથી મદદ માટે વિનંતી કરી અને ટુકડે-ટુકડે 21.65 લાખ રૂપિયા પડાવી લીધા.ત્યારબાદ, છેતરપિંડી આચરનાર જયંતિ અને કૌશિકે દિનેશભાઈને જણાવ્યું કે ગાંધીનગર સચિવાલયમાં ઋષભ રેડ્ડી નામના IAS અધિકારી તેમને આ કેસમાં મદદ કરી રહ્યા છે. આ ઋષભ રેડ્ડી (જે પાછળથી અર્પિત પિયુષભાઈ શાહ હોવાનું બહાર આવ્યું) નામના શખ્સે પોતે IAS હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે દિનેશભાઈને પોતાના ખોટા ઓફિસના અને ગાડીના ફોટા મોકલીને વિશ્વાસ અપાવ્યો હતો કે પિતા-પુત્ર ઇન્કમટેક્સ કેસ જીતી જશે અને તેમના પૈસા પરત મળી જશે.

ફેબ્રુઆરી 2025માં પૈસા પરત આપવાનું વચન આપ્યા બાદ, દિનેશભાઈએ પૈસાની ઉઘરાણી કરતા પિતા-પુત્રે વાયદા કરવાનું શરૂ કર્યું. 28 ફેબ્રુઆરી 2025ના રોજ તેમણે દિનેશભાઈને મહિન્દ્રા થાર ગાડી કરાર લેખ કરીને આપી, પરંતુ પાછળથી જાણવા મળ્યું કે તે ગાડી પણ બીજા કોઈના નામે હતી. બાદમાં, 13 માર્ચ 2025ના રોજ અર્પિત પિયુષભાઈ શાહના નામે 25 લાખનો ચેક આપ્યો, જે બેંકમાં ભંડોળના અભાવે સ્ટોપ પેમેન્ટના કારણે પરત ફર્યો. ત્યારબાદ કુરિયર દ્વારા મોકલેલો 19 લાખનો વધુ એક ચેક પણ અપૂરતા ભંડોળના કારણે પાછો આવ્યો.

જ્યારે દિનેશભાઈએ પૈસાની ઉઘરાણી વધુ તેજ કરી, ત્યારે પિતા-પુત્રે તેમને “તમારાથી થાય તે કરી લો, શાના પૈસા, અમે કોઈનાથી ડરતા નથી, અમારી પહોંચ બહુ ઊંચે સુધી છે” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન, ઋષભ રેડ્ડી (અર્પિત શાહ)એ પણ ફોન પર ઇન્કમટેક્સ કેસ જીતી ગયા હોવાનું અને 500 કરોડ રૂપિયા RBIમાં પડ્યા હોવાનું જણાવીને, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીઓ આપીને તેણે અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા દિનેશભાઈ પાસેથી વધુ 79 હજાર રૂપિયા પડાવી લીધા હતા.આ સમગ્ર છેતરપિંડી અને ધમકીઓથી કંટાળીને દિનેશભાઈએ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જયંતિ હરગોવનભાઈ પટેલ, કૌશિક જયંતિભાઈ પટેલ (બંને રહે. સુરત), અર્પિત પિયુષભાઈ શાહ (રહે. અમદાવાદ), અને ઋષભ રેડ્ડી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે કૌશિકનું નિવેદન લેતા તેણે હકીકત કબૂલીને 21.65 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ તે પણ બાઉન્સ થયો હતો.તાજેતરમાં, વિસનગર શહેર પોલીસે નકલી IAS અધિકારીની ઓળખ આપનાર અર્પિત પિયુષભાઈ શાહને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અર્પિત શાહે જ IAS ઓફિસરની ખોટી ઓળખ ઊભી કરીને દિનેશભાઈ પાસેથી પૈસા પડાવ્યા હતા.

જોકે, આ કેસમાં સંડોવાયેલા પિતા-પુત્ર જયંતિ અને કૌશિક હજુ ફરાર છે અને પોલીસ તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી ચલાવી રહી છે. આ ઘટનાએ નકલી અધિકારીઓની છેતરપિંડી અને તેના પરિણામો પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત

આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે

આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે