New Delhi News/ દિલ્હી કૂચ પર ખેડૂતો અડગ: સરકાર સાથે ચર્ચા છતાં આંદોલન યથાવત, સરહદો પર હાઈ એલર્ટ

દિલ્હી કૂચ દરમિયાન શંભુ બોર્ડર પર હરિયાણા સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત, પરંતુ ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ. દિલ્હી પોલીસે દિલ્હીની સરહદો પર જહેર કર્યું હાઈ એલર્ટ.

India Breaking News
Farmers

New Delhi: ભારત-અમેરિકા મુક્ત વેપાર કરાર (FTA) સહિત વિવિધ માંગણીઓને લઈને ખેડૂતોનું દિલ્હી કૂચ ફરી ચર્ચામાં છે. દેશ બચાવો મોરચાના આહ્વાન પર પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા નીકળ્યા હતા. શંભુ બોર્ડર પર હરિયાણા સરકાર અને ખેડૂતો વચ્ચે ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી. બીજી તરફ દિલ્હી પોલીસે તમામ સરહદો પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે.

દિલ્હી કૂચ પર ખેડૂતો(Farmers) અડગ: સરકાર સાથે ચર્ચા છતાં આંદોલન યથાવત

હરિયાણા સરકાર તરફથી કૃષિ મંત્રી શ્યામ સિંહ રાણા શંભુ બોર્ડર પર ખેડૂતો સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા. ખેડૂત નેતાઓએ કસ્ટડીમાં લેવાયેલા ખેડૂતોને મુક્ત કરવાની અને ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સીધી ચર્ચા કરાવવાની માંગ કરી હતી. કૃષિ મંત્રીએ ખેડૂતોની માંગણીઓ પર વિચાર કરવાની ખાતરી આપી, પરંતુ કોઈ સમજૂતી થઈ નહોતી.

કેટલાક ખેડૂતો પરત ફર્યા, આંદોલન યથાવત

બહાદુરગઢ બાયપાસ પર પોલીસ સાથે ચર્ચા બાદ કેટલાક ખેડૂતો પોતાના વતન પરત ફર્યા હતા. જોકે ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું કે આંદોલન સમાપ્ત થયું નથી, પરંતુ હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે ટ્રેડ ડીલના વિરોધમાં તેમની લડત ચાલુ રહેશે અને આગામી વ્યૂહરચના સંગઠનની બેઠકમાં નક્કી કરવામાં આવશે.

દિલ્હીની સરહદો પર પોલીસ બંદોબસ્ત વધારાયો

ખેડૂતોના દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સિંધુ બોર્ડર, યુપી ગેટ સહિત તમામ પ્રવેશદ્વારો પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. યુપી ગેટ પર કેટલાક ખેડૂતો દ્વારા બેરિકેડ હટાવવાનો પ્રયાસ થતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

એક્સપ્રેસવે પર ધરણા, સરકાર સામે નારાજગી

સંગરૂરના ખેડૂતો દિલ્હી-કટરા એક્સપ્રેસવે પર ધરણા પર બેઠા હતા. ખેડૂત નેતાઓએ સરકાર પર જનવિરોધી નીતિઓ અપનાવવાનો આરોપ લગાવ્યો અને જણાવ્યું કે ખેડૂતોના હિતના નિર્ણયો નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોના વિરોધને કારણે કેટલાક માર્ગો પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. સરકાર અને ખેડૂતો વચ્ચે આગામી દિવસોમાં ફરી ચર્ચા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:પાટનગરમાં ખેડૂતો ગરજ્યા! વિસ્ટા ગાર્ડન પાસે 7 ગામના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, પોલીસે ફિલ્મી ઢબે કરી અટકાયત

આ પણ વાંચો:રાજકોટના પડધરીમાં વીજપોલ મુદ્દે ખેડૂતોનો વિરોધ, ટ્રેક્ટર રેલી સાથે ચાર ગણા વળતરની માગ

આ પણ વાંચો:મોરબીમાં વીજપોલ વિવાદ ઉગ્ર બન્યો: કલેક્ટર કચેરી સામે 22 ગામના સરપંચો-ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ