Vadodara News: વડોદરા અને કરજણના ખેડૂતોને જમીન કપાતમાં યોગ્ય વળતર ન મળતાં ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો છે. રેલી સ્વરૂપે આવનાર ખેડૂતોને રેલીની પોલીસ પરવાનગી ન હોવાથી પોલીસે અનેક ખેડૂતોની અટકાયત પણ કરી. આખરે કેમ ખેડૂતોને આંદોલન કરવું પડ્યું.
સરકારે જે તે સમયે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે, વડોદરા દિલ્હી એક્સપ્રેસ વે અને રેલવે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર બનાવવા માટે ખેડૂતોની જમીન સંપાદન કરી હતી. જમીન સંપાદન થયા બાદ ખેડૂતોને આજદીન સુધી યોગ્ય વળતર નથી મળ્યું, જેને લઇ ખેડૂતો ભારે રોષે ભરાયા છે.

વડોદરા જિલ્લાના પાદરા, સાવલી, કરજણ અને વડોદરા તાલુકાના ખેડૂતોએ આજે કોર્ટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવાની જાહેરાત કરી. ખેડૂતો રેલી કાઢવા માટે કોર્ટ પર ભેગા પણ થયા પણ પોલીસ પરવાનગી ન હોવાથી પોલીસે રેલી ન કાઢવા દીધી. એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ ખેડૂતો રેલી કાઢી કલેક્ટર કચેરી જવાના હતા ત્યાં પોલીસે ખેડૂત આગેવાન હસમુખ ભટ્ટ સહિત 8 જેટલા ખેડૂતોની અટકાયત કરી લીધી.
ખેડૂતોએ કહ્યું કે જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર નથી મળ્યું. રેલવે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર યોજનામાં વળતર ચૂકવવામાં ભ્રષ્ટાચાર થયો છે. વલસાડ, સુરત અને નવસારીના ખેડૂતોને જે વળતર ચૂકવ્યું છે તે જ પ્રમાણે વડોદરા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ વળતર ચૂકવવા માટેની માંગ ખેડૂતોએ કરી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે અમારી કઈ પણ સુનાવણી કર્યા વગર આર્બિટ્રેશનમાથી અમારા કેસો કાઢી નાખ્યા છે.
ખેડૂત આગેવાન હસમુખ ભટ્ટની અટકાયત બાદ ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા, જ્યાં કચેરી બહાર સુત્રોચ્ચાર કરી, થાળી વેલણ વગાડી વિરોધ કર્યો. ખેડૂતોના વિરોધના પગલે પોલીસ અમુક ખેડૂતોને અધિક નિવાસી કલેકટરને મળાવવા લઇ ગઇ. જ્યાં ખેડૂતોએ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી પોતાની માંગો વહેલી તકે પૂરી થાય તેવી માંગ કરી.
મહત્વની વાત છે કે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર તેમની સાથે અન્યાય કરી છે. દેશના મહત્વના પ્રોજેક્ટમાં જમીન આપી પણ અમને યોગ્ય વળતર જ નથી મળી રહ્યું. મહત્વની બાબત છે કે ખેડૂતોના પ્રશ્ન બાબતે અધિક નિવાસી કલેકટરને પૂછતા તેમણે કઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે હવે ખેડૂતોને યોગ્ય વળતર મળશે કે ફરી ઉગ્ર આંદોલન કરવું પડશે તે આવનાર સમયમાં ખબર પડશે.
આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો
આ પણ વાંચોઃ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો
આ પણ વાંચોઃ હોસ્પિટલમાં શાંતિ દાખવવાને બદલે મારામારી થઈ રહ્યાની ઘટના
