અમદાવાદ: જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત તા.20 મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેના અંતર્ગત આજે મંગળવારે સાંજના પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ બંધ થઈ જશે અને જસદણ-વિંછીયા તાલુકા બહારના ભાજપ-કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સહિતના સૌ કોઈને મત વિસ્તાર છોડી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
તા.20મીના રોજ મતદાન હોવાથી ચૂંટણી પંચ દ્વારા આજે સાંજથી જ તમામ 262 મતદાન મથકોનો કબજો સંભાળી લેવામાં આવશે. આજે સાંજથી પ્રચાર પડઘમ બંધ થવાની સાથે જ્ઞાતિ-જાતિ, ધર્મ-સંપ્રદાયની મિટિંગો અને હાઉસ ટૂ હાઉસ કોન્ટેકટ પર ભાજપ-કોંગ્રેસ દ્વારા ભાર મુકવામાં આવશે.
જયારે આવતી કાલે કતલની રાત છે અને ચૂંટણી જીતવા માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા સામ-દામ-દંડ-ભેદની તમામ નીતિઓ અપનાવવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસ છોડીને સત્તા માટે ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયા પોતાની વ્યક્તિગત તાકાત અને ભાજપના નેટવર્ક સાથે ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે જસદણની જનતા આ બેઠક પરથી બાવળિયાને જીતાડીને નવો ઈતિહાસ રચશે કે પછી રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ એવા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને જીતાડીને કોંગ્રેસનો ગઢ હોવાનું સાબિત કરે છે તેની ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અન્ય અપક્ષો પણ મેદાનમાં છે, જો કે આ અન્ય પક્ષના ઉમેદવારો કે અપક્ષો માત્ર જે ભાજપ કે કોંગ્રેસના મત તોડવાનું કામ કરશે તેવું લાગી રહ્યું છે.
23મીએ જસદણમાં મતગણતરી હાથ ધરાશે
તા.23મી ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી જસદણ ખાતે જિલેશ્વર રોડ પર આવેલી મોડેલ સ્કૂલમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે અને સંભવતઃ બપોરના 12 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કુલ 14 ટેબલ પર મત ગણતરી હાથ ધરવામાં આવશે.
