મુંબઇ હાઇકોર્ટે શિયા મુસ્લિમ સમુદાયને મોહરમ માટે સરઘસ અને ધાર્મિક વિધિઓ કરવાની મંજૂરી કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને કેટલીક શરતો સાથે આપી છે. જસ્ટિસ કેકે ટટેડ અને પીકે ચોહાણની ડિવિઝન બેંચે જણાવ્યું હતું કે કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા ઉપરાંત 20 ઓગસ્ટના રોજ ત્રણ કલાક માટે યોજાનારી શોભાયાત્રામાં દરેક વાહનમાં 15 વ્યક્તિઓ સાથે સાત ટ્રક સુધી સીમા મર્યાદિત કરવામાં આવી છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે માત્ર તે જ લોકો કે જેમણે કોવિડ-19 રસીના બંને ડોઝ લીધા છે અને બીજા ડોઝના 14 દિવસ પૂરા કર્યા છે, તેમને જ ટ્રક પર જવાની મંજૂરી આપવામાં આવશે.
કોર્ટે કહ્યું કે “પાંચ તાજિયાઓને મંજૂરી આપવામાં આવશે. 105 વ્યક્તિઓમાંથી માત્ર 25 લોકોને જ કબ્રસ્તાનની અંદર જવાની મંજૂરી આપવામાં આવશે.” આ આદેશ શહેર સ્થિત એનજીઓ ઓલ ઈન્ડિયા ઈદરા તહફાઝ-એ-હુસૈનિયત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પસાર કરવામાં આવ્યો હતો જેમાં મહોરમ દરમિયાન સરઘસ કાઢવા અને ધાર્મિક વિધિઓ કરવા માટે કોર્ટ પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી.
અરજદારે 18થી 20 ઓગસ્ટ દરમિયાન દરરોજ બે કલાક માટે 1,000 લોકોને શોભાયાત્રામાં ભાગ લેવાની પરવાનગી માંગી હતી. અરજદાર તરફે રજૂઆત કરતા, વરિષ્ઠ વકીલ રાજેન્દ્ર શિરોડકરે કોર્ટને જાણ કરી હતી કે તાજિયા કાઢવા એ ઇમામ હુસૈનની સમાધિની પ્રતિકૃતિ છે. આ ઉપરાંત ખોરાક અને પાણીના સ્ટોલ્સ ઊભા કરવા, તે શિયા આસ્થાનો આંતરિક ભાગ છે, જેના વિના મોહરમ વિધિ અધૂરી રહેશે.
જોકે, સરકારી વકીલ પૂર્ણિમા કંથારિયાએ આ અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે ખાસ કરીને ધાર્મિક સરઘસમાં ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ બની જાય છે.કોર્ટે ધ્યાન દોર્યું કે હોટલો, મોલ અને દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં નોંધપાત્ર છૂટછાટ આપવામાં આવી છે. ખંડપીઠે સરઘસને મંજૂરી આપતી વખતે સૂચવ્યું હતું કે અરજદારે ખાતરી કરવાની રહેશે કે દરેક ટ્રકમાં સમુદાયના કેટલાક વરિષ્ઠ સભ્યો હોય જેથી ભીડને નિયંત્રણમાં રાખી શકાય અને લોકો કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે તેની ખાતરી કરવાની રહેશે.
