૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે આપ્યા મહત્વપૂર્ણ ચુકાદા વાંચો સમગ્ર અહેવાલ :
વર્ષ ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે અતિ અગત્યનાં ચુકાદાઓ આપ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓમાંથી કેટલાક ચુકાદો એવા છે જે ભવિષ્ય માટે ઉદાહરણરૂપ બન્યા છે. આ ઐતિહાસિક ચુકાદાઓમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈનું યોગદાન મહત્વનું રહ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન ભાગ્યે જ કોઈ એવું અઠવાડિયું હશે જ્યારે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી, આદેશ કે ચુકાદા દેશમાં ચર્ચાનો વિષય ન બન્યા હોય. ખાસ નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ વર્ષે જુલાઈમાં પોતાના તમામ ચુકાદા હિન્દી-અંગ્રેજી સહિત ૭ ભારતીય ભાષાઓમાં જાહેર કરવા આદેશ આપ્યો છે. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટના પ્રશાસનિક પ્રમુખ હોવાના નાતે આ નિર્ણય કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના કોઈ પણ ચુકાદાની કૉપી તેની સત્તાવાર વેબસાઈટ પર ‘વર્નાક્યુલર જજમેન્ટ’ ટેબથી ડાઉનલોડ કરી શકાય છે, જેમાં દક્ષિણ ભારતની ભાષાઓમાં પણ ચુકાદો હશે.
મહારાષ્ટ્ર સરકારને બહુમતીનો આદેશ : સુપ્રીમ કોર્ટે ૨૬ નવેમ્બર, ૨૦૧૯નાં રોજ ફડણવીસ સરકારને ઓપન બેલેટ દ્વારા લાઈવ ટેલિકાસ્ટ સાથે ૩૦ કલાકમાં વિધાનસભામાં બહુમતી સાબિત કરવા આદેશ આપ્યો હતો. અદાલતે તેમને બીજા દિવસે સાંજે ૫ વાગ્યા સુધી બહુમતી સાબિત કરવા કહ્યું હતું. જો કે ફડણવીસે બહુમત સાબિત કરતા પહેલા જ રાજીનામુ આપી દીધું. શિવસેના, કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ભાજપ સરકાર પાસે બહુમતી નથી, તેમ છતાંય રાજ્યપાલે તેમને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા છે.
વાંચો સમગ્ર અહેવાલ : મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
કર્ણાટકનાં ૧૭ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા : સુપ્રીમ કોર્ટે ૧૩ નવેમ્બર, ૨૦૧૯નાં રોજ કર્ણાટક વિધાનસભાના ૧૭ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. આ અંગે ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે તત્કાલીન સ્પીકરના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જો કે અદાલતે આ ધારાસભ્યોને પેટાચૂંટણી લડવા અંગે પ્રતિબંધિત કરવાની ના પાડી દીધી હતી. સ્પીકરે આ ધારાસભ્યોને પેટાચૂંટણી ન લડવા આદેશ આપ્યો હતો.
વાંચો સમગ્ર અહેવાલ : કર્ણાટક/ 17 અયોગ્ય ધારાસભ્યોને SC તરફથી રાહત, ચૂંટણી લડવા સક્ષમ બનશે
ચીફ જસ્ટિસની ઓફિસનો આરટીઆઈમાં સમાવેશ : સુપ્રીમ કોર્ટે ૧૩ નવેમ્બરે, ૨૦૧૯નાં રોજ એક ઐતિહાસિક ચુકાદો આપતા ભારતના ચીફ જસ્ટિસની ઓફિસને રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટમાં સામેલ કરવાનું કહ્યું. આ રીતે સુપ્રીમ કોર્ટે સીજેઆઈ ઓફિસને આરટીઆઈમાં સામેલ કરવાના દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી બંધારણીય પીઠે કેસ ટુ કેસ બેઝ અને આરટીઆઈ સેફગાર્ડનાં દાયરામાં ભંધારણીય રીતે સીજેઆઈ ઓફિસની માહિતી જાહેર કરવા સહમતી આપી.
વાંચો સમગ્ર અહેવાલ : સુપ્રીમ ચુકાદો/ CJI કચેરી RTIનાં દાયરામાં, SCનું દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સમર્થન
રાફેલ ડીલ પર વિપક્ષને ઝટકો : સુપ્રીમ કોર્ટે ૧૪ નવેમ્બર, ૨૦૧૯નાં રોજ મોદી સરકારને મોટી રાહત આપતા રાફેલ કેસમાં ગુનાહિત તપાસની પુનર્વિચાર અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.કે. કૌલ, કે.એમ. જોસેફે એક મતથી આ કેસની તમામ સંબંધિત પુનર્વિચાર અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે તમામ પુનર્વિચાર અરજીની સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટે ૧૦ મેનાં રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. આ પહેલા કોર્ટે ૧૪ ડિસેમ્બરે, ૨૦૧૮નાં રોજ રાફેલ ડીલને યોગ્ય ઠેરવી હતી.
વાંચો સમગ્ર અહેવાલ : વિવાદિત રાફેલ ડીલની તપાસ કરવા માટેની તમામ પીટીશન સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવાઈ
રાહુલ ગાંધીને મળી માફી : સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ‘ચૌકીદાર ચોર હૈ’વાળા નિવેદન પર માફી આપી હતી. સુપ્રીમ કોર્ટે પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ ચોકીદાર ચૌર હેની ટીકાને ખોટી ઠેરવતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અવગણના અરજી પણ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સલાહ આપી કે અદાલતને લગતા કેસમાં પોતાની ટિપ્પણી કરતા પહેલા સાવધાન રહે.
વાંચો સમગ્ર અહેવાલ : સુપ્રીમની ફટકાર બાદ રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ નિવેદન પર માફી માંગી
સબરીમાલાની પુનર્વિચાર અરજી મોટી બેન્ચને સોંપી : સુપ્રીમ કોર્ટે ૧૪ નવેમ્બર, ૨૦૧૯નાં રોજ કેરળના સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓ પ્રવેશની મંજૂરી આપવા માટેની પુનર્વિચાર અરજીઓને ૭ સભ્યોની બેન્ચને સોંપી હતી. સુપ્રીમ કોર્ટના ૫ જજની બેન્ચે સબરીમાલા મામલાને ૩:૨ના ચુકાદાથી મોટી બેન્ચને સોંપ્યો છે. જો કે આ દરમિયાન અદાલતે પોતાના પાછલા નિર્ણય પર રોક નથી લગાવી. સબરીમાલા મદિરમાં પહેલા ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓને અંદર જવાની પરમિશન નહોતી. આ મામલે સુપ્રીમ કોર્ટે ગત વર્ષે તમામ મહિલાઓને અંદર જવા મજૂરી આપી છે.
વાંચો સમગ્ર અહેવાલ : સબરીમાલા ચુકાદો : મહિલાઓના પ્રવેશ અંગેની રિવ્યૂ પિટિશનમાં 2 જજ અસહમત થતા મામલો લાર્જર બેન્ચને સોંપાયો
અયોધ્યા મામલે ઐતિહાસિક નિર્ણય : સુપ્રીમ કોર્ટે ૯ નવેમ્બર, ૨૦૧૯નાં સદીઓ જૂના અયોધ્યાના રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદનો અંત લાવતા એકમતે રામ મંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. રામ જન્મભૂમિની ૨.૭૭ એકર વિવાદ જમીનનો માલિકી હક ખુદ ભગવાન રામ લલાને મળ્યો અને અદાલતે મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને ૫ એકર જમીન આપવા સરકારને આદેશ આપ્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે ટ્રસ્ટની રચના કરવા પણ આદેશ આપ્યો છે. વિવાદિત જમીનના વધુ એક દાવેદાર નિર્મોહી અખાડાને પણ ટ્રસ્ટમાં સામેલ કરવા કહેવાયું છે. સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણય વિરુદ્ધ ૧૮ રિવ્યુ પિટિશન થઈ છે, જેને ચીફ જસ્ટિસ એસ. એસ. બોબડેની આગેવાનીવાળી બંધારણીય બેન્ચે ફગાવી દીધી છે.
વાંચો સમગ્ર અહેવાલ : અયોધ્યા ચુકાદો/ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય મંદિર ત્યા જ બનશે, મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન મળશે
ઉન્નાવ અપહરણ અને બળાત્કાર કેસમાં ભાજપનાં નેતા કુલદિપ સેંગરને આજીવન કેદ : બહુચર્ચીત અને હાઇપ્રોફાઇલ ઉન્નાવ અપહરણ અને બળાત્કાર કેસમાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા કુલદિપ સેંગરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. કુલદિપ સેંગર સહિતનાં લોકો પર આ કેસમાં અપહરણ બાદ બળાત્કાર અને પીડિતાના પિતાને ખોટા કેસમાં ફસાવી જેલમાં હત્યા તેમજ પીડિતાને અકસ્માતમાં મારી નાખવાની કોશિશ સહિતનાં અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા.
વાંચો સમગ્ર અહેવાલ : ઉન્નાવ રેપ કેસ/ ઘટનાના અઢી વર્ષ બાદ પીડિતાને મળ્યો ન્યાય, જાણો દોષી કુલદિપસિંહ સેંગરને શું સજા ફરમાવી..?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
