Surat News/ PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરતમાં વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ સુરતના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે લાભ વિતરણનો પ્રારંભ કરાવ્યો. ગરીબ કલ્યાણ અન્ન યોજના 81 કરોડથી વધુ લાભાર્થીઓ સાથે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના બની છે.

Top Stories Gujarat Surat
Yogesh Work 2025 03 07T220945.216 PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરતમાં વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

Surat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ સુરતના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના વિનામૂલ્યે લાભ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.રાજ્યના અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ આયોજિત સમારોહમાં રાજ્ય સરકારની પેન્શન સહાય મેળવતા ‘અગ્રતા ધરાવતા કુટુંબ’ (Priority Household-PHH) તરીકે વડીલો, દિવ્યાંગજનો અને ગંગાસ્વરૂપા માતાઓ-બહેનોની સાથોસાથ અતિ વંચિત ગરીબ પરિવારના નાગરિકોને તેમની ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ- NFSA હેઠળ વડાપ્રધાનના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની સાથે ખૂલ્લી જીપમાં સવાર થઈને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મહાનુભાવોએ લાભાર્થીઓને PMGKAYના લાભના પ્રતીકરૂપે અનાજની કીટ્સનું વિતરણ કર્યું હતું.

Yogesh Work 2025 03 07T220302.248 PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરતમાં વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ”કર્મ, દાન અને જનસેવામાં હંમેશા આગળ રહેતા સુરતના ‘સુરતી સ્પિરિટ’ના દર્શન આજે વંચિત અને ગરીબ વર્ગોના ભલા માટેના સેવાકાર્યમાં પણ જોવા મળ્યા છે. અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન દ્વારા સુરત જરૂરિયાતમંદ નાગરિકોના પોષણ અને ભોજનની કાળજી લેવામાં પણ આગળ નીકળ્યું છે. આ પ્રયાસમાં તુષ્ટિકરણ નહીં, સંતુષ્ટિકરણની ભાવના ઉજાગર થઈ છે”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાત્રતા ધરાવતા ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ સહાય યોજના તેમજ અન્ય ગરીબ પરિવારોને PMGKAY યોજના હેઠળ એક જ સમયે, એકસાથે સામૂહિક રીતે લાભાન્વિત કરવાની જિલ્લા વહીવટીતંત્રની પહેલની સરાહના કરતા જણાવ્યું કે, સરકાર લાભાર્થીના ઘરના દરવાજે સામે ચાલીને જાય છે ત્યારે કોઈ જરૂરિયાતમંદ બરહી જતા નથી હોતા. કોઈ ભેદભાવ વિના સૌને પોતાના હકો પ્રાપ્ત થાય છે અને ‘ન કોઈ છૂટે ન રૂઠે’નો સંતોષ મળે છે. સાચી નિયત અને નીતિથી યોજના બને તો ગરીબો, જરૂરિયાતમંદોને હકનો લાભ અવશ્ય મળે છે એ વાત આ અભિયાનથી સાબિત થઈ છે.

Yogesh Work 2025 03 07T220509.335 PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરતમાં વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

ગરીબોના ઘરનો ચૂલો ન સળગે, પરિવાર ભૂખ્યો સૂએ એ વાત નવા ભારતમાં સ્વીકાર્ય નથી એમ સ્પષ્ટપણે જણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ કોરોનાના કપરા સમયમાં દેશના કરોડો ગરીબ પરિવારોની આંતરડી ઠારી હતી. કોરોના પછી પણ આ યોજનાએ એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યા સૂએ નહીં. આ યોજનાએ દેશના ગરીબ પરિવારોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય દેશના દરેક પરિવારોને પર્યાપ્ત પોષણ પ્રદાન કરી દેશને એનીમિયા અને કુપોષણથી મુક્ત બનાવવાનું છે.

અંત્યોદય કલ્યાણની વિચારધારાને કેન્દ્રમાં રાખીને સમાજના ગરીબ-વંચિત જૂથોને સીધો લાભ પહોંચે એવા આશયથી આયોજિત કાર્યક્રમમાં ઉમટેલા વિશાળ જનસમુદાયને સંબોધતા વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, માસિક પેન્શન સહાય મેળવતા મેળવતા વૃદ્ધજનો, દિવ્યાંગજનો અને ગંગાસ્વરૂપા મહિલાઓ વિનામૂલ્યે અન્નના લાભથી વંચિત ન રહી જાય એ માટે સુરત પ્રશાસને કરેલું સર્વેક્ષણ અંત્યોદયની ભાવનાનું પ્રેરક ઉદાહરણ છે. જે અન્ય જિલ્લાઓને પણ ગરીબ કલ્યાણ માટે પ્રેરણા આપશે.

PM નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, દેશના તમામ રાજ્યો-પ્રદેશોના લોકો સુરતમાં વસે છે. વિવિધતામાં એકતાના દર્શન કરાવતું હોવાથી આ શહેર મિનિ ભારતની પ્રતીતિ કરાવે છે. ઉદ્યમી શહેરની ઓળખ ધરાવતા આ શહેરે શ્રમનું સન્માન કર્યું છે, અહીં પ્રગતિની આકાંક્ષા પૂરી થાય છે. અન્ય રાજ્યોમાંથી સુરત આવેલા લાખો લોકોએ જીવનમાં આગળ વધવાના સપના સાકાર કર્યા છે. રોટી, કપડાં અને મકાનની પ્રાથમિક જરૂરિયાતોમાં રોટીની જરૂરિયાત સૌથી વધુ આવશ્યક હોય છે, ત્યારે સુરત રોટલો અને ઓટલો આપનાર શહેર તરીકે ખ્યાતનામ બન્યું છે.

Yogesh Work 2025 03 07T220551.046 PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરતમાં વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

ગરીબ કલ્યાણ અન્ન યોજના 81 કરોડથી વધુ લાભાર્થીઓ સાથે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના બની છે એમ ગર્વપૂર્વક જણાવી વડાપ્રધાનશ્રીએ આ યોજનાને માનવતાને મહત્વ દેતી યોજના ગણાવી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું કે, આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદોને અનાજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી રહી છે. આ યોજના ગત જાન્યુઆરી, 2024 થી વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનો લાભ દેશના અંદાજે 81 કરોડ જેટલા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) લાભાર્થીઓને મળશે.

ગરીબોના હક પર તરાપ મારનાર અગાઉની સરકારના રાજની વિષમ સ્થિતિની યાદ અપાવતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, ભૂતકાળની સરકારના કાર્યકાળમાં પાંચ કરોડ ભૂતિયા રેશનકાર્ડ અસ્તિત્વ ધરાવતા હતા. ગરીબોનું હક્કનું અનાજ અદ્રશ્ય લૂંટારાઓના હાથમાં જતું હતું. અમારી સરકારે 5 કરોડ ભૂતિયા રેશનકાર્ડને રદ્દ કર્યા અને સમગ્ર દેશમાં 100% રેશનકાર્ડ ડિજીટલાઈઝ કર્યા. જેનાથી અનાજ વિતરણમાં પારદર્શિતા આવી છે અને કાર્યક્ષમતા વધી છે.

Yogesh Work 2025 03 07T220638.234 PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરતમાં વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

તેમણે ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની સફળ અમલવારીને કારણે લાભાર્થીઓ હવે દેશમાં ક્યાંયથી પણ સરળતાથી અનાજ મેળવી શકે છે એમ જણાવી સુરતમાં વસેલા અન્ય રાજ્યોના પાત્રતા ધરાવતા શ્રમિકો, નોકરિયાતો, કર્મચારીઓને ઘર આંગણે અનાજનો લાભ મળતા મોટી રાહત થઈ છે એમ જણાવી સૌ લાભાર્થીઓને સમૃદ્ધ ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ કોઈપણ ગરીબ કે છેવાડાના વ્યક્તિને ભૂખ્યા ન સૂવું પડે તેની હરહંમેશ કાળજી લીધી છે. વડાપ્રધાનશ્રીએ ગરીબોના રાશનની ચિંતા કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરાવી તેના પરિણામે કરોડો લોકોને વિનામૂલ્યે અનાજ મળ્યું છે.

સુરત ખાતે PM નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનના શુભારંભ કાર્યક્રમને અન્ન સુરક્ષા અને આર્થિક સહાયથી સમાજના છેવાડાના વ્યક્તિઓને સુપેરે લાભ પહોંચાડવાનો અવસર ગણાવી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા પછી લોકસભામાં પ્રથમ સંબોધનમાં તેમની સરકાર ગરીબો, વંચિતો, શોષિતો-પીડિતોના કલ્યાણને અગ્રતા આપનારી સરકાર હશે એવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Yogesh Work 2025 03 07T220014.271 PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરતમાં વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં જેટલી પણ કલ્યાણ યોજનાઓ બની છે તેના કેન્દ્રસ્થાને છેવાડાના અને ગરીબ લોકો રહ્યાં છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂ થયેલી પીએમ જનધન યોજના, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજના, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ સ્વનિધિ, પીએમ માતૃ વંદના સહિતની અનેક યોજનાઓ ગરીબોના જીવન ધોરણને ઊંચુ લાવવામાં અને તેમના સશક્તિકરણમાં મદદરૂપ સાબિત થઈ છે અને તેના પરિણામે પાછલા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબોને આવાસ, આહાર અને આરોગ્યની પૂરતી સુવિધા આપીને વડાપ્રધાનશ્રીએ ગરીબોનું સાચા અર્થમાં સશક્તિકરણ કર્યું છે. વડાપ્રધાનશ્રીએ ગરીબને ગરીબીમાંથી બહાર કાઢવા અને ગરીબી વિરુદ્ધ લડી શકે તે માટે ગરીબોને તાકાત આપવાનું કામ કર્યું છે એમ પણ ઉમેર્યું હતું.

ગરીબો-મધ્યમવર્ગના કારીગરો આત્મનિર્ભર બને તે માટે પીએમ વિશ્વકર્મા યોજના વડાપ્રધાનશ્રીએ આપી છે. એટલું જ નહિ, શહેરી વિસ્તારમાં રોજનું રોજ કમાઈને રોજ ખાનારા, નાના અને ગરીબ ફેરિયાઓને બેન્કમાંથી 50 હજાર સુધીની લોન અપાવવા વડાપ્રધાનશ્રી પોતે ગેરેન્ટર બન્યા છે એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. સમાજના સૌ વર્ગોને સાથે રાખીને સર્વસમાવેશી વિકાસ કેવી રીતે થાય તેનું ઉદાહરણ વડાપ્રધાનશ્રીએ પૂરું પાડ્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

Yogesh Work 2025 03 07T220122.804 PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરતમાં વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન મોદીને દક્ષિણ ગુજરાતમાં સહર્ષ આવકારતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ કુદરતી શારીરિક, માનસિક ક્ષતિ સાથે જન્મેલા વિકલાંગ વ્યક્તિઓને ‘દિવ્યાંગ’ એવું સન્માનજનક નામ આપ્યું છે. દિવ્યંગજનો પોતાના કુટુંબ ઉપર ભારણ ન બને તે માટે સમગ્ર કુટુંબને વિનામૂલ્યે અનાજ આપતી ગરીબ કલ્યાણ અન્ન યોજનાથી તમામ દિવ્યાંગજનો સહિત વડીલો, ગંગાસ્વરૂપા બહેનોનેને આવરી લેવાનો આ પ્રયાસ સરાહનીય છે. દિવ્યાંગોનું જીવન સરળ સુગમ બને અને આર્થિક ઉપાર્જન માટે સક્ષમ બને તે માટે ગુણવત્તાયુકત સાધન-સહાય અતિ ઉપયોગી નીવડી છે.

દિવ્યાંગજનોના કલ્યાણ માટે વર્ષ ર૦૧૪ પહેલા રૂ.૫૬૫ કરોડના બજેટને વધારીને રૂ.૧૨૭૫ કરોડ બજેટ કરવામાં આવ્યું છે એમ જણાવી શ્રી પાટિલે ઉમેર્યું કે, દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકારી નોકરીઓમાં ત્રણ ટકાનું રિઝર્વેશન હતું, જે વધારીને ચાર ટકા કર્યું છે. સાથે ઉચ્ચ શિક્ષણ માટે પણ ત્રણ ટકા રિઝર્વેશનને વધારીને પાંચ ટકા કર્યુ છે. દિવ્યાંગજનોને મુસાફરીમાં મુશ્કેલી ન પડે તે ૭૦૯ રેલવે સ્ટેશનો, ૮૦ જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ દસ હજારથી વધુ બસ સ્ટેશન ઉપર સગવડ ઊભી કરવામાં આવી છે. આ વેળાએ વડાપ્રધાનશ્રીને મા અન્નપૂર્ણાની કાષ્ટની પ્રતિમા, જી. આઈ. ટેગ ધરાવતી સાડેલી વુડન આર્ટ થકી નિર્મિત સ્મૃતિચિહ્ન, સુરતની પ્રાચીન ઓળખ સમાન જરીકલાથી તૈયાર થયેલ ખેસ અર્પણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાનશ્રીએ ડોમમાં આગમન અભિવાદન દરમિયાન દિવ્યાંગજનોએ બનાવેલા પેઈન્ટીંગ પર હસ્તાક્ષર કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને ચિત્રકલાને બિરદાવી હતી.

Yogesh Work 2025 03 07T215908.469 PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરતમાં વંચિત-ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, નાણામંત્રી કનુ દેસાઈ, અન્ન નાગરિક પૂરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, સાંસદ મુકેશ દલાલ, પ્રભુ વસાવા, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા, જિ.પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્યઓ, મુખ્ય સચિવ પંકજ જોશી, પૂરવઠા વિભાગના સચિવ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, જિલ્લા પૂરવઠા અધિકારી ડી.ડી.શાહ, તથા અન્ય પદાધિકારીઓ, અધિકારીગણ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ-શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીએ સંબોધનમાં કહ્યું કે, “આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું સંચાલન મહિલાઓને જ કરશે”

આ પણ વાંચો: ‘સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતુ ઈશ્વરનું અદભુત સર્જન’ : ભાનુબેન બાબરીયા

આ પણ વાંચો: ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિગ સમિટનો ગિફ્ટ સિટીમાં પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી કિંજરાપુ નાયડુની વિશેષ ઉપસ્થિતી