Gandhinagar News: વિદેશમાં સ્થાયી થવાની આશામાં ગાંધીનગરના એક પરિવાર સાથે છેતરપિંડી (Australia Visa Fraud) થયાનો કિસ્સો સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાની ખાતરી આપીને અમદાવાદના એક એજન્ટે પરિવાર (Ahmedabad Visa Agent) પાસેથી કુલ રૂ.8.28 લાખ લીધા હોવાનો આક્ષેપ છે. જોકે, લાંબો સમય વીતી જવા છતાં વિઝા ન મળતાં અને પ્રોસેસ અંગેના કોઈ પુરાવા પણ ન અપાતાં પરિવારને છેતરપિંડી થયાની જાણ થઈ હતી. આ મામલે સેક્ટર-21 પોલીસે એજન્ટ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Australia Visa Fraud: દીકરાને પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા મોકલવાની તૈયારી હતી
ગાંધીનગરના સેક્ટર-24માં રહેતા અજયસિંહ પરમાર GTPLમાં કમિશન આધારિત ડિસ્ટ્રિબ્યુટર તરીકે કામ કરે છે. તેમને પોતાના દીકરાને પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા મોકલવો હતો. આ માટે મિત્ર જયંતભાઈ પટેલ મારફતે તેમણે 8 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદના સોલા વિસ્તારમાં આસ્થા બંગલોમાં રહેતા વિઝા એજન્ટ વરુણ પટેલનો સંપર્ક કર્યો હતો. એજન્ટે ઓસ્ટ્રેલિયાની એક કંપનીમાં ઓળખાણ હોવાનું જણાવી ત્રણ મહિનામાં વર્ક પરમિટ વિઝા અપાવવાની (Work Permit Visa Fraud) ખાતરી આપી હતી. આ માટે કુલ રૂ.12 લાખનો ખર્ચ થશે તેમ પણ જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાની કંપનીમાં રોકાણના નામે રૂ.5 લાખ રોકડા લીધા
ફરિયાદ મુજબ, વિઝાની પ્રક્રિયા માટે 50 ટકા રકમ અગાઉથી અને બાકીની 50 ટકા રકમ પરિવાર ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ આપવાનું નક્કી થયું હતું. આ વ્યવસ્થા મુજબ અજયસિંહે 8 ડિસેમ્બરે રૂ.3 લાખનો ચેક આપ્યો હતો. તેની સુરક્ષા પેટે એજન્ટે તારીખ વગરનો પોતાનો એક ચેક આપ્યો હતો. ત્યારબાદ અલગ-અલગ તારીખે ફોન-પે મારફતે પણ નાણાં ચૂકવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 22 ફેબ્રુઆરી 2026ના રોજ એજન્ટે રૂબરૂ આવી ઓસ્ટ્રેલિયાની કંપનીમાં રોકાણ કરવાનું કહી રૂ.5 લાખ રોકડા લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
વિઝા ન મળતાં પોલીસ ફરિયાદ નોંધાવી
અજયસિંહ પાસેથી કુલ રૂ.8.28 લાખ લીધા હોવા છતાં નક્કી કરેલી સમયમર્યાદામાં વિઝા મળ્યા નહોતા. આ અંગે એજન્ટનો સંપર્ક કરતાં તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. ઓસ્ટ્રેલિયામાં વિઝાની પ્રક્રિયા શરૂ કરી હોવાના કોઈ પુરાવા કે સંબંધિત દસ્તાવેજો પણ આપ્યા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની આશંકા સાથે અજયસિંહ પરમારે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ (Sector 21 Police) મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: હિંમતનગર વિઝા છેતરપિંડી કેસ: પ્રીતિ ઈન્સ્ટિટ્યૂટ સંચાલિકા સામે વધુ ફરિયાદો, 1.37 કરોડની ઠગાઈનો આરોપ
આ પણ વાંચો: વિદેશ મોકલવાના નામે મોટું કૌભાંડ! નોકરી-સ્ટુડન્ટ વિઝાની લાલચ આપી ગુજરાતીઓ પાસેથી ₹94 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: દહેગામના યુવક સાથે ₹24.92 લાખની છેતરપિંડી: કેનેડાના સ્ટુડન્ટ વિઝાના બહાને મહિલા એજન્ટ સામે પોલીસ ફરિયાદ
