રાજ્યમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોરોના સંક્રમણ ગત વર્ષે માર્ચ મહિનાની સ્થિતિએ પહોંચી ગયું છે પરંતુ હજુ પ્રજાના પ્રતિનિધિઓમાં તેને લઇને કોઇ ગંભીરતા દેખાતી નથી. વિધાનસભાના ચાલુ સત્રમાં માસ્ક વિના ફરતા અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને થતું હશે કે આમાં ખોટું શું છે. પરંતુ એક તરફ આ રીઢા રાજકારણીઓ પાસેથી 500નો દંડ જ્યારે બીજી તરફ માસ્ક ન પહેરનારી પ્રજાને 1000નો દંડ ફટકારવામાં આવે છે. આમાં સરકારના બેવડા ધોરણો છતા થાય છે.

મહત્વનું છે કે તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઇ હતી. રાજ્યની મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અને ત્યાર બાદ ઉજવણીમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું નામોનિશાન નહોતું. રાજકીય નેતાઓ અને કાર્યકરો માસ્ક વગર ખુલ્લેઆમ ઘુમતા હતા. અધૂરામાં પુરુ ટી-20 મેચોમાં ઉમટી પડેલા હજારો દર્શકો. આટલી ભીડ ભેગી કરનારા સામે કોઇ કાર્યવાહી ન થતાં કોરોના કેસો વધવાના શરુ થયા હતા. જે હજુ અટકવાનું નામ નથી લઇ રહ્યા.
રાજ્યભરમાં ડિસેમ્બર સુધી માસ્ક ના પહેરનાર પાસેથી 114 કરોડ રૂપિયાની વસૂલાત કરાઈ હતી. સૌથી વધુ દંડ 30 કરોડ રૂપિયા અમદાવાદમાં વસૂલાયો હતો. આ બાદ સુરતમાં 11 કરોડ, ખેડામાં 8 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી. સૌથી ઓછો દંડ ભરનાર જિલ્લો ડાંગ હતો. ડાંગમાં 23 લાખની વસૂલાત કરવામાં આવી હતી.
