Gujarat News/ વેરાવળમાં સરકારે ડિમોલિશન કરી, જમીનનો કબજો લીધો,ઓલિયા એ દીન કમિટીની ડિમોલિશન છેલ્લે જે છે તે સ્થિતિ જાળવવાની માગ HCએ નકારી

ઓલિયા એ દીન કમિટીની મુખ્ય માગ એવી છે કે, કાયદાને ફોલો કર્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું છે

Top Stories Gujarat Others

Gujarat News : સોમનાથ અને વેરાવળનો મસ્જિદ, કબ્રસ્તાન અને દરગાહનો ડિમોલિશનનો મદ્દો અંતે હાઈકોર્ટમાં પહોચ્યો હતો. બીજીતરફ હાઈકોર્ટમાં ઓલિયા એ દીન કમિટી મારફતે અરજી કરવામાં આવી હતી. આ સંદર્ભે વધુ સુનાવણી આજે હાથ ધરાઈ હતી.  જેમાં અરજદારે છેલ્લે જે છે તે સ્થિતિ જાળવવાની વાત કરી હતી. એટલે આગળની કાર્યવાહી થઈ શકે નહીં. જો કે, કોર્ટે અરજદારની આ માગ નકારી છે. જે તેમની પ્રથમ માગ હતી. અત્યારે વેરાવળમાં સરકારે ડિમોલિશન કરી, જમીનનો કબજો લઈ લીધો છે, ફેન્સિંગ ચાલુ છે. બાદમાં આ જમીન સોમનાથ ટ્રસ્ટને આપવાની વાત છે. ઓલિયા એ દીન કમિટીની મુખ્ય માગ એવી છે કે, કાયદાને ફોલો કર્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું છે. જેમાં કોર્ટે ઓથોરિટીને નોટિસ આપી છે. જો એ સાબિત થાય કે કાયદાના પાલન વગર ડિમોલિશન કરાયું છે તો કોર્ટ રિસ્ટોરેશનનો આદેશ આપી શકે. તો જમીન પાછી આપવી પડે.

વેરાવળ ડિમોલિશન મામલે જૂનાગઢની ઓલિયા એ દિન કમિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં માગ કરાઈ હતી કે, ઓથોરિટીએ કાયદાની પ્રક્રિયા અનુસર્યા વગર ડિમોલિશન હાથ ધર્યું છે. જેથી સ્ટેટ્સ કવો આપવામાં આવે અને રિસ્ટોરેશન કરવામાં આવે. હાઇકોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ આજે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે અરજદાર વકીલે સુપ્રીમ કોર્ટનો આસામ મુદ્દાનો ચુકાદો હાઈકોર્ટ સમક્ષ મૂક્યો હતો. તેમાં જમિયત ઉલેમા એ હિન્દ પક્ષકાર છે. જેમાં ડિમોલિશન બાબતે આસામમાં અરજદારો તરફે વચગાળાની રાહત વધારી આપવામાં આવી છે. અરજદારના વકીલે એમ પણ સ્વીકાર્યું હતું કે, હાઇકોર્ટમાં વર્તમાન બાબતે અરજી કરનારા કોઈ પણ અરજદાર સુપ્રિમ કોર્ટમાં ગયા નથી.
અરજદારે જણાવ્યું હતું કે, અરજદારને ઓથોરિટી દ્વારા દબાણ બાબતે 12 સપ્ટેમ્બરે નોટિસ અપાઈ હતી.

જેની મુદત કલેક્ટર સમક્ષ 19 સપ્ટેમ્બરની હતી. જેમાં અરજદાર તરફે સુનાવણી સ્થગિત રાખવાની માગ કરાતા સુનાવણી 27 સપ્ટેમ્બરે ગઈ હતી. 27 સપ્ટેમ્બરે કોઈપણ જવાબ ઓથોરિટી દ્વારા અપાયા વગર 28 સપ્ટેમ્બરથી દબાણ દૂર કરવાનું શરું કરાયું હતું. ઓથોરિટીના ઓર્ડરની કોપી અરજદારોને 30 સપ્ટેમ્બરે મળી હતી. ત્યાં સુધી ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું હતું. જ્યારે અરજીનું સ્ટેટસ પેન્ડિંગ બતાવતું હતું. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર મુજબ આખા દેશમાં કોર્ટની પરવાનગી વગર દબાણ દૂર કરવાની મનાઈ છે. જુનાગઢ નવાબ દ્વારા 28 માર્ચ, 1903ના રોજ વિવાદિત જામીન મુસ્લિમોને કબ્રસ્તાન માટે અપાઇ હતી. આ માટે ઓલિયા દિન ટ્રસ્ટ બન્યું જે તેનું મેનેજમેન્ટ કરે છે. આ જમીન સરકારની છે, તે વાત પણ અરજદારે ગ્રાહ્ય રાખી હતી. જ્યારે ન્યાયિક સંસ્થાઓમાં સમક્ષ અરજી પેન્ડિંગ હોય ત્યારે કોઈ નકારાત્મક પગલાં લઈ શકાય નહિ. તેમ છતાં ઓથોરિટીએ બાંધકામ દૂર કર્યું હતું.

ઓથોરિટીના જણાવ્યા મુજબ 05 સપ્ટેમ્બરે અરજદારોને કોઈ નોટિસ મળી નહોતી. બાંધકામ ઉપર નોટિસ ચોટાડાયાના કોઈ પૂરાવા નથી. કબ્જા ધારકોના નામે 1947માં પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. 1982માં આ મિલકતના મેનેજમેન્ટ માટે ટ્રસ્ટની રચના કરીને તેને રજિસ્ટર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમીલ કથનની જુદી-જુદી કાનૂની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી હતી. કલેક્ટર, વકફ ટ્રિબ્યુનલ અને હાઇકોર્ટમાં કાનૂની કાર્યવાહીઓ પેન્ડિંગ છે. જ્યારે ડેપ્યુટી કલેક્ટરે આ જમીનને સરકારની જાહેર કરી ત્યારે તેની સામે કલેક્ટર સમક્ષ અરજદાર અપીલમાં ગયા હતા. હાઇકોર્ટમાં અરજદાર દ્વારા કોર્ટના તિરસ્કારની અરજી અને રેડ પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી. અરજદાર આ મિલકતોના મેનેજર છે.સરકારે દલીલો કરી હતી કે, આ જામીન મુદ્દે પહેલા પણ કાનૂની કાર્યવાહીઓ થયેલી છે. 2023ના ઓક્ટોબર મહિનામાં પણ દબાણો અંગે અરજદારોને નોટિસ આપવામાં આવેલી છે, એટલે આ ત્યારથી ચાલતી આવતી પ્રક્રિયા છે.

કોઈપણ ન્યાયિક સંસ્થાએ ઓથોરિટીની કાર્યવાહી સામે સ્ટે આપેલ નથી. 3 નવેમ્બર, 1951ના રોજ સૌરાષ્ટ્ર સરકારના રેવન્યૂ વિભાગે ઠરાવ પસાર કરીને આ જમીન સોમનાથ ટ્રસ્ટને 999 વર્ષની લીઝ ઉપર આપી હતી. યોગ્ય કાનૂની પ્રક્રિયા બાદ જ પ્રોપર્ટી કાર્ડમાંથી મિલકતધારકોના નામ દૂર કરાયા છે.અરજદારે જણાવ્યું હતું કે, આ જમીન સરકારે ડિમોલિશન કરીને કબ્જે લીધી છે. તેનું ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યાં રોડ બનવાનો છે અને જગ્યા સોમનાથ ટ્રસ્ટને આપવાની છે. વકફ ટ્રિબ્યુનલ પાસે આ જગ્યાની જૂની વીડિયોગ્રાફી પણ છે. જો કે, કોર્ટે કહ્યું હતું કે, વકફ બોર્ડ સહિત અન્ય કોઈ ન્યાયિક સંસ્થાએ આ બાબતે સ્ટે આપ્યો નથી. જેથી અરજદારની સ્ટેટ્સ કવોની માગ કોર્ટે નકારી દીધી હતી. જો કે, રિસ્ટોરેસન મુદ્દે કોર્ટે પક્ષકારો પાસેથી કયા દબાણ દૂર કરાયા તેની સંપૂર્ણ માહિતી, દૂર કરાયેલી બિલ્ડિંગો ક્યારથી ત્યાં હતી તેની માહિતી, જો દૂર કરાયેલ દબાણમાં મોન્યુમેન્ટ હતા તો વકફ સાથે રજિસ્ટર થયા હોય તેના કાગળ, પ્રોપર્ટી લીસ્ટ, વગેરે માગ્યું હતું. જેથી કરીને અરજદારોને વળતર ચૂકવવાનું થાય તેના માટે કામ લાગે. આ મુદ્દે વધુ સુનાવણી 24 ઓક્ટોબર હાથ ધરાશે.

અરજદાર તરફે જણાવાયું હતું કે ઓથોરિટી કોઈપણ નોટિસ આપ્યા વગર ડિમોલિશન હાથ ધર્યું હતું. આ જમીન ઉપર કબ્રસ્તાન, મસ્જિદ અને દરગાહ આવેલી છે. રેકોર્ડ મુજબ જૂનાગઢ રાજ્યએ કબ્રસ્તાન 1903માં આપ્યું હતું. ત્યાં કેટલાક મહાનુભવોને દફનવાવમાં આવતા તેની ઉપર દરગાહ બની છે, જ્યારે બાકીની કબરો છે. જો કે, અરજદારના વકીલે સ્વીકાર્યું છે કે, આ સરકારી જમીન છે. જેને કબ્રસ્તાન તરીકે વપરાય છે. આ જમીનની મિલકતના 09 પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થયા છે. તે તમામને નોટિસ આપવામાં આવી હતી. ચાલુ વર્ષે 12 સપ્ટેમ્બરે નોટિસ મળી હતી. જેમાં 19 સપ્ટેમ્બરે કલેક્ટર સમક્ષ સુનાવણી હતી. જેમાં અરજદારોએ 20 સપ્ટેમ્બરની તારીખ માગી હતી. ત્યારબાદ 27 સપ્ટેમ્બરે ફાઈનલ હિયરિંગ રાખવામાં આવી હતી. જેમાં ફરીથી અરજદારોએ સમય માગ્યો હતો. જો કે, અરજદારના જણાવ્યા મુજબ કેસ પેન્ડિંગ હોવા છતાં 28 તારીખથી ડિમોલિશન શરૂ કરી દેવાયું હતું.

અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, આ આરક્ષિત સ્મારકો છે. વળી, સરકારે શનિ-રવિના દિવસે કામ ચાલુ રાખીને ડિમોલિશન કર્યું હતું. ગોધરા, દાહોદમાં પણ શનિ-રવિએ ડિમોલિશન કર્યું હતું. વેરાવળમાં 800 જેટલા સરકારી કર્મચારીઓ અને પોલીસની ઉપસ્થિતિમાં ડિમોલિશન કરાયું હતું. જ્યારે સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બરના ચુકાદા મુજબ જાહેર જગ્યાએ વર્તમાનમાં જે છે તે સ્થિતિ જાળવી રાખીને ડિમોલિશન ઉપર મનાઈ ફરમાવી છે. જેમાં 1 ઓક્ટોબરે સુનાવણી છે. આસામમાં પણ આવું થતાં સુપ્રીમ કોર્ટે કન્ટેમ્પ નોટિસ કાઢી છે. ઓથોરિટીએ જેના નામે મિલકતો છે તેને ડિમોલિશન માટે નોટિસ પાઠવી નથી. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, સુપ્રીમનો ઓર્ડર આરોપીઓના ઘર તોડવાને લગતો છે. ઓથોરિટી દ્વારા અહીં ડિમોલિશન તો ઓકટોબર, 2023થી ચાલે છે. મિલકતધારકો પહેલાં પણ કોર્ટમાં આવી ચૂક્યા છે. જુદી જુદી ન્યાયિક સંસ્થાઓમાં આ બાબતે 05 જેટલા કેસ પેન્ડિંગ છે. અરજદારે 12 સપ્ટેમ્બરે પણ જે છે તે સ્થિતિ જાળવી રાખવા કોર્ટમાં અરજી કરી હતી. જો કે, કોર્ટે સામા પક્ષકારોને પણ નોટિસ આપી નથી. વક્ફ ટ્રિબ્યુનલ સામે પણ આ જ મુદ્દાની અરજી પેન્ડિંગ છે. 09 ઓક્ટોબર, 2023થી કોઈ ન્યાયિક સંસ્થા દ્વારા વચગાળાનું રક્ષણ મિલકતધારકો કે અરજદારોને અપાયું નથી.

અરજદારોને કલેક્ટરનો ડિમોલિશનનો ઓર્ડર RPADથી મોકલી આપ્યો હતો. વક્ફ બોર્ડે પણ કોઈ રાહત અરજદારોને આપી નથી. હાઇકોર્ટની ડબલ જજની બેંચે પણ અરજદારોને કોઈ રાહત આપી નથી. કોર્ટને વધુમાં જણાવાયું હતું કે, રેવન્યૂ સર્વેમાં આ જગ્યા કબ્રસ્તાન છે. સિવિલ કોર્ટમાં આ મુદ્દે ચાલતા કેસને વક્ફ ટ્રિબ્યુનલમાં ટ્રાન્સફર કરવા અરજદારે માગ કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. અરજદારોને 7 ઓક્ટોબર, 2023ના રોજ પ્રથમ નોટિસ દબાણ દૂર કરવા આપવામાં આવી હતી. આમાં સોમનાથ ટ્રસ્ટને પણ જોડવામાં આવશે. સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્ર સરકારે જે-તે સમયે સોમનાથ ટ્રસ્ટને આ જમીન લીઝ ઉપર આપી હતી. આમ આ જમીન સોમનાથ ટ્રસ્ટની છે. આ જમીન સોમનાથ ટ્રસ્ટને સોંપવાની છે.

અરજદારોના વકીલે રજૂઆત કરી હતી કે, 28 સપ્ટેમ્બરે ડિમોલિશન કરાયું અને 30 સપ્ટેમ્બરે ઓર્ડર મળે છે. કબજેદારોએ કલેક્ટર સામે લેખિત જવાબ રજૂ કર્યો હતો તેવી સરકારી દલીલ સામે અરજદારોએ જણાવ્યું હતું કે, કાગળો માગ્યા હતા અને મેટર સ્થગિત રાખવા માગ કરાઇ હતી. વક્ફ ટ્રિબ્યુનલ સામે આ બાબતે મેટર પેન્ડિંગ છે,જેની ઉપર વક્ફ ટ્રિબ્યુનલમાં 11 ઓક્ટોબરે સુનાવણી છે. કબજેદારના પ્રોપર્ટી કાર્ડ રદ કરાયા છે. સિવિલ કોર્ટમાંથી વક્ફ ટ્રિબ્યુનલમાં કેસ ટ્રાન્સફર કરાયો હતો. અમે વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ અમારી માગણીઓ મૂકતા અને ઓથોરિટી સમય માગ્યા કરતી, એટલે જ વક્ફ ટ્રિબ્યુનલમાં 11 ઓક્ટોબરે સુનાવણી રખાઈ હતી. 05 સપ્ટેમ્બરની નોટિસ કબજેદારોને મળી જ નથી, જ્યારે ઓથોરિટી કહે છે કે, અમે સ્વીકારી નથી. અહીં પ્રશ્ન આ સરકારી જામીન છે કે નહિ તે નક્કી કરવાનો નથી, પ્રશ્ન એ છે કે, કાનૂની કાર્યવાહી જ્યારે ન્યાયિક સંસ્થામાં ચાલી રહી હોય ત્યારે ડિમોલિશન કેમ કરાયું? ન્યાયિક સંસ્થામાં જમીનના ટાઇટલ અંગે કેસ પેન્ડિંગ છે.
સુપ્રીમ કોર્ટના ડિમોલિશન અંગેનો હુકમ પણ કોર્ટ જુએ, આ ઓર્ડર જમિયત ઉલેમા એ હિંદની મેટરનો છે. આખા દેશમાં સુપ્રીમની મંજૂરી વગર ડિમોલિશન ના થઈ શકે.

આ કોઈ જાહેર જગ્યાએ થયેલું આ ગેરકાનૂની બાંધકામ નહોતું, ઓથોરિટીએ કોઈ કોર્ટની મંજૂરી લીધી નહોતી. દરગાહ ખસેડવાનો તો કલેક્ટરના આદેશમાં પણ ઉલ્લેખ નથી. દબાણ હોય તેમ માની લઈએ તો પણ અરજદારને રજૂઆત કરવા તક આપવી પડે. અરજદાર તરફે વધુ રજૂઆત કરાઈ હતી કે, કબજેદારોને દરગાહ અને મકબરા બાબતે નોટિસ નહિ, પરંતુ તેની બહારના બાંધકામ બાબતે નોટિસ અપાઈ હતી. ઓથોરિટીના જણાવ્યા મુજબ, કબજેદારોએ નોટિસ સ્વીકારવાની ના પાડતા, મિલકતો ઉપર પંચોની હાજરીમાં નોટિસ લગાવાઈ હતી. જો કે, આવી નોટિસ ચોંટાડવાના કોઈ ફોટા કે પુરાવા કોર્ટ સમક્ષ ઓથોરિટીએ મૂક્યા નથી. આ બાંધકામ તોડી પાડવા યોગ્ય કાનૂની પ્રક્રિયા અનુસરાઈ નથી. હવે આ જમીન ઉપર જે છે તે પરિસ્થિતિ જળવાઇ રહેવી જોઈએ.સરકાર તરફે રજૂઆત કરાઈ હતી કે, સુપ્રીમનો ચુકાદો આરોપીઓની મિલકતો ના તોડી પાડવા સંદર્ભમાં છે. અહીં જાહેર જગ્યાનાં દબાણો દૂર કરવામાં આવ્યાં છે. 1951 સૌરાષ્ટ્ર સરકારે આ જમીન સોમનાથ ટ્રસ્ટને 999 વર્ષની લીઝ ઉપર આપી હતી. આ જાહેર જમીન છે, હાઈકોર્ટમાં અરજી કરનારા અમુક અરજદારો આ મુદ્દે સુપ્રીમ કોર્ટ પણ ગયા છે. આ 100 એકર કરતાં વધુ જમીનનો મામલો છે.

અરજદારો તરફે કોઈપણ ન્યાયિક સંસ્થાએ સ્ટે આપ્યો નથી. ઓક્ટોબર, 2023માં પણ નોટિસ જાહેર કરાઈ ત્યારે પણ પગલાં લેવાયાં હતાં. અરજદારો હાઇકોર્ટમાં આવ્યા તે અરજી નકરી દેવાઈ હતી પણ તેઓ તે સમયે સુપ્રીમમાં ગયા નહિ. આ બાબત વક્ફ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે, અરજદાર ગુજરાત હાઇકોર્ટ 12 સપ્ટેમ્બરે આવ્યા પણ તેની મુદત 08 ઓક્ટોબરની પડી છે. હાઇકોર્ટે અરજદારની અરજી ઉપર સામા પક્ષને નોટિસ પણ કાઢી નથી. વક્ફે કે હાઇકોર્ટે અરજદારોને રિલીફ આપી નથી. 27 સપ્ટેમ્બરે દબાણ તોડી પાડવા જણાવાયું, તેમને ધ્યાને હતું અને આ કામ કરાયું છે. હવે ત્યાં ફેંસિંગ પણ થઈ ગયું છે. જમીનનો કબજો રાજ્ય સરકારે લઈ લીધો છે અને તેને સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવશે.

અરજદારના વકીલે જણાવ્યું હતું કે, વર્તમાન પૈકી કોઈ અરજદાર સુપ્રીમમાં ગયા તેની તેમને ખબર નથી. સરકારે જણાવ્યું કે, અરજદારોને વક્ફ કે હાઇકોર્ટે અગાઉની અરજીમાં રિલીફ આપી નથી. પણ આ ડિમોલિશનની કાર્યવાહી કાનૂની રીતે કરાઈ છે કે કેમ તેનો જવાબ આપ્યો નથી. 1903માં જૂનાગઢ નવાબે આ જમીન કબ્રસ્તાન માટે આપી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશથી હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજીનો ઉલ્લેખ પણ આ સુનાવણીમાં કરાયો હતો. જેમાં જાહેર જગ્યાઓ પરથી ધાર્મિક દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વક્ફ ટ્રિબ્યુનલમાં આ મુદ્દે 11 ઓક્ટોબરે સુનાવણી છે.શનિવારે વહેલી સવારથી સોમનાથ મંદિર આસપાસ તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ કામગીરીમાં 9 જેટલાં ધાર્મિક (મસ્જિદ-દરગાહ) તથા 45 પાકાં મકાનોનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. બાદમાં દબાણોનો કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આજે બપોરે સ્થળની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સતત 56 કલાકની કામગીરી પછી સરકારી જમીન ઉપરથી તમામ ધાર્મિક સહિતનાં દબાણો દૂર કરી તેનો કાટમાળ હટાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ ખુલ્લી થયેલી 320 કરોડની 102 એકર જમીન ઉપર ફરી દબાણો ન થાય તે માટે યુદ્ધના ધોરણે ફેન્સિંગની બાઉન્ડરીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની કાર્યવાહીમાં 58 જેસીબી, 5 હિટાચી, 50 ટ્રેક્ટર, 4 હાઈડ્રા, 18 ડમ્પર, 2 એમ્બ્યુલન્સ અને ત્રણ ફાયર ફાઈટર સહિતનાં સાધનો મારફત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ત્યારે 135થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ કામગીરી વેળાએ વહીવટી રેવન્યુ, વીજ, પીડબ્લ્યુડી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સ્ટાફને પણ સ્થળ ઉપર તહેનાત કરવામાં આવ્યા હતા.આ ડિમોલેશનની કામગીરી દરમિયાન દબાણોની બાજુમાં આવેલા કબ્રસ્તાનને નુકસાન ન પહોંચે તેની તંત્ર દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:GTUએ પરીક્ષામાં છેતરપિંડી કરનારા 332 વિદ્યાર્થીને દંડ ફટકાર્યો

આ પણ વાંચો:GTUના કેટલાક કર્મચારી લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષ માટે પ્રચાર કરતાં હોવાની ફરિયાદ

આ પણ વાંચો:GTUના 352 વિદ્યાર્થીઓના પરિણામ રદ્દ કરી જુદી જુદી સજા ફટકારાઈ