Gandhinagar News/ CCE પરીક્ષા પદ્ધતિ સામે હજારો ઉમેદવારોનો ગાંધીનગરમાં હલ્લાબોલ, ઓફલાઇન પરીક્ષા લેવા ઉગ્ર માગ

ગાંધીનગરમાં CCE પરીક્ષાના ઉમેદવારોએ CBRT પદ્ધતિ અને નોર્મલાઇઝેશનના વિરોધમાં હલ્લાબોલ કર્યો છે. 7300 જગ્યાઓની ભરતી માટે ઓફલાઇન પરીક્ષા લેવાની માગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપી.

Top Stories Gandhinagar Gujarat
CCE Exam Protest Gandhinagar

CCE Exam Protest Gandhinagar: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં આજે 7300 જેટલી જગ્યાઓ માટે યોજાનારી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ની પદ્ધતિ સામે ઉમેદવારોએ મોરચો માંડ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી બહાર મોટી સંખ્યામાં એકત્ર થયેલા ઉમેદવારોએ ‘CBRT’ પદ્ધતિ રદ કરી જૂની ઓએમઆર (OMR) પદ્ધતિથી ઓફલાઇન પરીક્ષા લેવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

CCE પરીક્ષામાં CBRT પદ્ધતિનો ઉમેદવારો દ્વારા વિરોધ

રાજ્ય સરકાર દ્વારા 7300 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, પરંતુ તેની પરીક્ષા પદ્ધતિ હવે વિવાદનું કેન્દ્ર બની છે. ઉમેદવારોનો મુખ્ય આક્ષેપ ‘નોર્મલાઇઝેશન’ પદ્ધતિ સામે છે, કારણ કે પરીક્ષા અલગ-અલગ શિફ્ટમાં લેવાતી હોવાથી આ પદ્ધતિમાં મહેનતુ ઉમેદવારોના ગુણ ઘટી જવાની અને પરિણામમાં પારદર્શિતા ન જળવાતી હોવાની ભીતિ છે. આ ઉપરાંત, ઓનલાઇન (CBRT) પરીક્ષામાં સર્વર ડાઉન થવા કે ટેકનિકલ ખામીઓ સર્જાવાનો ડર પણ ઉમેદવારોને સતાવી રહ્યો છે, જેને પગલે તેઓ એવી માગ કરી રહ્યા છે કે એક જ દિવસે અને એક જ સમયે આખા રાજ્યમાં ઓફલાઇન પરીક્ષા લેવામાં આવે જેથી ગુણની ગણતરીમાં કોઈ વિસંગતતા ન રહે.

CCE Exam Protest Gandhinagar

ગાંધીનગરમાં બેનરો સાથે ગુંજ્યા સૂત્રો

આજે સવારથી જ ગુજરાતભરમાંથી આવેલા ઉમેદવારો ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ ઉમટી પડ્યા હતા. હાથમાં “CCE ઓફલાઇન લો” અને “નોર્મલાઇઝેશન હટાવો” ના બેનરો સાથે ઉમેદવારોએ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. ઉમેદવારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચા

ગૌણ સેવા પસંદગી મંડળ હવે આ રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. શું સરકાર મક્કમ રહેશે કે ઉમેદવારોની માગણી સામે નમતું જોખશે? આ સવાલ અત્યારે ગુજરાતના શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.


આ પણ વાંચો: ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય, લાખો ઉમેદવારોને થશે ફાયદો, કરાશે સત્તાવાર જાહેરાત

આ પણ વાંચો: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા સ્થગિત

આ પણ વાંચો: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ