Ahmedabad News: પ્લાસ્ટિક વેસ્ટ (Plastic Waste)ના યોગ્ય નિકાલના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ગુજરાત હાઇકોર્ટે (Gujarat High court) પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અંગે મહત્વનો આદેશ આપતા જણાવ્યું છે કે રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ ન કરતી મનપા (મહાનગર પાલિકાઓ) અને નપા (નગરપાલિકાઓ) સામે યોગ્ય પગલાં લો.
ગુજરાત હાઇકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાના કારણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની પણ ઝાટકણી કાઢી હતી. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે જીપીસીબી ખાલી હાથ પર હાથ ધરીને બેસી રહેવા માટે નથી. તેણે કોઈપણ પ્રકારની કામગીરીનું ફક્ત નિરીક્ષણ કરીને જ સંતોષ માનવાનો નથી, પરંતુ તે કામગીરી યોગ્ય રીતે થઈ છે કે નહીં તે જોવાનું પણ છે. તેની સાથે કચરા નિકાલની કાર્યવાહી યોગ્ય રીતે ન કરનારી પાલિકાઓની સામે તેણે કાર્યવાહી પણ કરવી જોઈએ. આ તેનો અધિકાર છે.
ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક વેસ્ટના નિકાલના મુદ્દે જીપીસીબીએ કોઈની શેહ કે શરમમાં આવ્યા વગર કામ કરવાનું છે. તેણે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાની શરમ રાખવાની નથી. ઉલ્લેખનીય છે કે ગીરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધની માંગણી કરતી અરજી કરવામાં આવી હતી. અરજી પર થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આદેશ કર્યો હતો.
ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ મોટી સમસ્યા છે. તેમા પણ વિવિધ મનપા અને નપાનું તેના અંગેનું ઉદાસીન વલણ આ સમસ્યામાં વધારો કરે છે. તેના લીધે નગરો કચરાના ઢગ જેવા બની રહ્યા છે. આજે પ્લાસ્ટિક વેસ્ટને લઈને સ્થિતિ એટલી વણસી ગઈ છે કે તેના માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લાંબા થવું પડે છે. પ્લાસ્ટિક વેસ્ટમાંથી હવે શહેરો તો ઠીક પણ ગીર જેવા અભયારણ્યો પણ બાકાત રહ્યા નથી. પ્લાસ્ટિક વેસ્ટના મુદ્દે સ્થિતિ વકરતી જોઈને ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ થઈ ગઈ છે અને તેણે જીપીસીબીને નિર્ણાયક પગલાં લેવા હાકલ કરી છે.
આ પણ વાંચો: રાજ્યમાં 13 માર્ગોની સુધારણા કરવામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરાશે
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા : પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સંસ્થા અમદાવાદમાં સ્થપાશે
