GPS સિસ્ટમ/ હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા GPS સિસ્ટમ લાગુ કરાશે, દેશના મુખ્યે બે માર્ગો પર થશે અમલ

દેશમાં હાઈવે પરનું ટ્રાફિક ભારણ ઘટાડવા સરકાર GPS સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. GPS સિસ્ટમ મુજબ ટોલ રોડ પર જેટલા કિલોમીટર વાહન ચલાવો એટલો જ ટેક્સ ચૂકવવાના રહેશે.

Top Stories India

દેશમાં હાઈવે પરનું ટ્રાફિક ભારણ ઘટાડવા સરકાર GPS સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. GPS સિસ્ટમ મુજબ ટોલ રોડ પર જેટલા કિલોમીટર વાહન ચલાવો એટલો જ ટેક્સ ચૂકવવાના રહેશે. હાલમાં દેશના બે મુખ્ય માર્ગો દિલ્હી-જયપુર હાઈવે (NH-48) અને બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે પર GPS આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરાશે. બંને માર્ગો પર તેની તૈયારીઓ ચાલુ કરતા  ટોલની સચોટ ગણતરી માટે દિલ્હી-જયપુર હાઇવેનું જિયોફેન્સિંગ પણ શરૂ કરી દેવાયું છે.

જીપીએસ સિસ્ટમ કરાશે લાગુ

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે સંસદમાં માહિતી આપી હતી કે નેશનલ હાઈવેને ટોલ પ્લાઝાથી મુક્ત કરવાની અમારી યોજના છે. આ યોજનામાં અમે માર્ચ સુધીમાં નવી સિસ્ટમ લાગુ કરીશું. GPS આધારિત ટોલ સિસ્ટમમાં વાહનચાલકે ચોક્કસ અંતર સુધીનો ટેક્સ ચૂકવવાનો રહેશે. હાલમાં મુખ્ય બે માર્ગો પર લાગુ થયા બાદ આ નવી જીપીએસ આધારિત ટોલિંગ સિસ્ટમને દેશના અલગ-અલગ ભાગોમાં અજમાવાશે અને ધીમે ધીમે તેનો વિસ્તાર વધારવામાં આવશે. વધુમાં ગડકરીએ જણાવ્યું કે માર્ચ સુધીમાં દેશભરમાં જીપીએસ સેટેલાઈટ ટોલ કલેકશન શરૂ કરવાની યોજના છે. તેમજ તેમના મંત્રાલયે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ (ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા)ના બે પાયલોટ પ્રોજેક્ટ પણ લોન્ચ કર્યા છે.

જિયોફેન્સિંગ સિસ્ટમ

જિયોફેન્સિંગ એ એક સેટેલાઇટ આધારિત સિસ્ટમ છે જેમાં જીપીએસ દ્વારા ચોક્કસ વિસ્તારની વર્ચ્યુઅલ ભૌગોલિક સીમા નક્કી કરી દેવામાં આવે છે. આ ભૌગોલિક વિસ્તારમાં જે પણ વાહન આવશે તે રેકોર્ડ થઇ જશે. જેના આધારે એક છેડાથી બીજા છેડા સુધી આ વાહને કાપેલું અંતર ગણવામાં આવશે. ત્યારબાદ આ અંતર પ્રમાણે જ મુસાફરે ટોલ ચૂકવવાનો રહેશે. હાલમાં 18 લાખથી વધુ કોમર્શિયલ વાહનો જીપીએસ આધારિત ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે. પ્રારંભિક તબક્કામાં આવા વાહનો જીપીએસ આધારિત ટોલ ચાર્જ ચૂકવવાનું શરૂ કરી શકે છે.

હાઈવેના ટોલ ગેટ પર સુવિધામાં વધારો

સરકાર હાઈવેની સુવિધામાં વધારો કરવા નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ માટે સરકાર ટોલ ટેક્સના નિયમોમાં બદલાવ કરી રહી છે. જે અંતર્ગત GPS સિસ્ટમ આધારિત સિસ્ટમ લાગુ કરાશે.  આ સિસ્ટમ મુજબ ટોલ રોડ પર જેટલા કિલોમીટર વાહન ચલાવો એટલો જ ટેક્સ ચૂકવવાના રહેશે. દેશમાં ટોલ વસૂલાતના કારણે સરકારને પણ સારી આવક થઈ રહી છે. આથી જ સરકાર હાઈવેની સુવિધામાં વધારો કરતા Fastag ના બદલે GPS સિસ્ટમ લાગુ કરશે. હાલ આ સિસ્ટમનો ઉપયોગ દેશના બે હાઈવે પર કરવામાં આવશે. ત્યારબાદ અન્ય હાઈવે પર જરૂરીયાત મુજબ જીપીએસ સિસ્ટમ લાગુ કરાશે.

હાઈવે પર પહેલા ટોલ ગેટ ઓટોમેટડ હતા. તેના બાદ ફાસ્ટ ટેગ સિસ્ટમ લાગુ કરાઈ અને હવે જીપીએસ સિસ્ટમ લાગુ કરતા કિલોમીટરના હિસાબે ટોલ ટેક્સની વસૂલાત કરવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું કે હાઈવે પર ઓટોમેટડ સિસ્ટમ દરમ્યાન ટોલ પ્લાઝા પર 10 મિનિટનો સમય થતો હતો જ્યારે ફાસ્ટટેગ સિસ્ટમ લાગુ થયા બાદ તેમાં ઘટાડો થતા વધુમાં વધુ પાંચ મિનિટનો સમય લાગતો હતો. આજના ઝડપી સમયની માંગ જોતા GPS સિસ્ટમ લાગુ કરી હાઈવે પરની  મુસાફરીમાં લોકોને વધુ સુવિધા આપવાનો ઉદેશ્ય રહેલો છે.