GSRTC News/ એસ.ટી. બસની કોઈપણ સમસ્યા હવે એક ‘ક્લિક’માં હલ થશે, મુસાફરો માટે શરૂ થઈ QR કોડ રેટિંગ સિસ્ટમ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરો માટે ‘પેસેન્જર ફીડબેક રેટિંગ સિસ્ટમ’ શરૂ કરાઈ છે. QR કોડ સ્કેન કરી મુસાફરો બસની સેવાઓ વિશે રેટિંગ અને ફરિયાદ આપી શકશે.

Top Stories Gandhinagar Gujarat
GSRTC Passenger Feedback System

GSRTC Passenger Feedback System: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હવે હાઈટેક બની રહ્યું છે. એસ.ટી. બસમાં મુસાફરી કરતા લાખો મુસાફરોની સુવિધા અને ફરિયાદોના ત્વરિત નિકાલ માટે નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ’ને અભૂતપૂર્વ સફળતા મળી છે. હવે મુસાફરોએ ફરિયાદ કરવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી, માત્ર એક QR કોડ સ્કેન કરીને પોતાની વાત તંત્ર સુધી પહોંચાડી શકશે.

GSRTC Passenger Feedback System

માર્ચ મહિનામાં જ 1700થી વધુ મુસાફરોએ આપ્યા રેટિંગ

માર્ચ 2026માં શરૂ થયેલી આ સિસ્ટમમાં માત્ર એક જ મહિનામાં 1,702 મુસાફરોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. ખાસ વાત એ છે કે, મુસાફરોએ GSRTC ની સેવાઓને 5 માંથી 4.5 નું શાનદાર રેટિંગ આપ્યું છે.

  • સલામતી: 4.7 રેટિંગ (સૌથી વધુ)
  • સ્ટાફનું વર્તન: 4.6 રેટિંગ
  • સ્વચ્છતા: 4.5 રેટિંગ

ફરિયાદ મળતા જ AC બસોમાં લગાવાયા એર ફ્રેશનર

આ સિસ્ટમ કેટલી અસરકારક છે તેનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું. AC અને વોલ્વો બસોમાં મુસાફરોએ આ સિસ્ટમ દ્વારા દુર્ગંધની ફરિયાદ કરી હતી. GSRTC ના અધિકારીઓએ આ ફીડબેકને ગંભીરતાથી લઈ તાત્કાલિક રાજ્યભરની તમામ પ્રીમિયમ બસોમાં એર ફ્રેશનર લગાવવાનો આદેશ આપ્યો અને સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવ્યો હતો.

હર્ષ સંઘવીએ શું કહ્યું?

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમે જાહેર પરિવહનને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. છેલ્લા એક વર્ષમાં એસ.ટી.ના દૈનિક મુસાફરોની સંખ્યા 25 લાખથી વધીને 27 લાખ થઈ છે, જેને અમે 30 લાખ સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. QR કોડ ફીડબેક સિસ્ટમથી લોકોનો વિશ્વાસ એસ.ટી. પર વધ્યો છે.”

GSRTC Passenger Feedback System

કઈ રીતે આપશો ફીડબેક?

GSRTC એ AC અને વોલ્વો જેવી બસોમાં દરેક બેઠકની પાછળ અને સામાન્ય બસોમાં પણ QR કોડ લગાવ્યા છે.

  1. મોબાઈલથી QR કોડ સ્કેન કરો.
  2. તમારું નામ, મોબાઈલ નંબર અને ટિકિટ/PNR નંબર દાખલ કરો.
  3. સ્વચ્છતા, સમયપાલન, સ્ટાફનું વર્તન અને સલામતી જેવા મુદ્દાઓ પર રેટિંગ આપો.
  4. તમે ફરિયાદના ફોટા પણ અપલોડ કરી શકો છો, જે સીધા સંબંધિત અધિકારીને પહોંચશે.

હવે બસ ડેપોની સ્વચ્છતા માટે પણ QR કોડ આવશે

બસો બાદ હવે નિગમ રાજ્યના 400થી વધુ બસ ડેપો પર પણ વિશેષ QR કોડ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. મુસાફરો જે-તે ડેપોની સ્વચ્છતા વિશે પણ પોતાનો અભિપ્રાય આપી શકશે. આ માટે દરેક ડેપોનો અલગ QR કોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો : ઝાલાવાડ લોકસાહિત્ય પરિવારના ઉપક્રમે સુરેન્દ્રનગર ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો : શહેરોના ભવિષ્ય પર IAS શાલિની અગ્રવાલનું પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું વિમોચન

આ પણ વાંચો : શહેરોના ભવિષ્ય પર IAS શાલિની અગ્રવાલનું પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું વિમોચન