અમદાવાદ: અમદાવાદ શહેરમાં જૂના મકાન તૂટવાની ઘટનાઓનો સિલસિલો હજુ યથાવત રહ્યો છે. બાપુનગરમાં આજે વધુ એક મકાનની છત અચાનક તૂટી પડી હતી. જોકે નસીબજોગે કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી. જો કે આ છત પડવાની ઘટનામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં પોણા સો (75) વર્ષ જૂની આવેલી સોનારિયા વસાહત આવેલી છે. આ વસાહતમાં આવેલા 18 નંબરના બ્લોકના એક મકાનની છત અચાનક ધડાકાભેર તૂટી પડી હતી. આ ઘટના શનિવારે વહેલી સવારે બની હતી. મકાનની છત અચાનક તૂટી પડતાં ઘરમાં રહેલી બે વ્યક્તિઓ ફસાઈ હતી. જોકે, નસીબજોગે કોઈ મોટી જાનહાની થઈ ન હતી, પરંતુ ઘરમાં ફસાયેલી બે વ્યક્તિ ઘાયલ થઈ હતી. તેમને હાલમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સોનારિયા વસાહત 75 વર્ષ કરતા જૂની છે. જેમાં 5000થી વધારે લોકો વસવાટ કરી રહ્યા છે.
આ પહેલા પણ અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં અનેક મકાન ધરાશાયી થવાની ઘટનાઓ સર્જાઈ હતી. જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. તો આ ઘટનાઓ પર પણ એક નજર નાખીએ

તા, 27 ઓગષ્ટને રવિવારે સાંજે ઓઢવ વિસ્તારમાં ગુરુદ્વારા પાસેના ઇન્દિરા ગરીબ આવાસ યોજનાના બે બ્લોક ધડાકાભેર તૂટી પડ્યા હતા. ફ્લેટના બ્લોક તૂટી પડ્યા ત્યારે તેમાં બે પરિવાર હાજર હતા. એક દિવસ પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બંને બ્લોકને ખાલી કરાવ્યા હતા. જોકે, વરસાદ અને રક્ષાબંધનનો તહેવાર હોવાથી બે પરિવાર ફરીથી અહીં રહેવા આવી ગયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે છ લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

તા. 26 ઓગષ્ટના રોજ અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલની સામેની બાજુએ આવેલી એક દિવાલ ધરાશાયી થઇ હતી. જેના પગલે અનેક વાહનો દિવાલની નીચે દબાયા હતા. જયારે આ ઘટનામાં બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. આ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઉપરાંતના તા. 30 જુલાઈના રોજ અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ દેરાસર પાસે એક ખાનગી બિલ્ડરનું બિલ્ડિંગ બની રહ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી આવાસ યોજનાના ફ્લેટની દિવાલ ધરાશાયી થયાની ઘટના બની હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી. સોમવારે સવારે બનેલી આ ઘટનામાં બાજુમાં આવેલા પાર્કિગમાં પાર્ક કરેલી કાર ખાડામાં ખાબકી હતી. સાથે સાથે સાઇટ ઉપર કામ કરતા ટ્રેક્ટર અને જેસીબી પણ દટાયા હતા.
