Gujarat ATS Action: ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા અસામાજિક તત્વો સામે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ લાલ આંખ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કટ્ટરપંથી વિચારધારા ફેલાવતા અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ બે શખ્સોની ATS એ ધરપકડ કરી છે. રાજ્યની સુરક્ષા એજન્સીએ એક ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડી મોટી અઘટિત ઘટનાને ટાળી હોવાનું મનાય છે.
યુવાનોને ગેરમાર્ગે દોરવાનું નેટવર્ક
ઝડપાયેલા બંને શખ્સો છેલ્લા લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સ પર સક્રિય હતા. તેઓ વિવિધ ગ્રુપો અને વિવાદાસ્પદ પોસ્ટ્સ દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવાનું અને કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનું કામ કરી રહ્યા હતા. ATSની સાયબર ટીમ છેલ્લા ઘણા સમયથી આ બંને યુવાનોની ડિજિટલ ગતિવિધિઓ પર ગુપ્ત રીતે વોચ રાખી રહી હતી.

કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની હતી ફિરાક
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને યુવાનો માત્ર પોસ્ટ મૂકવા પૂરતા મર્યાદિત નહોતા, પરંતુ તેઓ રાષ્ટ્ર વિરોધી મોટા કાવતરામાં પણ સામેલ હતા. સોશિયલ મીડિયા પર તેમની શંકાસ્પદ વાતચીત અને ‘એન્ક્રિપ્ટેડ’ ચેટ્સ પરથી એવા સંકેતો મળ્યા છે કે તેઓ રાજ્યમાં કોઈ મોટી અઘટિત ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.
ATS દ્વારા સઘન પૂછપરછ
ધરપકડ બાદ ATS દ્વારા બંને યુવાનોની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમની પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ તેમજ અન્ય વાંધાજનક ડિજિટલ પુરાવાઓ કબજે કરવામાં આવ્યા છે. હવે તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ યુવાનો કોના સીધા સંપર્કમાં હતા અને શું તેમને સરહદ પારથી કોઈ હેન્ડલર્સ દ્વારા સૂચનાઓ મળતી હતી? આ સાથે જ તેમનું સ્લીપર સેલ નેટવર્ક ગુજરાતમાં અન્ય કયા સ્થળોએ ફેલાયેલું છે તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.
આ કાર્યવાહી બાદ રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે અને સોશિયલ મીડિયા પર દેશવિરોધી ઝેર ઓકનારાઓ સામે કડક પગલાં લેવાની તૈયારી બતાવી છે.
આ પણ વાંચો:કચ્છ સરહદ પરથી એક સાથે દસ પાકિસ્તાની બોટ અને ખલાસીઓ પકડાયા
આ પણ વાંચો:ડિજિટલ અરેસ્ટ ફ્રોડ : પોલીસની સતર્કતાથી વૃદ્ધ મહિલાના ₹27 લાખ બચાવાયા
આ પણ વાંચો: ધર્માંતરણ અને હિંદુઓની ઘટતી સંખ્યાને લઈ નીતિન પટેલે ધોકો પછાડ્યો
