બીલીમોરા,
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાંથી ઘણા નાપાસ પણ થતા હોય છે. જેમાંથી નિરાશ થઈને અનેક વિદ્યાર્થીઓ ખોટું પગલું ભરી બેસતા હોય છે. ત્યારે બીલીમોરાના ગામનો એક યુવક નાસીપાસ થતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે. તલોધ ગામમાં રહેતો યુવક નીલ દેસાઈ ધોરણ 12માં 26 વખત નાપાસ થયો હતો. પરંતુ તેમ છતાં તેણે હિંમત ન હારી અને અંતે કેમેસ્ટ્રીમાં પીએચડી પૂરું કર્યું.
નીલ દેસાઈએ 1989માં 10માં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો હતો અને 1991માં પ્રથમ વખત ધોરણ 12ની પરીક્ષા આપી હતી.પરંતુ બાયોલોજીની પ્રેક્ટિકલ પરીક્ષામાં તે નાપાસ થયો હતો. ત્યાર બાદ 2005 સુધી દર વર્ષે ઓક્ટોબર અને માર્ચ મહિનામાં લેવાતી પરીક્ષાઓ – કુલ મળીને 26 જેટલી પરીક્ષાઓ આપી હતી.
જો કે આ દરમિયાન તેણે ધોરણ 10ના આધારે ડિપ્લોમામાં પ્રવેશ મેળવી લીધો હતો.અને એ જ વર્ષમાં ડિપ્લોમા કરનાર વિદ્યાર્થીને બીએસસીમાં પ્રવેશ મળશે તેવો નિયમ લાગુ થતા નીલ દેસાઈએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હેઠળની કોલેજમાં પ્રવેશ મેળવી લીધો. જે સમયે તેની ઉંમર 34 વર્ષની હતી. જેથી તેને તેના કરતા 10, 12 વર્ષ નાના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરવો પડતો. તેમ છતાં કોઈ પણ પ્રકારની શરમ વગર તેણે અભ્યાસ ચાલુ રાખ્યો અને ડીસ્ટીક્શન સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું.
ત્યાર બાદ ઓર્ગેનિક કેમેસ્ટ્રી વિષયમાં ડીસ્ટીક્શન સાથે એમએસસી પણ પૂરું કર્યું. ત્યાર બાદ 2012માં પીએચડીની શરૂઆત કરી હતી. ઉકા તરસાડી યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રીમાં – ઈફેક્ટિવ ગ્રીન ઈન્હીબીટર્સ ફોર માઈલ્ડ સીલ કોરોશન ઈન વેરિયસ એસિડ વિષય સાથે તેણે પીએચડી પણ પૂર્ણ કર્યું.
મહત્વનું છે કે, નીલ દેસાઈએ નાપાસ થઈ જતા વિદ્યાર્થીઓને હતાશ ન થવા અને સતત પ્રયત્ન કરતા રહેવો જોઈએ તેવું જણાવ્યું હતું.