ગાંધીજીનાં ગુજરાતમાં આમતો દારૂબંધી વર્ષોથી અમલી જ છે. દારૂબંધી અને દારુની રેલમછેલ જેવા મુદ્દા રાજ્યમાં છાશવારે ઉછળતા પણ રહે છે. દારૂનાં ખુલે આમ વહેંચાણના કિસ્સા પણ સામે આવતા રહે છે અને બુટલેગરો દ્વારા દારૂ લાવવાની અને વહેંચવાની અવનવી રીતો પણ સામે આવતી રહે છે. તમામ હકીકતો વચ્ચે ગુજરાતમાં દર વર્ષે અધધધધ દારુ પોલીસ દ્વારા પકડવામાં પણ આવે છે. પોલીસ દ્વારા ગુજરાતમાંથી પકડવામાં આવેલા દારુની કિંમત જાણીને આશ્ચર્યચકિત થઇ જવાઇ એવા આંકડા ગુજરાત વિધાનસભામાં રજુ કરવામાં આવ્યા છે. આંકડા જાણ્યા પછી સવાલ પણ ઉભો થાય છે કે ગુજરાતમાં દારુબંધી વચ્ચે અટલો દારુ પકડવામાં આવ્યો છે તે નહીં કેટલો પકડાયો હોય? અને જો પ્રાસ બેસાડવા લાગો તો ફરી સવાલ ઉભો થાય કે તો શું ગુજરાતમાં ખરેખર દારુબંધી છે ?
જી હા, આજથી શરૂ થયેલા ગુજરાત વિધાનસભાના ત્રીદિવસીય સત્રનાં પહેલા દિવસે, ખુદ સરકારે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દારૂનો કેટલો જથ્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો તેના આંકડા આપ્યા હતા. સરકારનાં આંકડા પ્રમાણે ગુજરાતમાં અધધધ 252 કરોડનો દારૂ ઝડપાયો છે. તો આ વાત ફક્ત દારુનાં નશા સુધી સીમિત ન રહેતા ગુજરાતમાંથી અન્ય નશીલા પદાર્થો પણ વિપુલ માત્રામાં પકડવામાં આવ્યા છે તેના આંકડા પણ આવાજ ચોંકાવનારા છે. જેમાં 11,831કિલોગ્રામ ગાંજો પકડાયાનું પણ સરકારે કબૂલ કર્યું છે. પાછલા બે વર્ષ દરમિયાન રાજ્યમાંથી 69.60 કિલોગ્રામ ચરસ તેમજ 3236 કિલોગ્રામ અફીણ પણ પકડાયું છે.
દેશીમાં કોણ – વિદેશીમાં કોણ મોખરે
સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રંગીલુ રાજકોટ દેશીમાં 1st છે અને મોજીલા સુરતીલાલાઓ વિદેશીની છોળો ઉડાળવામાં અવલ છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 252 કરોડ 32લાખ 52 હજાર અને 714 રૂપિયાનો દારૂ પકડાયો છે. જેમાંથી દેશી દારૂનો સૌથી વધારે જથ્થો રંગીલી રાજકોટમાંથી પકડાયો છે. જ્યારે સુરત શહેરમાંથી સૌથી વધારે વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે.
ગંજો ક્યાં-ક્યાંથી પકડાયો
સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 11,831 કિલો ગાંજો પકડાયો છે. જેમાં સૌથી વધારે ગાંજો સુરત શહેરમાં 3534 કિલો કબજે કરાયો છે. પાટણથી 2462 કિલો તો આણંદથી 2225 કિલો ગાંજો પોલીસે કબજે કર્યો છે.
કિંમત પ્રમાણે કોણ અવલ
કિંમત પ્રમાણે વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં સૌથી વધારે કિંમતનો વિદેશ દારૂ જપ્ત કરાયો છે. અમદાવાદ જિલ્લામાંથી ઝડપાયેલા દારૂની કિંમત આશરે 25 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. જ્યારે બીજા ક્રમે બનાસકાંઠા જિલ્લો આવે છે. બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા દારૂની કિંમત આશરે 22 કરોડ રૂપિયા જેવી થાય છે. જ્યારે ડાંગ જિલ્લામાં સૌથી ઓછી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. ડાંગમાંથી છેલ્લા બે વર્ષમાં આશરે 58 લાખનો કિંમતનો દારૂ પકડાયો છે.
જિલ્લો અને પકડાયેલ દારુની કિંમત(રૂપિયા)
અમદાવાદ – 250,868,519
બનાસકાંઠા – 221,399,710
વલસાડ – 171,531,770
વડોદરા – 162,491,939
સુરત – 141,592,602
રાજકોટ – 127,650,628
ગાંધીનગર – 100,653,398
ડાંગ – 5,799,434
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
