રાજકોટ: રાજકોટ શહેરની સીમમાં આવેલી મેટોડા જીઆઇડીસીમાંથી બોમ્બ મળ્યાની ઘટનાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ છે. જયારે બીજી તરફ CM વિજય રૂપાણી આજે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે રાજકોટની મુલાકાતે આવ્યા છે. સીએમ રૂપાણીની મુલાકાત સમયે બોમ્બ મળી આવતા રાજકોટ જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઉપરાંત સ્થાનિક લોધિકા પોલીસ પણ દોડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મેટોડા જીઆઇડીસીમાં બોમ્બ મળી આવ્યો છે. આ બોમ્બ દેશી બનાવટનો ટાઇમર બોમ્બ છે, જો કે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડે આ બોમ્બને ડિફ્યુઝ કરીને કબ્જે કર્યો છે.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારના સમયે મેટોડા જીઆઇડીસી પાસે રવિ ટેકનો કાસ્ટ પાસેથી દેશી બનાવટનો ટાઇમર બોમ્બ મળી આવ્યો છે. આ બોમ્બ અંગે પોલીસને જાણ કરવામાં આવતા રાજકોટ જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા આ દેશી બનાવટનો ટાઈમર બોમ્બ મળી આવ્યો હતો. જે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડની ટીમના સભ્યોએ ભારે જહેમત બાદ તેને ડિફ્યુઝ કરી નાખ્યો હતો આ પછી તેને કબ્જે લીધો હતો.
આ દરમિયાનમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ દેશી બોમ્બને જીલેટીન સ્ટીકની બનાવટની મદદથી બોમ્બ બનાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બોમ્બ ફૂટે તે અગાઉ જ એક કારખાનેદાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના કારણે મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ છે.
આ ઘટના અંગે પોલીસ દ્વારા આ બોમ્બને અહીં કોણે મુક્યો, આ બોમ્બને કોણે બનાવ્યો, આ બોમ્બ અહીં મૂકવા પાછળનો શો ઉદેશ હતો? જેવા વિવિધ મુદ્દાઓ અંગે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે આ ઘટનાનો મુખ્ય આરોપી હજુ ફરાર છે. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
