સોહરાબુદ્દીન-તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. શનિવારે મુંબઇની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં મુખ્ય સાક્ષી આઝમ ખાને નિવેદનમાં એક સ્ફોટક નિવેદન આપ્યું છે.
આઝમ ખાને અદાલતને કહ્યું હતું કે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા ડીજી વણઝારાએ સોહરાબુદ્દીન શેખ દ્વારા કરાવી હતી. આઝમ ખાને સીબીઆઇ કોર્ટને કહ્યું કે, સોહરાબુદ્દીન અને તુલસી તેના સારા મિત્રો હતા અને સોહરાબુદ્દીને મને કહ્યું હતું કે તેણે નઇમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન અને શાહિદ સાથે મળીને હરેન પંડ્યાની હત્યા કરી હતી.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અનુસંધાનમાં સીબીઆઇએ જે ચાર્જશીટ રજૂ કરી હતી, તેમાં એન્કાઉન્ટરનો મોટિવ અલગ છે. આ ચાર્જશીટ મુજબ, સોહરાબુદ્દીને માર્બલના વેપારી વિમલ પટ્ટણી અને સંગમ ટેક્સટાઇલના એક વેપારીને ધમકી આપી ખંડણી માંગી હતી.
પરંતુ આઝમ ખાન ટ્રાયલ કોર્ટમાં આપેલા નિવેદનમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો મોટિવ હરેન પંડ્યા હત્યા કેસ સાથે જોડાઇ ગયો છે. ચાર્જશીટમાં એન્કાઉન્ટર પાવર હાઉસ પાસે બતાવ્યું છે, જ્યારે આઝમે કહ્યું કે, સોહરાબુદ્દીન અને કૌસરબીની હત્યા તો ફાર્મ હાઉસમાં જ કરવામાં આવી હતી.
