ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીમાં લાખો મતદારોએ રાજકીય પક્ષના ઉમેદવારને મત આપવાનુ જ પસંદ કર્યુ ન હતું. આ વખતે ચૂંટણીમાં ૫.૫૧ લાખ મતદારોએ રાજકીય પક્ષના ઉમેદવારને બદલે નોટાને મત આપ્યો હતો. જનતાને હવે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધી પર ભરોસો રહ્યો નથી. લોકો ધારાસભ્યોની કામગીરીથી ભારોભાર નારાજ છે. આ કારણોસર લોકોએ ચૂંટણીમાં મત તો આપ્યો પણ નોટાને. મોટાભાગે દરેક મત વિસ્તારમાં બે-ચાર હજાર મતો નોટાને મળ્યાં છે.
નોટાના મતોએ પણ હારજીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જો મતદારોએ નોટાને મત ન આપ્યાં હોત,અને પસંદગીના ઉમેદવારને મત આપ્યો હોત તો, કદાચ પરિણામ જૂદુ હોત. રાજ્ય ચૂંટણીપંચના મતે, ગુજરાતના કુલ મતના ૧.૮ ટકા મત નોટાને મળ્યાં છે.
આ તરફ, એનસીપી,બીટીપી,બહુજન સમાજ પાર્ટી સહિતના નાના રાજકીય પક્ષોને નોટા કરતાં ઓછા મતો મળ્યા છે. મતદારોએ નાની રાજકીય પાર્ટી કરતાં નોટાને પસંદ કરવાનુ વધુ પસંદ કર્યુ છે. જે ઉમેદવારો પ્રત્યેની નારાજગી દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, ગત લોકસભાની ચૂંટણીમાં નોટાનો પ્રથમવાર ઉપયોગ કરાયો હતો.
