વાપી: વાપીમાં આવેલ ગોદાલનગર વિસ્તારમાં સહારા હોસ્પિટલ સામે આવેલી આધાધામ સ્કૂલની પાછળ મેદાનમાં પાર્ક કરેલ સ્કૂલ બસમાં આગ લાગી હતી. જોકે આજે રવિવારની રજા હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વાપીમાં ગોદાલનગર વિસ્તારમાં સહારા હોસ્પિટલ સામે આધાધામ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલની પાછળના ભાગે એક મેદાન આવેલું છે, આ મેદાનમાં લક્ષી વિદ્યાપીઠ અને ગજેરા ટ્રસ્ટ સંચાલિત સ્કૂલોની સ્કૂલ બસો પાર્ક કરવામાં આવે છે.
આ મેદાનમાં આજે પણ આ સ્કૂલોની સ્કૂલ બસોને પાર્ક કરવામાં આવી હતી. આ દરમિયાનમાં આજે આ પાર્ક કરેલી બસો પૈકીની એક બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે આસપાસની તમામ સોસાયટીઓના રહીશો એકઠાં થઈ ગયા હતા.
સ્કૂલ બસમાં આગ લાગ્યા અંગે વાપીની સ્થાનિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે અંગે ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયરબ્રિગેડની બે ગાડીઓએ ઘટના સ્થળ પર આવીને સ્કૂલ બસમાં લાગેલી આગને ઓલવી નાખી હતી.
આ આગની ઘટનાને લીધે અન્ય બસોને પણ નાનું નુકસાન થયું હતું. જો કે, કોઈ મોટું નુકશાન થવા પામ્યું ન હતું. આ આગની ઘટના અંગે ફાયરબ્રિગેડ સ્ટાફને આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળી શક્યું ન હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મેદાનમાં 6 થી વધુ સ્કૂલ બસો પાર્ક કરવામાં આવેલી હતી. પરંતુ એક બસમાં આગ લાગી હતી. જેને ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક ઓલવી નાખવામાં આવી હતી, જેના કારણે અન્ય બસો સુધી આગની જ્વાળાઓ પહોંચી શકી ન હતી. જો આ આગ અન્ય બસો સુધી પહોંચી હોત તો વિચારવું કલ્પના બહાર છે.
આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. જો કે, આજે રવિવાર હોવાથી શાળાઓ બંધ હતી. જેના કારણે મોટી દુર્ઘટના થઈ અટકી ગઈ હતી.
