Gujarat News/ ઇથોપિયામાં બંધક 3 ગુજરાતી મુક્ત, મુંબઈ પહોંચ્યા

ઇથોપિયા બંધક (Ethiopia Hostage) બનેલા આ ત્રણેય લોકો આજે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા

Top Stories Gujarat Others
ઇથોપિયા બંધક (Ethiopia Hostage) બનેલા આ ત્રણેય લોકો આજે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા.

Gujarat News : ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની લાલચમાં વિદેશ પહોંચેલા ઉત્તર ગુજરાતના ત્રણ લોકો (Gujarati Youth)માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઇથોપિયામાં બંધક બનાવવામાં આવેલા મહેસાણા અને ગાંધીનગરના ત્રણેય લોકો સહીસલામત ભારત પરત ફર્યા છે. ઇથોપિયા બંધક (Ethiopia Hostage) બનેલા આ ત્રણેય લોકો આજે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા.

મળતી માહિતી મુજબ, મહેસાણાના વડસ્માનો ઋત્વિક જનસારી, ગોઝારિયાની મમતા ચાવડા અને ગાંધીનગરની મયુરીને ઇથોપિયામાં એજન્ટોના નેટવર્ક દ્વારા બંધક (Ethiopia Hostage)બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પરિવારજનો પાસે આશરે રૂ. 1 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી.

Ethiopia Hostage : વિદેશ મંત્રાલયના પ્રયાસોથી ખંડણી વિના મુક્તિ

આ મામલે મહેસાણા પોલીસ દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલય (Ministry of External Affairs)સાથે સતત સંકલન કરવામાં આવ્યું હતું. જરૂરી દસ્તાવેજો અને વિગતો કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય તંત્ર દ્વારા ઇથોપિયાના સ્થાનિક તંત્ર સાથે વાતચીત કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, અપહરણકારો સાથે પરિવારજનોની સીધી વાતચીત પણ કરાવવામાં આવી હતી. ભારતીય અધિકારીઓ દ્વારા કાયદાકીય કાર્યવાહી અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ પરિવારની આર્થિક સ્થિતિ અંગે પણ તેમને જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા બાદ ત્રણેય લોકોને કોઈપણ ખંડણી ચૂકવ્યા વિના મુક્ત કરાવવામાં આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે.

વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા

બુધવારે રાત્રે ઇથોપિયાથી ફ્લાઇટમાં સવાર થયેલા ત્રણેય લોકો ગુરુવારે વહેલી સવારે આશરે 3 વાગ્યે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમના ભારત પરત ફરતાં પરિવારજનોમાં પણ રાહતનો માહોલ જોવા મળ્યો હતો.

વડસ્મા ખાતે રહેતા પરિવારજનો ત્રણેયને લેવા માટે મુંબઈ પહોંચ્યા હતા. જોકે, સમગ્ર મામલે પરિવારજનો દ્વારા હાલ વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.

માનવ તસ્કરીના નેટવર્ક સામે પોલીસની તપાસ

ત્રણેય લોકો સુરક્ષિત પરત ફર્યા બાદ હવે તેમને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના સમગ્ર નેટવર્ક સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે. લાંઘણજ પોલીસે વડોદરા અને મહેસાણાના સ્થાનિક એજન્ટોની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલતા એજન્ટોના સંપર્કો, નાણાકીય વ્યવહારો અને સમગ્ર સિન્ડિકેટની કામગીરી અંગે તપાસ કરવામાં આવી રહી છે. માનવ તસ્કરી (Human Trafficking)સાથે સંકળાયેલા નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: લંડન જવા નીકળેલો અમદાવાદનો પરિવાર ગુમ, આફ્રિકામાં બંધક બનાવી ખંડણી માંગ્યાનો આક્ષેપ

આ પણ વાંચો: મતદાનના બહાને વડોદરામાં વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ, વિસ્તારમાં ભયનો માહોલ

આ પણ વાંચો: બંગાળમાં કાયદો-વ્યવસ્થા પડી ભાંગી, 7 અધિકારીઓને બંધક બનાવાતા સુપ્રીમ કોર્ટ નારાજ; DGP પાસે માંગ્યો જવાબ