Ahmedabad News: વિદેશ જવાની લ્હાયમાં નીકળેલા વધુ એક ગુજરાતી પરિવાર સાથે ગંભીર ઘટના બની હોવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતો યેમેકર પરિવાર વર્ક પરમીટ (London Work Permit Fraud)ના આધારે લંડન જવા નીકળ્યો હતો, પરંતુ દુબઈ પહોંચ્યા બાદ પરિવારનો સંપર્ક તૂટી જતા ચિંતા ફેલાઈ છે.
પરિવારજનોનો આક્ષેપ છે કે, એજન્ટોએ પરિવારના ચાર સભ્યોને કોઈ આફ્રિકન દેશમાં બંધક બનાવી દીધા છે અને હવે તેમની મુક્તિ માટે કરોડોની ખંડણી માંગવામાં આવી રહી છે.
London Work Permit Fraud: 20 એપ્રિલે લંડન જવા નીકળ્યો હતો પરિવાર
મળતી માહિતી મુજબ, 20 એપ્રિલે પરિવારના ચાર સભ્યો એજન્ટોની મદદથી અમદાવાદથી નીકળ્યા હતા. સૌપ્રથમ તેમને દિલ્હી, ત્યારબાદ શ્રીલંકા અને ત્યાંથી દુબઈ લઈ જવાયા હતા.પરંતુ દુબઈ પહોંચ્યા બાદ પરિવાર સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો. ત્યારબાદ પરિવારજનોને વોટ્સએપ કોલ અને મેસેજ દ્વારા ખંડણીની માંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

લોહીથી લથપથ તસવીરો મોકલી ખંડણીની માંગ
પરિવારજનોને મોકલવામાં આવેલી તસવીરોમાં પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને 17 વર્ષીય રુદ્રના ગળા પર છરી મારેલી તસવીર મોકલી ખંડણી માંગવામાં આવી હોવાનો આક્ષેપ છે. શરૂઆતમાં ‘બાબા ખાન’ નામે ફોન કરીને દોઢ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ રકમ એક કરોડ અને અંતે 70 લાખ સુધી લાવવામાં આવી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.
એજન્ટો સામે ગંભીર આરોપ
પરિવારની દીકરી શ્રેયાના જણાવ્યા મુજબ, લંડન (London Work Permit Fraud) મોકલવા માટે પ્રતિ વ્યક્તિ 30 લાખ રૂપિયા એજન્ટોને ચૂકવવામાં આવ્યા હતા.આ સમગ્ર મામલામાં અમદાવાદના પ્રીતેષ જોશી અને વલસાડના દર્શન મિસ્ત્રી સહિત અન્ય એજન્ટોના નામ સામે આવ્યા છે. ગોમતીપુર પોલીસે એક એજન્ટને રાઉન્ડઅપ કરીને પૂછપરછ શરૂ કરી છે.
“પોલીસે પહેલા ધ્યાન ન આપ્યું”
દીકરી શ્રેયાએ આક્ષેપ કર્યો છે કે, શરૂઆતમાં ગોમતીપુર પોલીસે ફરિયાદને ગંભીરતાથી લીધી નહોતી. બાદમાં ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યા પછી પોલીસ હરકતમાં આવી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે. પરિવાર ખરેખર ક્યાં છે અને તેઓ સુરક્ષિત છે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
વિદેશ જવાના સપના બન્યા દુઃસ્વપ્ન
તાજેતરમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી (London Work Permit Fraud) અને માનવ તસ્કરીના અનેક કેસો સામે આવી રહ્યા છે. આવી ઘટનાઓ લોકો માટે ચેતવણીરૂપ બની રહી છે કે વિદેશ જવા માટે કોઈપણ એજન્ટ પર આંખ મીંચીને વિશ્વાસ કરવો જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:આફ્રિકાના સ્વાઝીલેન્ડમાં ગુજરાતી પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા, પરિવાર ભરૂચનો વતની
આ પણ વાંચો:યુએસ-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનાર ગુજરાતી પરિવારના મૃતદેહ ભારત પરત નહીં લાવી શકાય!
આ પણ વાંચો:સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત
