Ahmedabad News/ અમદાવાદ ગ્રામ્યમાં 77માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી

સમગ્ર દેશ જ્યારે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય ખાતે આયોજિત મુખ્ય જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી (DyCM કક્ષાના પદ ધરાવતા) હર્ષ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગર્વભેર તિરંગો લહેરાવીને રાષ્ટ્રને સલામી આપી હતી.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: સમગ્ર દેશ જ્યારે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય ખાતે આયોજિત મુખ્ય જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી (DyCM કક્ષાના પદ ધરાવતા) હર્ષ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગર્વભેર તિરંગો લહેરાવીને રાષ્ટ્રને સલામી આપી હતી.

ધ્વજવંદન અને પરેડનું આકર્ષણ

કાર્યક્રમની શરૂઆત મંત્રી હર્ષ સંઘવી દ્વારા ધ્વજવંદનથી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ બેન્ડ દ્વારા સુમધુર સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત પોલીસના વિવિધ દળોએ શિસ્તબદ્ધ રીતે કૂચ કરી સલામી આપી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમો આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા. યોગમાં વિદ્યાર્થીઓએ વિવિધ જટિલ આસનો રજૂ કરી શારીરિક ક્ષમતા અને એકાગ્રતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લોકનૃત્ય અને દેશભક્તિમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતા ગરબા અને રાસની સાથે સાથે દેશભક્તિના ગીતો પર નૃત્ય રજૂ કરીને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી.

પોલીસ દળની શક્તિ અને ટેકનિકલ પ્રદર્શન

આ વર્ષની ઉજવણીમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે પોતાની આધુનિક સુરક્ષા ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. SOG Drill (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ગ્રામ્ય પોલીસની SOG ટીમ દ્વારા એક ખાસ ડ્રિલ રજૂ કરવામાં આવી હતી. જેમાં આતંકવાદી હુમલો કે કટોકટીની સ્થિતિમાં કેવી રીતે ઝડપી પ્રતિભાવ (Quick Response) આપવો, ઓપરેશનલ સંકલન કેવી રીતે જાળવવું અને અસરકારક કાર્યવાહી કેવી રીતે કરવી તેનું જીવંત પ્રદર્શન કરાયું હતું. આધુનિક હથિયારોમાં જોઈએ તો પોલીસ દળ પાસે રહેલા અત્યાધુનિક રાઈફલ્સ, કમ્યુનિકેશન સેટ અને સુરક્ષા સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટેકનિકલ સજ્જતામાં જોઈએ તો સુરક્ષા ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ, ડ્રોન સર્વેલન્સ અને ડિજિટલ મોનિટરિંગ કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી પણ અપાઈ હતી.

આધુનિક વાહનોનું પ્રદર્શન

પોલીસ કાફલામાં સામેલ નવા અને આધુનિક સુરક્ષા વાહનોનું ડિસ્પ્લે પણ ગોઠવવામાં આવ્યું હતું. આ વાહનો કેવી રીતે કપરી પરિસ્થિતિમાં સુરક્ષા પૂરી પાડે છે અને ગુનેગારોને ઝડપવામાં મદદરૂપ થાય છે તેની ઝીણવટભરી વિગતો અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. અંતે મંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી હતી અને નાગરિકોને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી. આ ઉજવણી માત્ર એક સરકારી કાર્યક્રમ બની ન રહેતા, લોકોમાં દેશપ્રેમ અને સુરક્ષા દળો પ્રત્યે આદર પેદા કરનારું એક માધ્યમ બની હતી.


આ પણ વાંચો : બોટાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

આ પણ વાંચો : પ્રજાસત્તાક દિને ગુજરાતના પાંચ IPS અધિકારી પ્રેસિડેન્ટ મેડલથી થશે સન્માનિત

આ પણ વાંચો : પ્રજાસત્તાક દિને 6 શૂરવીરોને કીર્તિ ચક્ર, 15ને શૌર્ય સન્માન, 412 વીરતા પુરસ્કારોની જાહેરાત